ખેતરમાં આપમેળે ઊગી જતી લૂણીની ભાજીના ફાયદા અગણિત છે

ઇન્ટરવલ

સ્વાસ્થ્ય સુધા -શ્રીલેખા યાજ્ઞિક

વિશ્ર્વને ભારત તરફથી મળેલી એક આરોગ્યવર્ધક ભેટ એટલે લૂણીની ભાજી. સામાન્ય રીતે ભાજી ખાવાની મજા તો શિયાળામાં જ આવે છે. ચોમાસામાં જૈન ધર્મમાં લીલોતરીનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. મહાત્મા ગાંધીજી પોતાના આહારમાં લૂણીની ભાજીનો ઉપયોગ ભરપૂર માત્રામાં કરતા હતા. તેઓ આ લૂણીની ભાજી ખાવાની વારંવાર ભલામણ પણ કરતા હતા.
ભાજીની વિશિષ્ટતા વિશે તેમણે ‘હરિજન’ સામયિકમાં લેખ લખ્યા હતા. વર્ધામાં તેઓ રહેતા હતા તે સમયે અકારણ લોકો અનાજનો બગાડ કરતા કે અનાજને અમર્યાદ માત્રામાં ભરીને રાખતા તેની સામે તેમણે નારાજગી દર્શાવી હતી, આથી જ તેમણે વર્ધામાં કાચા ભોજનના સ્વાસ્થ્યવર્ધક લાભ વિશે પ્રયોગો શરૂ કર્યા હતા. તે સમયે ચોમાસામાં આશ્રમમાં સહકાર્યકર્તાએ આશ્રમની આસપાસના વિસ્તારમાં ઊગી નીકળેલી ભાજી લાવીને આપી હતી. કુદરતે આપેલી ભેટ તરીકે ચોમાસામાં આપોઆપ ઊગી નીકળતી ભાજીનો ઉપયોગ આહારમાં કરવાથી તેમની તંદુરસ્તીમાં સુધારો થવા લાગ્યો, તેથી તેમણે અન્ય લોકોને તેને આહારમાં આપનાવવાની સલાહ આપી. ખાસ ચોમાસામાં જ દેખાતી લૂણીની ભાજીનો સ્વાદ માણવા જેવો હોય છે.
મોસમી ફળ-શાકભાજીનો આહારમાં ઉપયોગ કરવો સ્વાસ્થ્યવર્ધક ગણવામાં આવ્યો છે. ચોમાસામાં સામાન્ય રીતે મેઘની કૃપાને કારણે ધરતી લીલૂડી બની જતી હોય છે. તમે સહેલગાહે નીકળો તો ધરતી પર જાણે કે લીલોછમ ગાલીચો બિછાવ્યો હોય તેવાં સુંદર રમણીય દૃશ્યો જોવા મળતાં હોય છે. ગરમા-ગરમા ચાની ચૂસકીની સાથે ભજિયાંની મોજ સ્વાદરસિયા અચૂક માણી લેતા હોય છે.
સામાન્ય રીતે એવું કહેવાય છે કે તળેલું ખાવાનું સ્વાસ્થ્ય માટે ઓછું ગુણકારી ગણાય છે. તેમ છતાં મોસમની મજા માણવા મેથીના ગોટા કે બટાકાનાં ભજિયાં-વડાંને બદલે એક વખત સ્વાસ્થ્યને તંદુરસ્તી બક્ષતી ઓછી જાણીતી સ્વાદસભર લૂણીની ભાજીનો ઉપયોગ કરવા
જેવો છે.
લૂણીની ભાજીને સંસ્કૃતમાં બૃહલ્લોણી, ઘોટિકા, હિન્દીમાં કુલફા કે લોણા, ગુજરાતીમાં લૂણીની ભાજી કે ઘોલની ભાજી, ઉત્તરાખંડમાં લુનાફ, કોંકણીમાં ગોલ કે ગોલચી વાગી, મરાઠીમાં કૂરફા, બંગાળીમાં બડગુની, પંજાબીમાં લોનક કે કુન્ડર તો અંગ્રજીમાં ગાર્ડન પર્સલેન તરીકે ઓળખવામાં આવે છે.
ચોમાસામાં આપોઆપ ઊગી નીકળતી લૂણીની ભાજીમાં સ્વાસ્થ્ય સંબંધિત અગણિત ગુણો છે. ભારતમાં ૧,૫૦૦ કિ.મી.ની ઊંચાઈ સુધી ચોમાસામાં લૂણીની ભાજી ઊગી જતી
હોય છે.
બિહારમાં તો આ સ્વાદિષ્ટ ભાજીની માગ વધવાને કારણે વધુ ને વધુ ખેડૂતો આ ભાજીની ખેતી કરવાનું પસંદ કરતા હોય છે. લૂણીની ભાજીનાં પાનની વાત કરીએ તો તે થોડાં જાડાં તથા ચીકણાં જોવા મળે છે.
