Homeવીકએન્ડકચ્છનું ધબકતું હૃદય: ભુજ નગર

કચ્છનું ધબકતું હૃદય: ભુજ નગર

કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી

કચ્છનું પાટનગર ભુજ માગસર સુદ પાંચમના ૪૭૫ (ચાર સદી અમૃત જયંતી)નું જન્મદિન ઉજવી રહ્યું છે. ત્યારે કચ્છમાં સંસ્કૃતિ, કળા અને ઉત્સાહના વારસા સમુ ભુજ છે. તે સંસ્કારથી સમૃદ્ધ છે.
આઝાદીના વર્ષમાં ૧૯૪૭માં પાંચ નાકાની અંદર અને બે કિ.મી.ની ત્રિજયામાં વિસ્તરેલું ભુજ જે આજે છેલ્લા બે દાયકામાં ૫૪ કિ. મી.માં વિસ્તર્યું છે.
૨૦૦૧માં આવેલા ભયાનક ભૂકંપે કચ્છને ખૂબ તબાહ કર્યું હતું. તેમાં કચ્છનું પાટનગર ભુજને પણ પારાવાર ક્ષતી પહોંચી હતી. મકાનો, બજારો, રોડ-રસ્તાઓ પુરાણી વસાહતોને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. અનેક ભુજવાસીઓએ જીવ ખોયા હતા. તે ખૂબ જ ખેદજનક ઘટના હતી, પરંતુ ત્યારબાદ કચ્છના દુ:ખ દર્દમાં સહભાગી થવા દેશ-વિદેશથી ઘણી જ સંસ્થાઓ દાતાઓએ કચ્છ તરફ મીટ માંડી અને આંસુઓ લૂછયાં.
ત્યારબાદ ભુજનો વિકાસ ચોતરફ થયો, ઔદ્યોગિક, રણ વિકસ્યું, પ્રવાસન ક્ષેત્રે તો ખૂબ જ હરણફાળ પ્રગતિ થઇ. ટાઉન પ્લાનિગ થયું, આધુનિકરણની અસર થઇ. નવી વસાહતો, કોલોનીઓ, રિંગ રોડ, બ્રીજ, બાગ-બગીચાઓ વિકસિત થયા. રિલોકેશન સાઇટો અસ્તિત્વમાં આવી.
અગાઉ ભુજ શેરીઓ, ફળિયાઓ, ડેલા-ડેલીમાં સમેટાયેલું હતું. તેમ જ રાજાશાહી સમયનાં કોટ-કિલા તેમ જ દરબાર ગઢ જેવી ઇમારતો-ગેઇટ હતા. જે આપણે અહીં વિસ્તારપૂર્વક જોઇશું.
શેરીઓ મોઢ શેરી, ભોજક શેરી, જેઠી શેરી, મલેક શેરી, મહેતા શેરી, કાયસ્થ શેરી, કમાંગર શેરી, વોરા શેરી, ભટ્ટ શેરી, સાંક્ળી શેકી, વેજનાથ શેરી, જાગરિયા શેરી, ચંદ્ર શેરી, ધણ શેરી, તળાવ શેરી, પાંજરાપોળ શેરી, ભાણજી સ્ટ્રીટ (શેરી), માંડલીયા શેરી, લંન્ધા શેરી, ગોપીયાણી શેરી, ધોબી શેરી, મુનશી શેરી, હનુમાન શેરી, પીપળાવારી શેરી, લીમઢોર શેરી, ધીવારી શેરી, અફિણવાળી શેરી, પંચમુખા હનુમાન શેરી, હજાર શેરી, ભાટીયા શેરી, ગોવાળ શેરી, વઝીસ શેરી, સલાટ શેરી, પંડયા શેરી, વલાળાવાસની શેરી, માઇની શેરી, સાંચોરા શેરી, પોશાળ શેરી, મહેશ્ર્વરી શેરી, દેપારા શેરી, મોચી શેરી, તુરિયા શેરી, સેલંકી શેરી, ભાઇ શેરી અને મલકા શેરી વગેરે અસ્તિત્વ ધરાવે છે.
ભુજમાં પાંચ નાકાની અંદર વસવાટ માટે રાજાએ વ્યવસ્થા કરી હતી. તે ચાર ભાગમાં વેંચાયેલા હતા. ફળિયા, શેરી, ચોક અને ડેલો-ડેલી જે આજે પણ હયાત છે, પરંતુ ભૂંકપ બાદ ટાઉન પ્લાનિંગને લીધે અનેક ફળિયા, ચોક વિભાજિત થયા.
ફળિયા: લોહાર ફળિયો, રવાણી ફળિયો, ખાટકી ફળિયો, કંસારા ફળિયો, નવા ફળિયો, ઘાંચી ફળિયો, ધાટિયા ફળિયો, છછ ફળિયો, કમલાણી ફળિયો, કંઢા ફળિયો, વિઠા ફળિયો, મઢી ફળિયો, વંડી ફળિયો, વધાણ ફળિયો, બાવાગોર ફળિયો, પખાલી ફળિયો, સવાયા ફળિયો, જોષી ફળિયો, વાઢા ફળિયો, અખાડા ફળિયો, પઠાણ ફળિયો, વોકવા ફળિયો, ભાભનશા ફળિયો, લાખા ફળિયો, મેઘવાળ ફળિયો, ખોજા ફળિયો, મણીયાર ફળિયો અને હેઠાણ ફળિયો વગેરે હતા.
ભુજમાં ૭૪થી વધુ જ્ઞાતિઓની વસતિ હતી. આ કોમના જ્ઞાતિવાર અલગ અલગ ફળિયા હતા અને તે ફળિયા જે તે જ્ઞાતિના નામથી ઓળખાતા હતા. ભુજ શહેરના ગઢ વિસ્તારની અંદર જ વસતિ હતી. ગઢના રક્ષણ માટે લડાયક કોમ જેવી કે, જત, પઠાણ, આરબ, સિંધી, કુંભાર, ગોવાળ વગેરેને વસાવવામાં આવ્યા હતા. દરબાર ગઢના રક્ષણ માટે રાજ મહેલ ફરતે જેઠીમલ્લ અને રાજપૂત જયારે વેપારી ત્યાં દરબારી કામ કરનાર જૈન, નાગર, કાયસ્થ ને શહેરની મધ્યમાં અને મેઘવાળ તથા અન્ય જ્ઞાતિને નાકા પાસે વસાવવામાં આવ્યા હતા. આમ, રાજાશાહીમાં શહેર રચના જે જ્ઞાતિ કે સમાજ કામગીરી સાથે સંકળાયેલ હોય તે કરવામાં આવી હતી. આજના યુગમાં આ વ્યવસ્થા ભલે બરાબર ન હોય પણ જે તે સમયને અનુરૂપ હતી, રાજવી પરિવાર, શહેરની સલામતી વેપાર, બ્રાહ્મણો, વાણિયા, નાગર વગેરે સમાજને તેમને જરૂરત મુજબ રહેવાની વ્યવસ્થા ગોઠવી હતી.
આ ઉપરાંત ડેલા-ડેલીઓમાં પણ ભુજ શહેર વસેલું હતું. જેના નામ વોરા સાતનો ડેલો- કાળાભાઇનો ડેલો, કલુભાનો ડેલો, વાણીયાનો ડેલો, વાઘેલાનો ડેલો, વાયડાનો ડેલો, વેણાનો ડેલો, સુમરા ડેલી, મેમણ ડેલી, કોટવાલ ડેલી, કોઠારી ડેલી, મુનશી ડેલી, શેઠીયા ડેલી, બક્ષીનો ડેલો, નથમાણી ડેલી એવા અનેક ડેલા-ડેલીઓ ભુજમાં સ્થિત છે.
શહેરની અંદર હેરીટેજ વોક કરીએ તો દરબાર ગઢથી સરપટ નાકા સુધી ગઢરાંગની સમીપે ચાલતા પોશાળ શેરીથી કરીને હાથી સ્થાન સુધી ભુજની સંસ્કૃતિ જોવા મળે છે. ભીડ ગેટ તરફ જતા હિન્દુ-મુસ્લિમની એકતા સમાન રાજગોર ફળિયો, ખત્રી ચકલો જેવા વિસ્તાર થઇને વાણિયાવાડ અને મહાદેવ નાકા સુધી પહોંચતા વેપારી અને વિદ્વાન નગરજનોના વિસ્તાર આવે ત્યારે પાટવાણી ગેટ થઇને ફરી દરબાર ગઢ તરફ જઇ શકાય.
