વિપુલ વૈદ્ય
મુંબઈ: રાજ્યના 10 જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર સરકારે એશિયન ડેવલપમેન્ટ બૅન્ક સાથે 2800 કરોડની લોન લેવા માટે કરાર કર્યા હતા. રાજ્યના નગર, હિંગોલી, જાલના, કોલ્હાપુર, નાગપુર, નાંદેડ, નાશિક, પુણે, સાંગલી અને સાતારા એમ 10 જિલ્લામાં આ લોનના માધ્યમથી સામયિક વિકાસ કરવાની યોજના સરકારે ઘડી કાઢી છે.
એડીબી સાથે કરવામાં આવેલા કરાર મુજબ મહારાષ્ટ્રના મુખ્ય આર્થિક ક્ષેત્રોની સંપર્ક ક્ષમતામાં સુધારો કરવાના હેતુથી અને આ માધ્યમથી અવિકસિત જિલ્લાને વિકાસના પાટા પર ચડાવવાની તક મળી રહે તે હેતુથી આ લોન લેવામાં આવી છે.
કનેક્ટિંગ ઈકોનોમિક ક્લ્સ્ટર્સ ફોર ઈનક્લુઝિવ ગ્રોથ ઈન મહારાષ્ટ્રના નામ હેઠળ આ પ્રોજેક્ટ આખો તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠલ સ્ટેટ હાઈવે અને મુખ્ય જિલ્લા રોડની હાલતમાં સુધારો કરવો, તેમાં આવશ્યક ફેરફાર કરવા, વિસ્તરણ કરવું વગેરેનો સમાવેશ થાય છે.
રાજ્યના નાણાં વિભાગના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર કેન્દ્ર સરકારે આ રસ્તાઓને કુદરતી આફતોને કારણે થતું નુકસાન, અકસ્માતોને કારણે થતું નુકસાન અને પર્યાવરણમાં થતા ફેરફારની અસર ઓછી થાય તે પ્રકારના બાંધવાની યોજના ઘડી કાઢી છે. રોડ સેફટીનું ડેમોન્સ્ટ્રેશન દેખાડનાર કોરીડોર પણ તેના પર બનાવવામાં આવશે.
મહિલા, બાળકો, સિનિયર સિટિઝનો અને દિવ્યાંગ લોકોની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આ રસ્તા બાંધવામાં આવશે. ઓછામાં ઓછા 319 કિલોમીટરના સ્ટેટ હાઈવે અને 149 કિલોમીટરના જિલ્લા રોડની સુધારણા આ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ હેઠળ નાંદેડમાં તૈયાર થયેલા મુખ્ય રસ્તાને પાડોશના તેલંગણા રાજ્ય સાથે જોડી દેવામાં આવશે.
રાજ્યના 10 જિલ્લામાં આ કામ કરવામાં આવવાના હોવાથી રાજ્યના બિનકૃષિ ક્ષેત્રના ગરીબોને રોજગાર મળશે.
આ પ્રોજેક્ટમાં મૂળભૂત સેવા, સ્વચ્છતા અને સુવિધા, શિક્ષણ વગેરે બાબતો માટે સેવા કેન્દ્રો ઊભા કરવામાં આવશે. અત્યંત છેવાડાના નાગરિકોને કૌશલ્ય તાલીમ આપવામાં આવશે અને રોજગાર મેળવવા યોગ્ય બનાવવામાં આવશે. આમ રાજ્યના ઉપરોક્ત 10 જિલ્લાને આ કામનો ઘણો ફાયદો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
રાજ્યના 10 જિલ્લાના વિકાસનું એશિયન ડેવલપમેન્ટ બૅન્ક મોડેલ રસ્તા અને અન્ય માળખાકીય વિકાસના કામ હાથ ધરાશે
RELATED ARTICLES