પોતાની જાતને છેતરવાની કળા!

ઉત્સવ

પોતાને વધુ પડતા સ્માર્ટ માનતા માણસો ઘણી વાર એવું માનતા હોય છે કે મેં ફલાણાને ઉલ્લુ બનાવીને કે ઢીંકણીને બેવકૂફ બનાવીને મારું કામ કઢાવી લીધું, પરંતુ એ વખતે તેમને સમજાતું નથી હોતું કે તેઓ સામેવાળી વ્યક્તિને છેતરવાની સાથે પોતાની જાતને પણ છેતરી રહ્યા હોય છે

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

એક જોક છે. એક માણસની તબિયત બહુ ખરાબ રીતે લથડી ગઈ એટલે તેના કુટુંબના સભ્યો તેને ડોક્ટર પાસે લઈ ગયા.
ડોક્ટરે જાતભાતના નિદાન કર્યા પછી તે માણસને કહ્યું કે ‘તમારા શરીરને આલ્કોહોલને કારણે ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. એટલે હવે તમારે ખૂબ જ કાળજી રાખવી પડશે. સાફ શબ્દોમાં કહું તો થોડાં વર્ષો વધુ જીવવું હોય તો તમારે શરાબ પીવાનું છોડી દેવું પડશે.’
તે માણસ દાયકાઓથી નિયમિત રીતે દરરોજ રાતે શરાબ પીતો હતો. તેણે કહ્યું કે ‘ડોક્ટરસાહેબ, હું શરાબ નહીં પીઉં તો તો આમ પણ મરી જ જઈશ! અને ક્યારેક કોઈ ખૂબ આગ્રહ કરે ત્યારે શરાબ ન પીએ તો સંબંધો પણ તૂટી જાય અને એવું થાય તો જીવવાનો પણ કોઈ મતલબ ન રહે! ક્યારેક તો કોઈ સોગંદ આપે ત્યારે એ સોગંદને કારણે મારે શરાબ પીવો જ પડે.’
ડોક્ટરે કહ્યું કે ‘કોઈ અત્યંત આગ્રહ કરે અને શરાબ ન પીવાને કારણે જો સંબંધ તૂટી જાય એમ હોય તો તમે ક્યારેક શરાબ પીજો અને તમે કહો છો એ પ્રમાણે કોઈ સોગંદ આપે અને તમે એ સોગંદ ન ઉથાપી શકતા હો તો અપવાદરૂપ કિસ્સામાં શરાબ પીજો. બાકી તમારું શરીર હવે જવાબ આપી દે એવું છે.’
તે દર્દીએ કહ્યું, ‘બસ, આજથી જ તમારી સલાહ અમલમાં મૂકી દઉં છું. હવે કોઈ બહુ આગ્રહ કરે તો જ દારૂ પીવા બેસીશ.’
ડોક્ટરે તેને દવાઓ અને સૂચનાઓ આપીને રવાના કર્યો અને પંદર દિવસ પછી ફરી વાર બતાવવા માટે આવવાની સૂચના આપી. પંદર દિવસ પછી તે માણસ ડોક્ટર પાસે ગયો એ વખતે તેની સાથે તેના કુટુંબના સભ્યો નહોતા, પરંતુ કોઈ એક અજાણ્યો માણસ હતો.
ડોક્ટરે તેને કહ્યું કે ‘તમે શરાબ પીવાનું બંધ કર્યું?’
તે માણસે કહ્યું કે ‘હા, તમે કહ્યું એ પ્રમાણે હવે હું જાતે શરાબ નથી પીતો. કોઈ આગ્રહ કરે કે સોગંદ આપે તો જ શરાબ પીઉં છું.’
ડોક્ટરે કહ્યું, ‘વેરી ગુડ.’
પછી તેમણે પૂછ્યું કે ‘આ ભાઈ કોણ છે? ગયા વખતે તમારા કુટુંબના સભ્યો હતા એમાં આ ભાઈ નહોતા.’
