બહિષ્કારની બબાલ

મેટિની

બોલીવૂડમાં હાલ બોયકોટનો પવન ફૂંકાઈ રહ્યો છે, જેની અડફેટમાં આમિર, અક્ષય, તાપસીની ફિલ્મો આવી છે. અલબત્ત નિષ્ફળતા માટે ફિલ્મનું ક્ધટેન્ટ જવાબદાર હોવાની દલીલ પણ થાય છે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અચાનક બહિષ્કારનો પવન ફૂંકાયો છે. આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થઈ ત્યારથી સોશિયલ મીડિયા પર બોયકોટ હેશટેગ (Boycott) સાથે એ ફિલ્મનો બહિષ્કાર કરી પૈસા બચાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં અસહિષ્ણુતા સંદર્ભમાં કરેલા નિવેદન તેમ જ ‘પીકે’ ફિલ્મના તેના કહેવાતા હિન્દુ વિરોધી સીનને કારણે આમિરની ફિલ્મનો બહિષ્કાર કરવાનું એલાન થયું છે. અત્યાર સુધી ફિલ્મનો કંગાળ દેખાવ આ ઝુંબેશ સફળ રહી હોવાનું સમર્થન કરે છે. જોકે એક અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે આમિરની આ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે. આમિર ઉપરાંત અક્ષય કુમાર અને તાપસી પન્નુની ફિલ્મો પણ અડફેટે ચડી ગઈ છે. હવે પછી રિલીઝ થનારી રણબીર કપૂર, રિતિક રોશન અને શાહરુખ ખાનની ફિલ્મોનો પણ બહિષ્કાર કરવામાં આવશે એવાં એંધાણ છે. કઈ ફિલ્મ જોવી ને કઈ નહીં એ અંગત બાબત છે અને એનો આદર કરવો જોઈએ, પણ આ સમગ્ર ઝુંબેશથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું હિત જોખમાઈ શકે એવી દલીલ વિશે પણ વિચાર થવો જોઈએ.
જોકે આ બહિષ્કાર ઝુંબેશને કારણે ફિલ્મના બિઝનેસને અસર થઈ રહી છે એ વાતમાં કેટલું તથ્ય એ વિશે પણ ચર્ચા થઈ રહી છે. હિન્દી ફિલ્મોના ઊંડા અભ્યાસુ કોમલ નાહટાની દલીલ છે કે ‘બોયકોટ ટ્રેન્ડની બિઝનેસ પર અસર પડે, પણ પાંચેક ટકા જેટલી. હકીકત તો એ છે કે ફિલ્મોની વાર્તા દર્શકોને પસંદ નથી આવી રહી. મોટા સ્ટારની હાજરીથી ફિલ્મ હિટ થાય એવું નથી. ફિલ્મના ક્ધટેન્ટમાં પણ દમ હોવો જોઈએ.’ બીજી એક દલીલ એમ પણ કરવામાં આવે છે કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો, પણ એ ફિલ્મ ૧૫૦ કરોડથી વધુ કલેક્શન મેળવવામાં સફળ રહી હતી. અન્ય એક મહત્ત્વની વાત એ પણ છે કે મહામારીના સમયમાં દર્શકો ઓટીટી પ્લેટફોર્મ તરફ વળ્યા અને અન્ય ભાષાની ભવ્ય રજૂઆત ધરાવતી અલગ પ્રકારના વિષયની ફિલ્મો જોઈ એનાથી પ્રભાવિત થયા. દર્શકોની બદલાતી રુચિ ફિલ્મ મેકરને પારખતાં આવડવી જોઈએ. એમ કરવાથી બિગ બજેટની ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને ‘રક્ષાબંધન’ કેમ નિષ્ફળ જાય છે અને નાના બજેટની તેલુગુ ફિલ્મ ‘કાર્તિકેય ૨’ કેમ સફળતા મેળવે છે એનો ખ્યાલ આવી શકે. તાજેતરની બોક્સ ઓફિસ પર સફળ નીવડેલી ફિલ્મોમાં ભારતીય સંસ્કૃતિ-પરંપરા માટે આદર અને ભવ્ય રજૂઆત એ બે બાબત ઊડીને આંખે વળગે છે. ફિલ્મ મેકરોએ નવેસરથી વિચાર કરવો પડશે એમ અત્યારના વહેણ પરથી લાગી રહ્યું છે. ‘લિગર’, ‘બ્રહ્માસ્ત્ર’, ‘રક્ષાબંધન’, ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મોના બહિષ્કારના એલાન પાછળનાં કારણ આ પ્રમાણે છે.
લિગર: ગઈ કાલે રિલીઝ થયેલી હિન્દી અને તેલુગુ એમ બે ભાષામાં બનેલી આ ફિલ્મના બહિષ્કારનું મુખ્ય કારણ છે કે તેના નિર્માણમાં કરણ જોહર સંકળાયેલો છે. બીજું એ કે ફિલ્મની અભિનેત્રી અનન્યા પાંડે જાણીતા અભિનેતા ચંકી પાંડેની પુત્રી છે. નેટિઝન્સ સગાવાદના વિરોધી છે. ફિલ્મના હીરો વિજય દેવરકોન્ડાએ પોતે બોયકોટ ગેન્ગથી નથી ગભરાતો એવું નિવેદન આપતાં સોશિયલ મીડિયાના વપરાશકાર રોષે ભરાયા અને તેમને ચેલેન્જ કરનારની ખો ભુલાવી દેશે એ મતલબનું વલણ અપનાવ્યું છે.
