Homeઉત્સવફૂટબૉલના મહાકુંભનો પ્રારંભ

ફૂટબૉલના મહાકુંભનો પ્રારંભ

ભારતના લલાટે ક્યારે ફિફાનો વિશ્ર્વ કપ લખાશે!

*ધ બ્યુટિફુલ ગેમ ઈઝ બિગિન: ફૂટબૉલનો મહાકુંભ કેટલા સીમાંકન હાંસલ કરશે?
*ફિફાના ફીવરમાં ફૂટબૉલનો મહાકુંભ શરૂ: આ યુદ્ધમાં કઈ ટીમ દિગ્વિજય બનશે?
*ફિફા એટલે ફૂટબૉલનો મહાકુંભ: કિકની કરામત, ઝનૂનનું જશન

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

ફૂટબોલનું નામ સાંભળી કે વાંચીને અચેતન મન પણ ચેતનવંતુ થઈ જાય. કિકની કરામત આવડે કે ન આવડે પણ ફૂટ વડે બોલને ફંગોળવાનો તો અચૂક આનંદ આવે.રમતગમતક્ષેત્રે ઓલિમ્પિક્સ બાદ ક્રિકેટ નહીં પણ સૌથી વધુ આકર્ષણ ધરાવતી કોઈ ઇવેન્ટ હોય તો તે છે ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપ. ભારતીય સમય અનુસાર આજથી મેચની મોજ શરુ થઈ જશે અને ૧૮ ડિસેમ્બર સુધી ૩૨ ટીમ વિશ્ર્વકપને કબજે કરવા માટે ગોલ કરશે, બાખડી પડશે, હિંસક દેખાવો કરશે, માથાસાટે ખેલ કરશે. તેની સામે પ્રેક્ષકો પણ પાછા નહીં પડે, બમણાં તોફાનથી પોતાની મનગમતી ટીમને સહયોગ આપવા પ્રતિદ્વંદી ટીમના સમર્થકો સાથે જંગે ચડશે. ફૂટબૉલનો મહાકુંભ જયારે જયારે શરૂ થયો છે ત્યારે ધધકતી ઊર્જા અને અસ્મિતાની શાખને બચાવવા માટે લડતા ઝનૂની ખેલાડીઓ સાથે જ થયો છે. ૯૦ મિનિટની રમતમાં પ્રત્યેક સેક્ધડ નવો રોમાંચ પેદા કરે, ૧૧ થી ૧૮ કિલોમીટર જેટલું અંતર કાપીને ખેલાડીઓ દોડ્યા કરે, રમ્યા કરે અને ગોલ કરે ત્યારે તો ચાહકો પાગલ થઇ જાય જાણે તેમના શરીરમાં કરંટ પેદા થયો હોય, પ્રત્યેક ગોલની સાથે ગગનભેદી હર્ષનાદ થાય જાણે લોહિયાળ યુદ્ધમાં મનગમતી ટીમ દિગ્વિજય થયા હોય.
ફૂટબૉલની ઉત્પત્તિ ચીનમાં હાન સામ્રાજ્યના સમયે થઈ હોવાનું મનાય છે. ઇસુના જન્મ પૂર્વે ૨૦૬માં રાજાના સૈનિકો ફૂટબૉલ જેવી રમત રમતા હતા, જેને ‘કુજૂ’ કહેવાતી હતી. ૧૦મી સદીમાં ચીનના અનેક મોટા શહેરોમાં તેની ક્લબ બની અને કુજૂ લીગ શરૂ થઈ. જો કે ફૂટબૉલની રમત સાથે લોહિયાળ ક્વિદંંતી પણ જોડાયેલી છે. રોમન સમ્રાટો યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ વિજયોત્સવ મનાવવા માટે હરીફોના માથાં વાઢીને તેને ઠોકરો મારીને આનંદ માણતા હતા. સમય જતાં આ પદ્ધતિમાં પરિવર્તન આવ્યું અને માથાંનું સ્થાન દડાએ લીધું અને જન્મ થયો ફૂટબોલ નામની રમતનો. એમ પણ કહેવામાં આવે છે કે અંગ્રેજો કબ્રસ્તાનમાં જઇને કબરો ખોદી તેમાંથી ખોપરી બહાર કાઢીને તેનો ફૂટબૉલ તરીકે ઉપયોગ કરતા, સાચું-ખોટું તો ઇશ્ર્વર જાણે. પરંતુ ‘ધ બ્યુટીફૂલ ગેમ’ તરીકે ઓળખાતી ફૂટબૉલની રમત આજે સર્વોપરિતાનો જંગ બની ગઈ છે.
એશિયામાં બાવીસ વર્ષે બીજી વખત ફૂટબૉલ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. આ પૂર્વે ૨૦૦૨માં દક્ષિણ કોરિયા અને જાપાનમાં ફિફાએ ગામનું ગાંડુ કર્યું હતું. હવે કતારના દોહામાં ફૂટબૉલનો મહાકુંભ શરૂ થયો છે. આ વર્ષનો વર્લ્ડ કપ પણ વિશેષ છે. ૧૨ વર્ષ બાદ ફરી કતારને વર્લ્ડ કપના યજમાન બનવાનો અવસર મળ્યો છે. ૨૦૧૦માં કતારની પસંદગી થઈ ત્યારે તેની ગણતરી લઘુ રાષ્ટ્ર તરીકે થતી હતી. તેમાંય ફૂટબૉલનું એક જ સ્ટેડિયમ એટલે ઝનૂની રમતનું થ્રિલ ઠરી જતું. પણ કતારે આ વર્ષે અનોખો કીમિયો કર્યો. જેમ ફૂટબૉલ ટેક્નિકની રમત છે એ જ રીતે દોહાનો ફૂટબોલ કોર્ટ પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો સમન્વય છે. વર્લ્ડ કપની જાહેરાત થયા બાદ કતારના રમતગમત મંત્રાલયે ૨૦ દિવસમાં ૯૪૭ શિપિંગ ક્ધટેઇનર્સને એકત્ર કરીને તેમાં જરૂરી ફેરફાર કરીને ફૂટબૉલનું સ્ટેડિયમ બનાવી નાખ્યું. સિરીઝ પૂર્ણ થાય બાદ સમગ્ર સ્ટેડિયમ છૂટું પડી જશે અને જરૂરી મટિરિયલને સાચવીને શિપિંગ ક્ધટેઇનર્સને મૂળ જગ્યાએ પરત મુકવામાં આવશે. આજ સુધી કોઈ રમતમાં આવી કલા કારીગરી નથી કરવામાં આવી.
આ વર્ષે નવા નિયમો અંગે પણ ફૂટબૉલ પ્રેમીઓમાં કુતૂહુલ સર્જાયું છે. સામાન્ય રીતે થર્ડ અમ્પાયર ખેલાડી ઓફ સાઈડ છે કે નહીં તેનો નિર્ણય જાહેર કરતા હતા પરંતુ પ્રથમવાર આ કાર્ય સેમી ઓટોમેટેડ ઓફ સાઈડ ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે. દરેક ટીમમાં પણ ૨૩ને બદલે ૨૬ ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે પ્રથમ વાર ત્રણને બદલે પાંચ સબ્ટિસ્ટટ્યુટ ખેલાડીની મંજૂરી અપાઈ છે. એટલે આ વર્ષે વર્લ્ડ કપમાં કુલ ૮૩૨ ખેલાડી ભાગ લઈ રહ્યા છે, જેમાંથી ૭૩% ખેલાડી યુરોપિયન ક્લબના છે. વર્લ્ડ કપ રમતા ૩૨ દેશમાંથી ૧૩ ટીમ એટલે કે લગભગ ૪૦% યુરોપની છે. વળી, એક ઈસ્લામિક દેશમાં યોજાતા આ વર્લ્ડ કપમાં પહેલીવાર ત્રણ મહિલા રેફરી પણ ફરજ બજાવશે.
ગુજરાતીઓને રુચિ પડે એવી એક બાબત ફૂટબૉલમાં છે, ફિફા ટૂર્નામેન્ટમાં ૩.૬ હજાર કરોડ રૂપિયાની ઈનામી રકમનું વિતરણ કરશે. જેમાં ફાઈનલમાં વિજેતા થનાર વર્લ્ડ ચેમ્પિયનને ૩૫૯ કરોડ રૂપિયા મળશે. આ આઈપીએલની કુલ ઈનામી રકમ રૂ.૪૬.૫ કરોડ કરતાં ૭.૬ ગણી વધુ છે. તેમાંય સ્ટાર ખેલાડીઓની કમાણી તો એટલી છે કે આંખો પહોળી થઈ જાય.લિયોનેસ મેસ્સી વર્ષે ૨૯૬ લાખ ડોલર કમાય છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાર્ષિક કમાણી ૨૭૦ લાખ ડોલર છે. બ્રાઝિલનો સ્ટાર રિકાર્ડો કાકા વર્ષે ૧૬૯ લાખ ડોલર મેળવે છે અને લાખો ડોલરનું દાન પણ કરે છે. ફ્રાન્સનો થેરી હેન્રી ૧૬૧ લાખ ડોલર, આર્જેન્ટિનાનો કાર્લોસ તેવેઝ ૧૩૮ લાખ ડોલર, ઇંગ્લેન્ડનો ફ્રાન્ક લામ્પાર્ડ ૧૨૮ લાખ ડોલર, કેમરુનનો સેમ્યુઅલ એટ્ટો ૧૨૪ લાખ ડોલર અને જોન ટેરી ૧૦૦ લાખ ડોલર વર્ષે કમાય છે. અને ઇન્ડિયન ટીમના ખેલાડીઓની જેમ વિલે મોઢે હારનો સ્વીકાર કરતા નથી. ૧૨-૧૨ કલાક સુધી મેદાન પર ગોલ કેમ કરવો તેની પ્રેક્ટિસ કરે છે. પોતાના દેશ માટે ૯૦ મિનિટ સુધી પરસેવો પાડે છે. મેચ અનિર્ણિત
હોય તો વધુ ૩૦ મિનિટ સુધી રમવું પડે, અને પાંચ કિલોમીટર વધુ દોડવું પડે ૪૫૦ ગ્રામનો ફૂટબૉલનો દડો તેમની અને તેમના રાષ્ટ્રની ઓળખ બનીને રહી જાય છતાંય હારે એ બીજા. એટલે જ ફૂટબૉલની રમતમાં રસાકસી જોવા મળે છે.
વિશ્ર્વ ફૂટબૉલમાં ટોચના સુપરસ્ટાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે ગત વર્ષ સિદ્ધિના નવા શિખરો સુધી પહોંચાડનારું બની રહ્યું હતું. ઈટાલિયન ફૂટબૉલ કલબ યુવેન્ટ્સ છોડીને રોનાલ્ડો તેની જૂની કલબ માંચેસ્ટર યુનાઈટેડમાં પરત ફર્યો હતો. ફૂટબૉલ ચાહકો માટે રોનાલ્ડોનું હોમ-કમિંગ ભારે રોમાંચક બની રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં પણ રોનાલ્ડોએ સૌથી વધુ ૧૦૯ ગોલ ફટકારવાનો ઈરાનના અલી ડાઈનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેણે આ ઉપરાંત કારકિર્દીનો માઈલસ્ટોન ૮૦૦મો ગોલ પણ નોંધાવ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં તે સૌથી વધુ ૧૦ ગોલ હેટ્રિક નોંધાવનારો પ્રથમ ખેલાડી બન્યો હતો. કલબ ફૂટબૉલમાં પણ યુવેન્ટસ તરફથી નોંધપાત્ર દેખાવ કરનારા રોનાલ્ડોના આગમનની અસર માંચેસ્ટરના પરિણામોમાં જોવા મળી હતી. જયારે આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબૉલ ખેલાડી લિયોનેલ મેસ્સીએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. મેસ્સીએ જાહેરાત કરી છે કે આ ફૂટબૉલ વર્લ્ડ કપ તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. એટલે કે આ વર્લ્ડ કપ પછી તે ગમે ત્યારે નિવૃત્ત થઈ જશે. એટલે રોનાલ્ડો અને મેસ્સીની લડાઈ પણ જોવા જેવી થશે.
આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે યજમાન દેશ કતાર પોતાની ટીમ સાથે પણ ફિફામાં જીત મેળવવાના ફાંફા મારશે. આમ તો આ સિદ્ધિ ગણાય પરંતુ કતારની ટીમ ફૂટબૉલના દિગ્ગજો સામે ટકી શકવા અસમર્થ છે તેવું વિશ્ર્લેષકો ભાખી રહ્યા છે.આ પહેલાં ૧૯૩૪માં આવું ફ્રાન્સના મામલે થયું હતું જે યજમાન દેશ હતો અને સ્પર્ધામાં રમવાને પાત્ર ઠર્યો હતો.
આ વર્લ્ડ કપમાં ઘણા મહત્ત્વના દેશ ક્વાલિફાઇંગ રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગયા છે. તેમાંય ફૂટબૉલમાં બ્રાઝીલ બાદ સૌથી વધુ વખત વિશ્ર્વકપ જીતવાનો રેકોર્ડ હાંસલ કરનાર ઇટાલી આ વિશ્ર્વકપમાંથી બાકાત થયો છે. ઇટાલીને ક્વાલિફાઇંગ મેચમાં પછાડનાર દેશ નોર્થ મેકેડોનિયા હતો. એવી જ રીતે ચીલી, કોલમ્બિયા, પેરુ, ન્યૂ ઝીલેન્ડ, ઇજિપ્ત, પનામા, આઇસલેન્ડ, સ્વિડન, નાઇજિરિયા, કોન્ગો, માલે જેવા દેશો પણ ક્વાલિફાઇંગ રાઉન્ડમાં બહાર ફેંકાયા હતા. તેમાં ભારતનું નામ પણ મોખરે છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને મહોરું બનાવીને ફિફાએ ભારતીય ફૂટબૉલ એસોસિયેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતે સામે પક્ષે તાર્કિક દલીલ પણ કરી અને પ્રતિબંધ હટાવવામાં સફળતા પણ મળી પરંતુ એ ત્યાં સુધીમાં ક્વાલિફાઇંગ રાઉન્ડમાં નામાંકન ભરવાનો સમય જતો રહ્યો એટલે ફરી ફિફામાં વિજેતા થવાના સપના જ સેવવાના છે. અને ટીવી તથા ઓટીટી પર ફૂટબૉલને નિહાળીને આનંદ પામી લેવાનો છે. પંચવર્ષીય યોજનાની જેમ દર પાંચ વર્ષે ભારતના ફૂટબૉલ પ્રેમીઓને એવી આશા જાગે છે ભારત ફીફાની ટ્રોફી જીતીને ઇતિહાસની અટારી પર સિંહગર્જના કરશે પરંતુ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબૉલ એસોસિયેશનના કાવાદાવામાં વિશ્ર્વકપ રમવાનો મોકો જ નથી મળતો.ક્યારે ભારતની ફૂટબૉલ ટીમ વર્લ્ડ કપ જીતશે? આ સવાલ દર વર્ષે ઊઠે છે અને વિશ્ર્વકપ પૂર્ણ થયા બાદ અદ્રશ્ય થઈ જાય છે. ત્યારે જોવાનું રહેશે કે ભારતના લલાટે ક્યારે ફિફાનો વિશ્ર્વકપ લખાશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular