ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ
(૨૦)
સ્વાતંત્ર્ય મનીષી નર શ્રેષ્ઠ (જેટલા વિશેષણ વાપરીએ એટલા ઓછા પડે એવી વ્યક્તિ) મોતીલાલ તેજાવતે દેશને સ્વતંત્રતાની મંઝિલ ભણી પહોંચાડવામાં અનન્ય અને ઐતિહાસિક પ્રદાન આપ્યું છે. ભોળા, અભણ અને કુદરતના સંતાન સમા ભીલોની ચેતનાને સજીવન કરનારું આ વ્યક્તિત્વનું નામ સુવર્ણ અક્ષરે ઈતિહાસમાં અંકિત થવું જોઈએ પણ આપણા કમનસીબે એવું થયું નથી.
સદ્ભાગ્યે અમુક જૂના ગ્રંથ, પુસ્તકો, ગેઝેટ ઈત્યાદિમાં ખાખાંખોળા કરવાથી મોતીલાલ તેજાવત અને એમના કર્તૃત્વ વિશે ઘણી જાણકારી મળી રહે છે. ખુદ આ નરવીરે લખેલી ‘મોતીલાલ કી ડાયરી’ ઉપરાંત કવિરાજ શ્યામલદાસના ‘વીર-વિનોદ,’ નરેન્દ્ર વ્યાસ સંપાદિત ભીલ (સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમેં) એન.એન.વ્યાસ, આર. એસ. માન અને એન.ડી. ચૌધરી સંપાદિત અંગ્રેજી ‘પુસ્તક રાજસ્થાન ભીલ્સ,’ રાજસ્થાન સેવા સંઘ અજમેરનો મે-૧૯૨૨નો અહેવાલ ‘ધ સેક્ધડ ભીલ ટ્રેજેડી ઈન સિરોહી સ્ટેટ,’ ભગવાનદાસ કેલા કૃત ‘દેશી રાજ્યો કી જન-જાગૃતિ,’ રાજેન્દ્રલાલ હાંડા કૃત ‘દેશી રિયાસતો મેં સ્વાધીનતા કા ઈતિહાસ,’ ડૉ. રાજેન્દ્રસિંહ દર્ડાશ અંગ્રેજી પુસ્તક ‘ફ્રાંમ ફ્રિડમ ટુ ડેમોક્રેસી,’ ડૉ. દશરથ શર્માના ‘રાજસ્થાન થ્રુ ધ એજીસ-વોલ્યુમ વન’, ડૉ. નાથુરામ ખડગાવતના ‘રાજસ્થાન્સ રોલ ઈન ધ સ્ટ્રગલ ઓફ ૧૮૫૭,’ ડૉ. કે.એસ. સક્સેનાના ‘રાજસ્થાન મેં રાજનૈતિક જનજાગરણ,’ મુનશી જ્વાલા સહાયના ‘લોયલ રાજસ્થાન ઈન ઈંડિયા,’ રામ નારાયણ ચૌધરીના ‘હમારા રાજસ્થાન,’ મઝુમદારના ‘અવર ફ્રિડમ સ્ટ્રગલ,’ પૃથ્વીસિંહ મહેતાના ‘હમારા રાજસ્થાન,’ રઘુવીર સિંહના ‘પૂર્વ આધુનિક રાજસ્થાન,’ લક્ષ્મણ સિંહના ‘પોલિટિકલ ઍન્ડ કોન્સ્ટિક્ષ્યુશનલ ડેવલપમેન્ટ ઈન ધ પ્રિન્સલી સ્ટેટ્સ ઓફ રાજસ્થાન,’ સંકલિત ‘રાજસ્થાન સ્વતંત્રતા કે પહેલે ઔર બાદ,’ રાજેન્દ્ર અવસ્થીના ‘શહર સે દૂર,’ સંતોષ કુમારી જૈનના ‘આદિવાસી ભીલ જાણા’ અને ‘રાજપૂતાના ગેઝેટિયર’ તથા ‘ટ્રિટીઝ, એંગેજમેન્ટસ ઍન્ડ સનદ્સ’ સહિતના ગ્રંથોમાં મોતીલાલ તેજાવત અને ‘એકી’ આંદોલનની ગતિ, પ્રગતિ અને પ્રભાવના ઉલ્લેખ અને વિગતો મળી રહે છે.
આ બધી સંદર્ભ-સામગ્રી બધે ઉપલબ્ધ ન હોય અને મળે તો પણ વાચવાની ઈચ્છા-ફુરસદ કેટલા પાસે હોય? એટલે પ્રફુલ્લાનંદ પુરુષોત્તમભાઈ નવાકરના પી.એચ.ડી. માટેના મહાનિબંધ સાબરકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં વિવિધક્ષેત્રે આવેલું પરિવર્તન: એક સંશોધનાત્મક અભ્યાસમાંથી સસૌજન્ય મોતીલાલજીના જીવનના મહત્ત્વના મુદ્દા જાણવાની દિશામાં આગળ વધીએ.
તો મોતીલાલ તેજાવત આજના ગુજરાતના ખેડબ્રહ્મામાં પહોંચી ગયા. તેજાવત ભીલોની સભામાં હતા, ત્યારે તેમને મળવા દીવાન (ક્યાંના એ સ્પષ્ટ નથી) બે અશ્ર્વ સવાર સાથે આવ્યા. ભીલોને શંકા ગઈ કે મોતીલાલજીને પકડવા આવ્યા છે. એટલે બધા ભીલો ‘કિલ્કી કિલ્કી’ની બૂમો પાડવા માંડ્યા અને દીવાન પર આક્રમણ કરી દીધું. માંડમાંડ દીવાને એમને સમજાવીને શાંત પાડ્યા કે અમે મોતીલાલજીને પકડવા નહીં, માત્ર મળવા આવ્યા છીએ અને તેમની સાથે કરવેરા બાબતે ચર્ચા કરવી છે. આ ચર્ચા બાદ દીવાને ન જણાવ્યું કે તેઓ જે લેણુ છે તે રૂા. એક અને ચાર આના તથા પાંચ મણ મકાઈ આપશે, એનાથી વધુ કંઈ ચુકવવાના નથી. દીવાનને પ્રસ્તાવનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો. તેણે ભીલોને સાફ-સાફ કરી દીધું કે એક પાક પેટે રૂા. બેનો કર ચુકવવો પડશે અને આગામી મહિનાની કર પેટે પાંચ મણ અનાજ આપવું પડશે. ભીલોએ પણ દીવાનની ઑફર સદંતરપણે નકારી કાઢી. દીવાને આ મામલે દરબારની પરવાનગી લેવાની દરખાસ્ત રજૂ કરી અને બીજા દિવસે પંચોને મોકલવાની વાત કરી.
* સાદરાના પોલિટિક્સ એજન્ટે પંચોને બોલાવવા માટે માણસોને મારતે ઘોડે દોડાવ્યા. તેજાવતે પણ પોતાના પક્ષની રજૂઆત માટે પચાસ પંચ મોકલ્યા. ચાર-પાંચ દિવસની બેઠકમાં ચર્ચા છતાં કોઈ સહમતિ કે પરિણામ હાથ ન લાગ્યા.
* ત્યાર બાદ ઈડરના મહારાજા અને સાદરાના પોલિટિક્સ એજન્ટ મારતી મોટરે મોતીલાલ તેજાવતની છાવણી સુધી પહોંચ્યા. ફરી ભીલો સાવધ થઈ ગયા. ‘કિલ્કી કિલ્કી’ની બૂમાબૂમ શરૂ થઈ ગઈ. ભીલોને શાંત પાડીને સંદેશો અપાયા કે અમારો ઉદ્દેશ માત્ર મોતીલાલજીને મળવાનો છે, પરંતુ તેજાવતની ધરપકડ થવાના ભયે ભીલો કેમેય કરીને તૈયાર ન થયા. તેજાવતને શાંતિ અને ચર્ચાથી ઉકેલમાં રસ હતો. તેમણે ભીલોને પ્રેમપૂર્વક સમજાવ્યા કે મારી ધરપકડનો ડર હોય તો તમે ૨૦૦-૩૦૦ ભીલ મારી સાથે આવી શકો છે, પરંતુ તેજાવતની સલામતી માટે અત્યંત ચિંતિત ભીલોને ગળે આ વાતેય ન ઊતરી અને બન્ને મહેમાનોએ ડેલે હાથ દીધા વગર પાછા ફરવું પડ્યું. બન્નેએ આ પ્રતિસાદને બહુ હળવાશથી નહીં જ લીધો હોય એ સમજી શકાય છે. એક હતા શાસક અને બીજા એમનાય સુપર શાસકના પ્રતિનિધિ. એટલે કોઈ અદનો હિન્દુસ્તાની મળવાનો નનૈયા ભણે એ કેવી રીતે સ્વીકારી શકે?
આના પછી કોટડાના મદદનીશ પોલીસ સુપરિન્ટેન્ડન્ટે બાલા નામના હવાલદાર થકી સંદેશો કહેવડાવ્યો કે તેજાવત ખુદ કોટડા આવીને ફરિયાદો રજૂ કરે, જેની તત્ક્ષણે સુનાવણી થશે. આ હવાલદારને તરત રવાના કરીને સંદેશો પાઠવાયો કે આગલા દિવસે તેજાવત કોટડા પહોંચી જશે, પરંતુ એના ગયા પછી તેજાવત અને ભીલો વચ્ચે લાંબી વાતચીત બાદ નક્કી થયું કે જો આપણે કોઈ અમલદારને નહીં મળીએ તો સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને બધા માર્યા જઈશું અંતે નિર્ણય લેવાયો કે ઉદયપુરના મહારાજાને મળવું.
આ નિર્ણય એકદમ અણધાર્યું પરિણામ લાવીને ઈતિહાસનો માર્ગ બદલી નાખવાનો હતો એ હકીકત કોઈ જાણતું નહોતું. (ક્રમશ:)