એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
બ્રિટનની જાણીતી ટીવી ચેનલ બીબીસીએ ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણો પર બનાવેલી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ના કારણે ગોધરા કાંડ પછી ફાટી નીકળેલાં ગુજરાતનાં રમખાણોનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ભારત સરકારે આ ડોક્યુમેન્ટરી ફિલ્મ સામે આકરી પ્રતિક્રિયા આપીને તેને દેસના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિરોધી કુપ્રચાર ગણાવીને વાંધો લીધો છે તો બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે પણ ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ ડોક્યુમેન્ટરીમાં મોદી ગુજરાતના રમખાણોના વિલન હોય ને તેમના ઈશારે મુસ્લિમોની કત્લેઆમ કરાઈ હોય એવા ચિત્રણ સામે વાંધો લીધો છે.
‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટરીનો પહેલો એપિસોડ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થયો હતો. બીબીસીએ તેને યુટ્યુબ પર મૂકેલો પણ મોદી સરકારના ફરમાનના કારણે તેને હટાવી લેવો પડ્યો છે. હવે બીજો એપિસોડ ૨૪ જાન્યુઆરીએ રિલીઝ થવાનો છે પણ જે રીતે મોદી સરકાર અને સુનક સરકાર બંનેને વાંધો છે એ જોતાં બીજો એપિસોડ રજૂ થશે કે નહીં એ વિશે શંકા છે.
ખેર, એ અલગ મુદ્દો છે ને ચાર દાડા પછી બીજો એપિસોડ રિલીઝ થાય છે કે નહીં તેની ખબર પડી જ જશે પણ બીબીસીની ડોક્યુમેન્ટરીએ મોદી વિરોધીઓની હલકી માનસિકતાને છતી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે રમખાણોના કેસમાં મોદીને ક્લીનચીટ આપી દીધી છે. ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણોનાં કેસોની તપાસ માટે સુપ્રીમ કોર્ટે બનાવેલી એસઆઈટીની પોતાના ક્લોઝર રિપોર્ટમાં રમખાણોમાં મોદીનો હાથ હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી એવું સ્પષ્ટ કહેલું. તેના આધારે સુપ્રીમ કોર્ટે ૨૦૧૨માં જ મોદીને ક્લીન ચીટ આપી દીધેલી. જૂન ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે મોદીને મળેલી ક્લીનચીટ પર ફરી મંજૂરીની મહોર મારી હતી ને એ છતાં જૂના મડદાં ઉખેળીને મોદીને વિલન ચિતરવાના ઉધામા થઈ રહ્યા છે એ માનસિક વિકૃત્તિ બતાવે છે. મોદીને લોકશાહી રીતે પછાડી નહીં શકનારા આ રીતે ચારિત્ર્યહનન કરીને સંતોષ માને છે એ જોઈને તેમની દયા આવે છે.
ગુજરાતનાં રમખાણો થયાં ત્યારથી આ રમખાણો મોદીના ઈશારે થયેલાં ને મોદીએ જ પોલીસને કશું ના કરવા દઈને મુસ્લિમોની હત્યા કરી હોવાના આક્ષેપોનો મારો ચાલેલો. આ મુદ્દે પહેલાં મોદી સામે મીડિયા ટ્રાયલ ચાલ્યો. મોદીએ ગુજરાતનાં તોફાનો ભડકાવ્યાં અને રમખાણગ્રસ્તોને મદદ કરવાના બદલે તોફાનીઓને છૂટો દોર આપેલો એવું ચિત્ર ઊભું કરી દેવાયેલું. આ ચિત્ર અંગ્રેજી મીડિયાએ ઊભું કરેલું.
દંભી સેક્યુલર જમાત ને અંગ્રેજી મીડિયાએ ગુજરાતનાં ૨૦૦૨નાં રમખાણોને બહુ મોટાં ચિતરી નાખ્યાં હતાં. ગુજરાતમાં મુસ્લિમોને વીણી વીણીને સાફ કરાયા હોય તે પ્રકારની સ્ટોરીઝ, અત્યાચારની મનઘડંત વાતો ને દયામણા ચહેરે ઉભેલા મુસ્લિમોની જુદા જ પ્રસંગની તસવીરો દ્વારા તેમણે રમખાણોનું અલગ ચિત્ર ઊભું કર્યું હતું. અંગ્રેજી મીડિયાએ મોદીને મુસ્લિમોના હત્યારા ચિતરવા બહુ ધમપછાડા કર્યા પણ એ છતાં ૨૦૦૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ મોદીને ભવ્ય જીત અપાવતાં કાનૂની રાહે મોદીને પતાવવા માટેના ઉધામા શરૂ થયા.
