જમ્મુ-કાશ્મીરમાંથી ભારતીય સેના હટી શકે છે. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યાના લગભગ 3.5 વર્ષ બાદ આ મુદ્દા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો અને આતંકવાદી ઘટનાઓમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને આ સંબંધમાં વિચારવિમર્શ કરી રહી છે. સરકારનો દાવો છે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ અને સુરક્ષા દળોના જાનહાનિમાં 50% ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર, ભારતીય સેનાને ઘાટીમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળી જશે તો ભારતીય સેનાની તૈનાતી માત્ર નિયંત્રણ રેખા પર જ રહેશે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીરના આંતરિક વિસ્તારોમાંથી સેનાને હટાવવાના પ્રસ્તાવ પર લગભગ બે વર્ષથી ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, સશસ્ત્ર દળો અને જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે હવે આ મુદ્દે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે સીઆરપીએફ ખીણમાંથી દૂર કરાયેલા સૈન્યના જવાનોની જગ્યા લેશે. અર્ધલશ્કરી દળ કાયદો અને વ્યવસ્થાના પડકારો તેમજ આતંકવાદ વિરોધી કામગીરીનો સામનો કરશે.
રિપોર્ટમાં અન્ય એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ચર્ચામાં એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે સેનાને તબક્કાવાર પાછી બોલાવવામાં આવશે. શક્ય છે કે પહેલા અનંતનાગ અને કુલગામ જેવા કેટલાક જિલ્લામાંથી સેનાને પરત બોલાવવામાં આવે. ત્યારપછી આતંકવાદ વિરોધી મોરચે પરિસ્થિતિ અને લોકોના પ્રતિભાવના આધારે સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ પછી જ સેનાના બાકીના જવાનોની વાપસી તરફ પગલાં ભરવામાં આવશે.