વૈજ્ઞાનિકો અને પર્યાવરણ વાદીઓ માને છે કે કચ્છ દેશના સક્રિય સિસમિક ઝોનમાંનું એક હોવાથી વહીવટી તંત્ર એ ઔદ્યોગિકરણ અને નગર આયોજન જેવી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરતી વખતે વધુ સાવચેત રહેવું જોઇએ. ભૂકંપથી બચી ગયેલા લોકોને અને વૈજ્ઞાનિકો રાજકીય પક્ષોને ખૂબ મોડું થયું. તે પહેલા ચેતવણીના ચિહ્નોની શોધ લેવા વિનંતી કરે છે. કારણકે કચ્છમાં ઘણી સક્રિયફોલ્ટ લાઇન છે. જેમાં ભુજ શહેરમાંથી પસાર થાય છે. કેટલાંય સંશોધન પસાર થાય છે. કેટલાંય સંશોધન પેપર છે. જેમાં આ ફોલ્ટ લાઇન દર્શાવી છે. ૨૦૧૦ પછી, વિજ્ઞાન મંત્રાલયે અમને તે ફોલ્ટ લાઇટનો નકશો બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ ફાળવવા, પરંતુ વાત એ છે કે ટાઉન પ્લાનિંગ દરમિયાન આ વૈજ્ઞાનિક સૂચનોને ધ્યાને લેવાવા જોઇએ.
ભુજ અને હમીરસર તળાવ એક બીજાના પર્યાય સમા છે. હમીરસર ભુજવાસીઓ માટે પ્રાણ સમાન છે. ચોમાસામાં સારો વરસાદ થાય એટલે બહાર વસતા ભુજવાસીઓ ખબર પૂછવા માટે ફોન કરીને પૂછે કે હમીરસર ઓગની ગયું? ઓગનવું કચ્છી શબ્દ છે. તળાવ રે સરોવર છલકાવવાની ઘટનાને ‘ઓગનવું’ એવું સરસ નામ કચ્છી ભાષામાં મોજૂદ છે. હમીરસર તળાવની સંગ્રહશક્તિ ૩.૦૨૭ મિલિયન કયુબિક મીટર પાણીની ક્ષમતા ધરાવે છે. શહેરનો સ્થાપના દિન હોય, સાતમ-આઠમનો મેળો હોય કે ભરઉનાળે ભરેલું તળાવ ઓળખના અસ્તિત્વથી લોકો ધરપત અનુભવે છે.
ભુજવાસીઓ હમીરસર તળાવની પાળે કલાકો સુધી અનિમેષ નજરે જોયા કરે છે.
બધા તહેવારો અને ચિર:સ્મરણીય યાદોનો સાક્ષી હમીરસર અનેક મહાનુભાવોના હૃદયમાં વસેલો છે. તેની ફરતે નજરબાગ, રાજેન્દ્ર પાર્ક, શરદ બાગ, જયુબિલી હૉસ્પિટલ, સરપટ નાકા વિસ્તાર ભુજની વિશેષ યાદો જોડાયેલ છે.
જાણીતા ઇતિહાસકારો અને શિક્ષણ જગત સાથે જોડાયેલ. ભુજને નોકરિયાતોનું-નિરાંતનું નગર લેખાવે છે. શહેરની તાસીર પણ એ રીતની છે. લોકો મસ્ત અને મોજિલા છે. દિવસે કામ કરવું ને સાંજ પડે ને નાકા બહાર ફરવા નીકળવું એ પ્રથા આજે પણ છે. એ સિવાય ભુજની એક અદ્ભુત તાસીર છે. સાંસ્કૃતિક બાબતો પ્રત્યેનો પ્રેમ, કચ્છમાં સૌથી વધારે કળા, સાહિત્ય, સંગીત, ધાર્મિક પ્રવૃત્તિ તેમ જ માનવસેવા-જીવદયા પ્રવૃત્તિ પણ ખૂબ જ પ્રચલિત છે. કળાનું કદરદાન ભુજ હંમેશાં આદીકાળથી રહ્યું છે. નાના પુસ્તક વિમોચનથી લઇને મોટો સેમિનાર, કોન્ફરન્સ અને ટ્રેડ ફેર-ઔદ્યોગિક મેળામાં પણ લોકો ઉમળકાથી ભાગ લે છે. એ રીતે મનોવૈજ્ઞાનિક રીતે ભુજના નાગરિકો આરોગ્ય પ્રદ અને વૈચારિક રીતે ખૂબ જ આધુનિક છે. તેમ જ જીવંત લોકોનું નગર છે.
વધુ માહિતી ભવિષ્યમાં ક્યારેક વાગોળશું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular