ભાજપ હાઈકમાન્ડે ફડણવીસને ઝીરો બનાવી દીધા

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રમાં અગિયાર દિવસથી ચાલતા પોલિટિકલ ડ્રામાનો અંત લાવીને અંતે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની ગયા. ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો ત્યારથી શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના નામે બગાવતને વ્યાજબી ઠેરવવા મથ્યા કરતા એકનાથ શિંદેએ બાળાસાહેબના નામે શપથ લઈને સંકેત આપી દીધો કે, ભવિષ્યમાં પોતે બાળાસાહેબના નામે ચરી ખાવાનું ચાલુ રાખશે. બાળાસાહેબના સિદ્ધાંતો, બાળાસાહેબના વિચારો પર કબજો કરીને પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ અને સત્તાલાલસા સંતોષવાનો ખેલ એકનાથ શિંદે ખેલ્યા કરશે.
એકનાથ શિંદે ગાદી પર બેઠા એ સમાચાર મોટા છે પણ તેના કરતાં મોટા સમાચાર દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા એ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદે બે વાર બિરાજનારા ફડણવીસે એક વાર તો પાંચ વર્ષની આખી ટર્મ પૂરી કરી છે. બીજી વાર રાજકીય દાવપેચમાં ના ફાવ્યા તેથી ચાર દિવસમાં રાજીનામું ધરી દેવું પડેલું પણ ફડણવીસ મોટા નેતા છે તેમાં શંકા નથી.
મહારાષ્ટ્રમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે ને અત્યારે ફડણવીસ ભાજપના સર્વોચ્ચ નેતા છે એ સ્વીકારવું પડે. આવા ધૂરંધરે એકનાથ શિંદે જેવા પોતાનાથી રાજકીય કદમાં અત્યંત જુનિયર એવા નેતાના ડેપ્યુટી તરીકે કામ કરવું પડે એ આંચકાજનક છે. સામાન્ય લોકોને તો આ સાંભળીને આંચકો લાગી જ ગયો છે પણ ભાજપના કાર્યકરો ને નેતા પણ ઘિસ ખાઈ ગયા છે. ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા તેમાં પણ ચોંકાવનારી વાત એ છે કે, ફડણવીસની મરજી નાયબ મુખ્યમંત્રી બનવાની જરાય નહોતી પણ ભાજપ હાઈકમાન્ડે તેમને ફરજ પાડી છે.
આ કારણે ફડણવીસની આબરૂનો કચરો તો થયો જ છે પણ ભાજપની આબરૂના પણ ધજાગરા થયા છે. ભાજપના નેતા-કાર્યકરોને પણ લાગે છે કે, ફડણવીસને એકનાથ શિંદેના ડેપ્યુટી બનાવીને હાઈકમાન્ડે તેમને કોડીના કરી નાંખ્યા છે. સત્તાલાલસાને ખાતર ભાજપે પોતાના નેતાના ગૌરવની હરાજી કરી નાંખી એવું ભાજપના નેતા-કાર્યકરોને લાગે છે.
આ લાગણી ખોટી નથી કેમ કે એકનાથ શિંદે તો મુખ્યમંત્રીપદની રેસમાં ક્યાંય ચિત્રમાં જ નહોતા. ચિત્રમાં માત્ર ને માત્ર ફડણવીસ હતા. બુધવારે રાત્રે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપતાં જ ભાજપે ઉજવણી શરૂ કરી દીધી હતી અને દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન મળવા લાગ્યા હતા. ફડણવીસ જ મુખ્યમંત્રી બનશે ને ફરીથી મુખ્યમંત્રીપદનો તાજ તેમના કપાળ પર શોભશે એમ માનીને લોકોએ મીઠાઈ ખવડાવવાનું શરૂ કરી દીધું હતું. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ફડણવીસને મીઠાઈ ખવડાવી રહ્યા છે તેની તસવીરો મીડિયામાં વાયરલ થઈ છે. ભાજપના નેતા-કાર્યકરોનો ઉત્સાહ એ તસવીરોમાં છલકાઈ રહ્યો છે. ફડણવીસ પણ મલકાતા મોંઢે બેઠા છે ને અભિનંદનો સ્વીકારી રહ્યા છે, મીઠાઈની મજા માણી રહ્યા છે.
ભાજપનો આ ઉત્સાહ ફડણીવસ માટે જ હતો. બાકી એકનાથ શિંદે ગાદી પર બેસવાના હોય તો ભાજપ આટલો ઘેલો શું કરવા થાય? બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના જેવું શું કરવા કરે? ગુરુવારે પણ ફડણવીસ સહિતના ભાજપના નેતા જે દોડધામ કરતા હતા એ ભાજપની સરકારની રચના માટે જ હતી. ગુરુવારે બપોર સુધી દરેક જગ્યાએ એવી જ ચર્ચા હતી કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે ને એકનાથ શિંદેને કદાચ નાયબ મુખ્યમંત્રીપદ અપાઈ શકે. સાંજે સાડા ચાર વાગ્યે પત્રકાર પરિષદમાં ફડણવીસે પહેલી પાંચેક મિનિટ આડીતેડી વાતો કરી ને પછી પોતે નહીં પણ એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે એવું કહીને સૌને ચોંકાવી દીધા હતા.
ફડણવીસે એ વખતે જ પોતાને આ નિર્ણય માન્ય નથી તેનો સંકેત આપી દીધેલો. ફડણવીસે સાફ શબ્દોમાં કહેલું કે, એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે અને આજે સાંજે જ સાડા સાત વાગે તેઓ એકલા જ શપથ લેશે. ભાજપ તેમનું સમર્થન કરશે અને ભાજપના નેતા શિંદે સરકારમાં સામેલ થશે પણ હું બહાર રહીશ, સરકારમાં જોડાવાનો નથી.
ફડણવીસની નારાજગી સમજી શકાય એવી હતી. ફડણવીસ માટે માલ ખાય મરીયમ ને ગોદા ખાય ફાતિમા જેવો ઘાટ થઈ ગયેલો. બધી મહેનત તેમણે કરેલી ને છેવટે એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની ગયા તેથી ફડણવીસને લાગી આવે એ સ્વાભાવિક છે પણ હાઈકમાન્ડે ફડણવીસની લાગણીને ના ગણકારી એ મોટી વાત છે. ફડણવીસના સરકારમાં જોડાવાના ઈનકારના કલાકમાં તો ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ એલાન કરી દીધું કે, ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બનશે.
નડ્ડાના એલાન છતાં ફડણવીસે શપથ લેવા ઈનકાર કર્યો. એ પછી અમિત શાહનાં મનામણાં, મોદીએ બે વાર કરેલા ફોન વગેરેના કારણે અંતે ફડણવીસે નાયબ મુખ્યમંત્રીપદ લેવું પડ્યું પણ તેમણે પોતાનો બળાપો ટ્વિટ કરીને વ્યક્ત તો કર્યો જ છે. ફડણવીસે લખ્યું કે, પ્રમાણિક કાર્યકરના નાતે હું પક્ષના આદેશનું પાલન કરું છું. જે પક્ષે મને સર્વોચ્ચ હોદ્દા પર બેસાડ્યો તેનો આદેશ મારા માટે સર્વોપરિ છે. અમિત શાહે પણ ફડણવીસે મોટું મન રાખીને મહારાષ્ટ્ર સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો તેની પ્રશંસા કરી તેના પરથી સ્પષ્ટ છે કે, ફડણવીસ કમને સરકારમાં જોડાયા છે. અમિત શાહ સહિતના નેતા તેમની નારાજગી દૂર કરવા માખણ લગાવી રહ્યા છે.
મહારાષ્ટ્રના આ ડ્રામાએ ભાજપને ભોટ ને શિંદેને મહાખેલાડી સાબિત કર્યા છે. મીડિયા ગુરુવાર બપોર લગી દેવેન્દ્ર ફડણવીસને ચાણક્ય ગણાવીને તેમણે કઈ રીતે ઉદ્ધવ ઠાકરે સરકારનો ખેલ પાડી દીધો તેના ગુણગાન ગાતાં થાકતું નહોતું. ફડણવીસ જબરદસ્ત મહેનત કરીને ગુમાવેલું મુખ્યમંત્રીપદ મેળવીને મહામુત્સદી સાબિત થયા છે એવી વાતોનો મારો છેક સાડા ચાર વાગ્યા સુધી ચાલ્યો પણ પાંચ જ મિનિટમાં ચિત્ર બદલાઈ ગયું.
ફડણવીસે શિંદેને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી પછી લોકોને ખબર પડી કે, અસલી ચાણક્ય તો શિંદે છે ને તેમણે કોઈને કલ્પના ના આવે એવો ખેલ પાડી દીધો છે. ભાજપ હાઈકમાન્ડની શિંદેને ટેકો આપવામાં શું મજબૂરી હશે એ રામ જાણે પણ તેમણે ફડણવીસનું ગૌરવ જાળવવાની જરૂર હતી. તેના બદલે હાઈકમાન્ડે ફડણવીસને ચાણક્યમાંથી ઝીરો બનાવી દીધા. શિંદેના હાથ નીચે કામ કરવાની ફરજ પાડીને ફડણવીસનું ગૌરવ સાવ હણી લીધું, લોકોની નજરમાં હાસ્યાસ્પદ બનાવી દીધા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.