પાનને મસળવાથી ખાસ પ્રકારની વાસ આવતી હોય છે. પાનનો આકાર ઘણો જ નાનો હોય છે. ડાળી આછી ગુલાબી રંગની અને કૂણી હોય છે. ભાજીના છોડ ઉપર પીળા રંગનાં ફૂલ જોવા મળતાં હોય છે. ભાજીનાં ફક્ત પાનને ચૂંટીને તેમાંથી વિવિધ વ્યંજન બનાવવામાં આવતાં હોય છે, જેમ કે ભાજીનાં પાનને લીલાં મરચાં, આદું સાથે વાટીને લીલી ચટણી કે ગ્રેવી તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.
પનીર-મકાઈના દાણા સાથે તે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. ભાજીનો સૂપ, શાક બનાવીને ઉપયોગ કરી શકાય છે. આ ભાજી જમીન પર ઊગી નીકળતી હોવાથી તેમાં માટીનું પ્રમાણ સારું એવું જોવા મળે છે, તેથી જ તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને વહેતા પાણીએ સાફ કરી લેવી આવશ્યક છે.
ચટપટી તથા થોડી ખારાશ ધરાવતી લૂણીની ભાજીમાં કૅલરીની માત્રા અત્યંત ઓછી જોવા મળે છે. ૧૦૦ ગ્રામ ભાજીમાં ફક્ત ૧૬ ગ્રામ કૅલરી સમાયેલી છે. વિટામિન તથા મિનરલ્સની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. એવું પણ સંશોધનકર્તાને જાણવા મળ્યું છે કે લૂણીની ભાજીમાં સૌથી વધુ ઑમેગા-૩ની માત્રા સમાયેલી છે.
૧૦૦ ગ્રામ ભાજીમાં ૩૫૦ મિલિગ્રામ ઑમેગા-૩ જોવા મળે છે. વિટામિન બી કૉમ્પ્લેક્સની સાથે રિબોફ્લેવિન, નાઈસીન, પાયરિડોક્સિન, કેરોટિનોઈડ તથા ડાયેટરી મિનરલ્સ જેવાં કે મેગ્નેશિયમ, કૅલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ વગેરે સારા પ્રમાણમાં સમોયલાં જોવા મળે છે.
———-
લૂણીની ભાજીનાં મૂઠિયાં
સામગ્રી: ૨૫૦ ગ્રામ લૂણીની ભાજી, ૧ વાટકી ઘઉંનો જાડો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, અડધી વાટકી હાંડવાનો લોટ, ૨ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧ નાની વાટકી દહીં, સ્વાદ પ્રમાણે મીઠું, કસૂરી મેથી ૧ ચમચી, ૧ ચમચી તલ, ૧ ચમચી અજમો, ૧ ચમચી હળદર પાઉડર, ૧ ચમચી લાલ મરચું, ૨ ચમચી તેલનું મોણ, ૨ ચમચી ખાંડ.
બનાવવાની રીત: સૌપ્રથમ ભાજીને બરાબર સાફ કરીને ધોઈ લેવી. પાણી નિતારીને કોરી કરી લેવી. એક કથરોટમાં ઘઉંનો જાડો લોટ, ચણાનો લોટ, હાંડવાનો લોટ લેવો. તેમાં જરૂર પ્રમાણે મસાલા કરવા. તલ ભભરાવવા. અજમો ભેળવવો. ભાજીને ઝીણી સમારીને ભેળવવી. પરોઠાં જેવો લોટ બાંધી લેવો. તેમાંથી નાનાં મૂઠિયાં વાળી લેવાં.
મૂઠિયાંને સ્ટીમમાં ૨૦ મિનિટ સુધી બાફી લેવાં. મૂઠિયાં બરાબર બફાઈ જાય એટલે ઠંડાં કરીને વઘારી લેવાં. ગરમાગરમ મૂઠિયાં સર્વ કરવાં. લીંબુનો રસ ઉપરથી નાખીને પીરસવાં.
———–
લૂણીની ભાજીના આરોગ્યવર્ધક લાભ

સાંધાના દુખાવામાં અત્યંત ગુણકારી
વય વધવાની સાથે તો ક્યારેક અત્યંત બેઠાડુ જીવન બની જવાને કારણે
વ્યક્તિને નાની વયમાં પણ શરીરના વિવિધ અવયવોના સાંધામાં દુખાવો થવા લાગે છે.
ક્યારેક ગરદન અકળાઈ જવી કે ખભો અકળાઈ જવો, ઘૂંટણમાં દુખાવો કે હાથ ઊંચો ન થાય તેવી તકલીફ જોવા મળતી હોય છે. શરીરમાં પોટેશિયમની માત્રા ઘટી જવાને કારણે પણ દુખાવો થવા લાગે છે.
લૂણીની ૧૦૦ ગ્રામ ભાજીમાં ૪૯૪ મિલિગ્રામ પોટેશિયમની માત્રા સમાયેલી છે. સાંધાના દુખાવાથી રાહત મેળવવા પણ લૂણીની ભાજીનો ઉપયોગ આહારમાં કરવા જેવો છે.
——–
આંખોનું તેજ જાળવી રાખવામાં મદદરૂપ

લૂણીની ભાજીમાં વિટામિન એની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વિટામિન એ આંખોની તંદુરસ્તી માટે અત્યંત જરૂરી ગણાય છે. લૂણીની ભાજીમાં વિટામિન એની માત્રા સૌથી વધુ એટલે કે ૪૪ ટકા જેટલી જોવા મળે છે.
વિટામિન એના ગુણોથી ભરપૂર આહાર કરવાથી ફેફસાં, મોઢાના કેન્સર જેવી બીમારીથી બચાવે છે. ત્વચાના નિખાર માટે પણ વિટામિન એની માત્રા શરીર માટે આવશ્યક ગણાય છે.
વિટામિન સીની માત્રા પણ સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વળી વિટામિન બીના કેટલાક ઘટકો જેવા કે રિબોફ્લેવિન, નાઈસીન વગેરે પણ લૂણીની ભાજીમાં સમાયેલા છે. આ ભાજીનો ઉપયોગ આહારમાં કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.
યાદશક્તિ સતેજ બને છે. વિવિધ મિનરલ્સનો ખજાનો પણ લૂણીની ભાજીમાં સમાયેલો છે. આયર્ન, મેગ્નેશિયમ તથા કૅલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. આયર્નની ઊણપ હોય તેમને માટે લૂણીની ભાજી ખાવી અત્યંત આવશ્યક ગણાય છે. બજારમાં આ ભાજી ૧૦૦ રૂપિયે કિલોના ભાવે મળે છે. ઘરે ઉગાવવી હોય તો કૂંડામાં સરળતાથી ઉગાડી શકાય છે. તાજો રસ પીવાથી પેશાબ સરળતાથી, છૂટથી આવે છે.
———
પથરીના દર્દીએ ભાજીનો ઉપયોગ ન કરવો

લૂણીની ભાજીનો ઉપયોગ પથરીના દર્દીઓએ સાવધાનીપૂર્વક કરવા જેવો છે. તેનું મુખ્ય કારણ આ ભાજીમાં ઑક્સાલેટની માત્રા સમાયેલી છે. પથરીના દર્દીઓએ તેનો આહારમાં ઉપયોગ કરવો હોય તો તેનું શાક કે સૂપ તરીકે કરવો. ભાજીને પકાવવાથી તેનામાં રહેલી ઑક્સાલેટની માત્રા નષ્ટ થઈ જાય છે. ચટણી બનાવીને ભાજીનો ઉપયોગ ન કરવો.

1 thought on “ખેતરમાં આપમેળે ઊગી જતી લૂણીની ભાજીના ફાયદા અગણિત છે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.