આ માટે ઝાકિયા જાફરીને હથિયાર બનાવાયાં. ઝાકિયા જાફરીના પતિ અહેસાન જાફરી ૧૯૭૭માં કૉંગ્રેસની ટિકિટ પર અમદાવાદમાંથી લોકસભામાં ચૂંટાયેલા. યુનિયન લીડર જાફરી ઉર્દૂ લેખક હતા ને પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા તેથી બુદ્ધિજીવી તરીકે તેમની ગણના થતી. ૧૯૭૭ની ચૂંટણીમાં કૉંગ્રેસનું પડીકું થઈ ગયું ત્યારે અમદાવાદમાંથી બ્રહ્મકુમાર ભટ્ટ જેવા ખાડિયાના ઘૂરંધરને હરાવીને જીતેલા. અમદાવાદ લોકસભા બેઠક પરથી એક મુસ્લિમ ચૂંટાય એ બહુ મોટો ચમત્કાર કહેવાય પણ જાફરીએ એ ચમત્કાર કરી બતાવેલો.
ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસ રોકીને ૫૯ હિન્દુઓને જીવતા ભૂંજી દેવાયા ત્યારે જાફરી અમદાવાદના શાહીબાગની ગુલબર્ગ સોસાયટીમાં રહેતા હતા. ગોધરા કાંડના બીજા દિવસે આખું ગુજરાત ભડકે બળ્યું ત્યારે ગુલબર્ગ હત્યાકાંડ થયેલો. આ હત્યાકાંડમાં ટોળાએ ૬૯ લોકોને જીવતા સળગાવીને મારી નાંખેલા. આ મૃતકોમાં અહેસાન જાફરી પણ હતા. ઝાકિયાનો આક્ષેપ હતો કે અહેસાન જાફરીએ નરેન્દ્ર મોદીને મદદ માટે ફોન કરેલો પણ મોદીએ ગાળો આપીને હડધૂત કરેલા.
ઝાકિયાએ તોફાનો મોદીના ઈશારે થયેલાં એવા આક્ષેપ સાથે ૨૦૦૬માં મોદી તથા પ્રધાનોથી માંડીને પોલીસ અધિકારીઓ સુધીના બીજા ૬૨ લોકો સામે ફરિયાદ નોંધાવેલી. પોલીસે એફઆઈઆર ના નોંધતાં ઝાકિયા કોર્ટમાં ગયા. ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં રમખાણોના ૧૦ કેસોની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ) બનાવવા ફરમાન કર્યું ને મોદીને ફિટ કરવાનો કાનૂની જંગ શરૂ થયો. એક વર્ષ પછી એસઆઈટીએ નરેન્દ્ર મોદીની પૂછપરછ કરી ત્યારે રમખાણોના કેસમાં કોઈ મુખ્ય મંત્રીની પૂછપરછ થાય એવું પહેલી વાર બનેલું.
આ એસઆઈટીએ માર્ચ ૨૦૧૨માં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપ્યો તેમાં અહેસાન જાફરીએ ટોળાને ઉશ્કેર્યું હોવાનું તારણ રજૂ કરેલું. મોદીને ક્લિન ચીટ પણ આપેલી. ઝાકિયા જાફરીએ આ રિપોર્ટ નહીં સ્વીકારવા વિરોધ અરજી આપેલી. સુપ્રીમ કોર્ટે એ અરજી સ્વીકારેલી પણ આ કેસની તપાસ માટે નવી સીટ રચવાની માગણી નહોતી સ્વીકારી. પછીથી સુપ્રીમ કોર્ટે ઝાકિયાને નીચલી કોર્ટમાં જવા કહેલું ને ત્યાં તેમની વાત ના સ્વીકારાઈ. નીચલી કોર્ટ, હાઈ કોર્ટ ને છેવટે સુપ્રીમ કોર્ટે પણ મોદીને ક્લીન ચીટ આપી દીધેલી.
ઝાકિયાએ આ ક્લીન ચીટ સામે કરેલી અરજી પણ ટકી નથી. ગયા વરસે સુપ્રીમ કોર્ટે મોદીને અપાયેલી ક્લીન ચીટને માન્ય રાખીને આ પ્રકરણને કાયમ માટે ક્લોઝ કરીને મોદીને વિલન ચિતરવાના કાનૂની ઉધામા પર કાયમ માટે પૂર્ણવિરામ મબકી દીધેલું. કાનૂની મોરચો બંધ થયો એટલે મોદીને વિલન ચિતરવા માટે ફરી મીડિયાનો સહારો લેવા સિવાય આરો નહોતો. ભારતમાં કોઈ મીડિયા હવે આ જૂઠાણાંની જાળમાં ફસાય એમ નથી એટલે બીબીસીના પત્રકારોની મદદ લઈને પાછો આ મુદ્દો ચગાવી દીધો છે.
મોદી વિરોધી જમાત છેલ્લા બે દાયકાથી મથ્યા કરે છે પણ મોદીએ તોફાનો ભડકાવ્યાં કે તેમણે રમખાણગ્રસ્તોને મદદ કરવાના બદલે તોફાનીઓને છૂટો દોર આપેલો એવું સાબિત કરી શકે તેવો એક પણ પૂરાવો રજૂ કરી શક્યાં નથી. તકલીફ એ છે કે, આ વાત સ્વીકરાવાની ખેલદિલી તેમનામાં નથી. આ કારણે બીબીસીએ બનાવી એવી ડોક્યમેન્ટરી બીજી પણ આવશે જ. તેનાથી નથી મોદીને ફરક પડતો કે નતી આ દેશની પ્રજાને ફરક પડતો.