વિક્રમ વેધા: ફિલ્મના એક હીરો રિતિક રોશને નેટિઝનોની નારાજગી વહોરી લીધી છે. આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ જોયા પછી અભિનેતાએ આમિરને ટેકો જાહેર કર્યો અને એને માથે પહાડ તૂટી પડ્યો. સોશિયલ મીડિયા પર ‘વિક્રમ વેધા’ના બહિષ્કારનું એલાન થઈ ગયું.
બ્રહ્માસ્ત્ર: આ ફિલ્મે તો બોયકોટ માટે એકથી વધુ કારણ પૂરાં પાડ્યાં છે. રણબીરની ‘યે જવાની હૈ દીવાની’ ફિલ્મની એક ક્લિપ વાઇરલ થઈ રહી છે, જેમાં રણબીર દીપિકાને મંદિરની પાછળ કશુંક સમજાવી રહ્યો છે જેનાથી હિન્દુ ધર્મનું અપમાન થતું હોવાની નેટિઝનોની દલીલ છે. ફિલ્મની હિરોઈન આલિયા ભટ્ટે ‘તમને હું ન ગમતી હોઉં તો મારી ફિલ્મો નહીં જોતા’ એવું નિવેદન કર્યું હતું, જે સોશિયલ મીડિયાના વપરાશકારોને ખટકી ગયું. અમિતાભ બચ્ચને ગેમ શોમાં ઘૂંઘટ પ્રથાની ટીકા કરી હતી. મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે એની ટીકા કેમ નહીં એવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. રણબીરનું પાત્ર શંકર ભગવાનની ઠેકડી ઉડાડે છે એવું એક પોસ્ટર જોઈને લોકોને લાગ્યું હતું. સગાવાદને ઉત્તેજન આપતો નિર્માતા કરણ જોહર પણ કારણ છે.
પઠાણ: ફિલ્મના હીરો શાહરુખ ખાનનો એક જૂનો વીડિયો વાઇરલ થયો છે જેમાં અભિનેતાએ ‘ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે’ એવું કહ્યું હતું. આ જૂના ઈન્ટરવ્યુની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ફરી વળી છે અને નેટિઝનોએ બોયકોટ પઠાણ મૂવીની હાકલ કરી છે.
રક્ષાબંધન: અક્ષય કુમારની ફિલ્મ બહિષ્કારના ઝપાટામાં આવી એનું ઘણાને આશ્ર્ચર્ય થયું છે. અલબત્ત એ માટે અક્ષય નહીં, પણ ફિલ્મની લેખિકા કનિકા ધિલ્લોં જવાબદાર ગણાય છે. કનિકાએ ભૂતકાળમાં એવું કંઈક ટ્વિટ કર્યું હતું જે હિન્દુત્વ વિરોધી હતું એવું કહેવાય છે. અક્ષયે આવી વ્યક્તિ સાથે કામ કેમ કર્યું એવો સવાલ કરી ફિલ્મને બહિષ્કૃત કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે આ ફિલ્મની વાર્તા પાકિસ્તાની ફિલ્મની નકલ છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.
દોબારા: ફિલ્મની હિરોઈન તાપસી પન્નુ અને દિગ્દર્શક અનુરાગ કશ્યપે ઈન્ટરવ્યુમાં નેટિઝનોને ફિલ્મનો બોયકોટ કરવા કહ્યું હતું. સોશિયલ મીડિયાના વપરાશકારોએ આ વાત ખૂબ ગંભીરતાથી લીધી અને ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવ્યો. લાલ સિંહ ચઢ્ઢા: આમિર ખાને ભૂતકાળમાં કરેલાં વિવાદાસ્પદ નિવેદનોને લક્ષ્ય બનાવી આ ફિલ્મનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૨૦૧૫માં આમિરે ભારતમાં અસહિષ્ણુતા વધી રહી છે એ મતલબનું નિવેદન કર્યું હતું. અભિનેતા હિન્દુ વિરોધી અને ભારત વિરોધી છે એવી દલીલ નેટિઝન દ્વારા કરવામાં આવી છે. ‘પીકે’ ફિલ્મમાં આમિરે હિંદુ દેવતાઓની ઠેકડી ઉડાવી હોવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે. બીજી એક વાત એ પણ છે કે એક જૂના ઈન્ટરવ્યુમાં કરીના કપૂરે કહ્યું હતું કે ‘અમારી ફિલ્મ જોવા કોઈ જબરજસ્તી નથી કરવામાં આવતી. નહીં જોતા અમારી ફિલ્મો.’ આ ક્લિપ વાઇરલ થઈ અને બહિષ્કાર માટે વધુ એક કારણ સાબિત થઈ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.