તે દર્દીએ કહ્યું કે ‘આ માણસને નવો નવો નોકરીએ રાખ્યો છે. તે સતત મારી સાથે જ રહે છે.’
ડોક્ટરને થયું કે કદાચ આ દર્દીની તબિયત અચાનક લથડે એવા ડરથી કુટુંબે આ માણસને નોકરીએ રાખ્યો હશે.
એમ છતાં ડોક્ટરે પૂછ્યું કે ‘એ માત્ર તમને દવાઓ આપવાનું કામ કરે છે કે તમારું બીજું કશું પણ ધ્યાન રાખે છે?’
દર્દીએ જવાબ આપ્યો, ‘નહીં, નહીં, સાહેબ. એ મને રોજ સાંજ પડે એટલે શરાબ પીવા માટે ખૂબ જ આગ્રહ કરે છે અને સોગંદ આપે છે. મેં તેને શરાબ પીવાના સોગંદ આપવા અને આગ્રહ કરવા માટે નોકરીએ રાખ્યો છે!’
* * *
આ તો એક જોક છે, પણ ઘણા માણસો આ રીતે છટકબારી શોધી લેતા હોય છે. આવા લોકો પોતાની જાતને જ છેતરતા હોય છે. કેટલાય કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિને એનું શરીર ચેતવણી આપતું હોય છતાં એ વ્યક્તિ તે ચેતવણીને અવગણતી હોય અને કહેતી હોય (અથવા માનતી હોય) કે મારી સાથે તો આવું બની જ ન શકે.
લોકો બીજાઓને બેવકૂફ બનાવવા માટે તો છટકબારીઓ શોધી જ લેતા હોય છે, પણ ઘણા માણસોને જાતે બેવકૂફ બનવામાં પણ મજા આવતી હોય છે. આવા ઘણા કિસ્સાઓ મને જાણવા મળે છે. ઘણા કિસ્સાઓનો તો હું સાક્ષી પણ બન્યો છું, જેમાં પત્નીને છેતરવા માટે કોઈએ ડોક્ટરની કે જ્યોતિષીની મદદ લીધી હોય અને ડોક્ટર કે જ્યોતિષીના બહાને કોઈ વસ્તુ માટે પત્ની પાસે હા પડાવી હોય, પરંતુ એ વખતે તેમને ખબર નથી હોતી કે તેઓ પત્નીને નહીં પોતાની જાતને જ છેતરી રહ્યા હોય છે.
ઘણી વ્યક્તિઓ પત્ની આગળ કે પિતા, માતા કે કુટુંબના કોઈ સભ્ય આગળ કે નજીકના મિત્રો સમક્ષ જૂઠું બોલતી હોય છે, પણ ત્યારે તેને સમજાતું નથી હોતું કે તે સામેવાળી વ્યક્તિનો વિશ્ર્વાસ તો તોડે જ છે, પરંતુ પોતાની જાત સાથે પણ છેતરપિંડી કરે છે.
એક વિખ્યાત ફિલોસોફર કહી ગયા છે કે ‘પોતાની જાત સાથે ખોટું બોલવાથી વધુ ખરાબ ચીજ બીજી કશી જ નથી.’
ઘણા માણસો પોતાને વધુ પડતા સ્માર્ટ માનતા હોય છે. તેમની એ ઓવર સ્માર્ટનેસ ક્યારેક તેમને જ ભારે પડી જતી હોય છે. પોતાને બહુ સ્માર્ટ સમજતા માણસો માનતા હોય છે કે મેં ફલાણાને ઉલ્લુ બનાવીને કે ઢીંકણીને બેવકૂફ બનાવીને મારું કામ કઢાવી લીધું, પરંતુ એ વખતે તેમને ખબર નથી હોતી કે તેઓ સામેવાળી વ્યક્તિઓને છેતરવાની સાથે પોતાની જાતને પણ છેતરી રહ્યા હોય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.