(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૦૪૯.૬૫ કરોડની ચોખ્ખી લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૫૦ પૈસા ઊંચકાઈને અંતે ગઈકાલના બંધથી ૩૬ પૈસાના સુધારા સાથે ૭૯.૧૭ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૭૯.૫૩ના બંધ સામે સુધારાના ટોને ૭૯.૩૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯.૩૩ અને ઉપરમાં ૭૯.૦૩ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધથી ૩૬ પૈસાના વધીને ૭૯.૧૭ના મથાળે બંધ રહ્યો હતો.
અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલરમાં લેણ કપાવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટી માર્કેટમાં લેવાલી રહેતાં રૂપિયાની તેજીને ટેકો મળ્યો હતો અને ગત ૨૭ જુલાઈ પછીનો સૌથી મોટો એક દિવસીય ૩૬ પૈસાનો સુધારો જોવા મળ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૪૫૫.૯૫ પૉઈન્ટનો અને ૧૩૩.૭૦ પૉઈન્ટનો સુધારો અને આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૪૦ ટકા ઘટીને ૧૦૭.૮૯ આસપાસ ક્વૉટ થતાં રૂપિયામાં સુધારો આવ્યો હતો.

Google search engine