લીના સામેનો આક્રોશ સાચો, માથું વાઢવાની વાત ખોટી

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ ઈસ્લામ ધર્મના શ્રદ્ધેય મોહમ્મદ પયગંબર સાહેબ વિશે કરેલી ટિપ્પણી બદલ અજમેરની હજરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ નૂપુર શર્માનું ગળું કાપીને લઈ આવનારને પોતાનું મકાન આપી દેવાની ઓફર કરી તેનો વિવાદ શમ્યો નથી ત્યાં ‘કાલી’ના પોસ્ટર મુદ્દે આ જ પ્રકારની ધમકી અપાઈ છે.
ફિલ્મ સર્જક લીના મણિમેકલાઈની ડોક્યુમેન્ટ્રી ‘કાલી’ના પોસ્ટરમાં હિંદુઓ માટે શ્રદ્ધેય મહાકાળી માતાના ગેટઅપમાં એક્ટ્રેસને સિગારેટ પીતી બતાવાઈ છે. ‘કાલી’ના રૂપમાં રજૂ કરાયેલી આ એક્ટ્રેસના એક હાથમાં ત્રિશૂળ તથા બીજા હાથમાં સજાતીય સંબંધો ધરાવતા સમુદાયના લોકોના પ્રતીક સમાન ઝંડો છે. આ પોસ્ટર સામે હિંદુઓ આક્રોશ ઠાલવી રહ્યા છે ત્યારે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરના મહંત રાજુ દાસે લીના મણિમેકલાઈનું માથું વાઢવાની ધમકી આપી છે.
મહંત રાજુ દાસે નૂપુર શર્માને ટેકો આપીને કહ્યું કે નૂપુર શર્માએ સાચી વાત કહી હતી પણ તેના કારણે દેશ-દુનિયામાં આગ લાગી ગઈ છે. હવે તમે સનાતન ધર્મને અપમાનિત કરવા માગો છો ત્યારે તમારું માથું પણ ધડથી અલગ થઈ જાય એવું ઈચ્છો છો? મહંત રાજુ દાસે ઉત્તર પ્રદેશના ગૃહમંત્રીને પણ અપીલ કરી કે, ફિલ્મ સર્જક લીના મણિમેકલાઈ સામે પગલાં ભરવામાં આવે અને ફિલ્મને પ્રતિબંધિત કરવામાં આવે. સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો એવી પરિસ્થિતિ ઊભી કરીશું કે સરકાર માટે તેને કાબૂમાં લેવાનું મુશ્કેલ થઈ જશે.
મહંત રાજુ દાસે એ જ ભાષામાં વાત કરી છે કે જે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહના ખાદિમ સલમાન ચિશ્તીએ કરી હતી. સલમાને પોતાની માના સોગંધ ખાઈને કહેલું કે, હું નૂપુરને જાહેરમાં ગોળી મારી દેત અને છાતી ઠોકીને કહું છું કે, જે પણ નૂપુર શર્માનું ગળું કાપીને લઈને આવશે એને મારું ઘર આપીને હું રસ્તા પર આવી જઈશ.
મહંત રાજુ દાસે સલમાનની જેમ કોઈ લાલચ આપી નથી પણ બંનેની વાત સરખી જ છે. સલમાન નૂપુરનું માથું વાઢી લાવવાની વાત કરે છે તો મહંત લીનાનું માથું વાઢી લાવવાની વાત કરે છે. બંનેની માનસિકતા સરખી છે ને આ માનસિકતા કેમ ખતરનાક છે તેની વાત કરીશું પણ એ પહેલાં આ વિવાદની વાત કરી લઈએ.
‘કાલી’ના પોસ્ટરનો વિવાદ ૨ જુલાઈએ પોસ્ટર રિલીઝ થયું ત્યારે જ શરૂ થઈ ગયેલો. આ પોસ્ટર જોઈને લોકો ભડક્યા હતા ને સોશિયલ મીડિયા પર તો લીનાને ટ્રોલ કરીને ધરપકડની માગણી પણ કરી નાખી હતી. આ ફિલ્મ ટોરન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં થયેલી ઇવેન્ટ ‘રિધમ ઑફ કેનેડા’નો ભાગ હતી. આ કારણે લીનાની ડોક્યુમેન્ટ્રી ફિલ્મનો પ્રીમિયર આગા ખાન મ્યુઝિયમમાં યોજાયો હતો.
કેનેડામાં ઇન્ડિયન હાઇ કમિશને આ ક્ધટેન્ટને હટાવવાની માગણી કરતાં મ્યુઝિયમે ફિલ્મને હટાવી લીધી હતી. આગા ખાન મ્યુઝિયમે માફી પણ માગી હતી કે, ‘અંડર ધ ટેન્ટ’ હેઠળ ૧૮ શોર્ટ વીડિયો બતાવાયા તેમાંથી એક વીડિયો અંગે વિવાદ થયો છે અને હિંદુ સમાજની આસ્થાને ઠેસ પહોંચી છે એ બદલ માફી માગીએ છીએ.
આ માફીના પગલે વિવાદ શમી જાય તેમ હતો ત્યાં લીનાએ કરેલા હુંકારના કારણે આક્રોશ ફરી ભડકી ગયો. લીનાએ ખુલાસો કરેલો કે, આ ફિલ્મ એવી ઘટના પર આધારિત છે કે જેમાં એક સાંજે મા કાળી પ્રગટ થાય છે અને ટોરન્ટોના રસ્તા પર ફરવા લાગે છે. આ ફિલ્મ જોયા પછી મારી ધરપકડની માગણી કરવાવાળા હેશટેગને બદલે મને પ્રેમ કરનારા હેશટેગ ટ્રેન્ડ કરવા માંડશે. લીનાએ હુંકાર પણ કરેલો કે, મારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી અને નિડર થઈને બોલનારા માટે હું હંમેશાં અવાજ ઉઠાવીશ. એ બદલ મારું જીવન આપી દેવું પડે તો એ આપવાની પણ મારી તૈયારી છે.
લીનાના હુંકારના કારણે લોકો ભડકેલા હતા જ ત્યાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું. મહુઆ મોઇત્રાએ એલાન કર્યું કે, મહાકાળી માતાનાં અનેક રૂપ છે પણ મારા માટે મહાકાળી માતા માંસ ખાનારાં અને શરાબનો સ્વીકાર કરનારાં દેવી છે. દરેક વ્યક્તિને પોતાનાં દેવ-દેવીની કલ્પના કરવાની સ્વતંત્રતા છે. કેટલાક સ્થાને દેવતાઓને શરાબ ચઢાવવામાં આવે છે તો કેટલાક સ્થાને આ બાબતને વર્જ્ય માનવામાં આવે છે. લોકોનો અલગ અલગ અભિપ્રાય હોઈ શકે છે પણ મને આ પોસ્ટર સામે કોઈ વાંધો નથી.
મોઈત્રાના નિવેદનથી તેની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસે પોતે હાથ ખંખેરી નાખ્યા છે. મહુઆની કાલી માતા પર કરેલી ટિપ્પણીને અંગત ગણાવીને તૃણમૂલે સાફ શબ્દોમાં કહ્યું છે કે, તૃણમૂલ કૉંગ્રેસ આ વિચારોનું સમર્થન કરતી નથી. મહુઆના નિવેદન સામે રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે. ભાજપ-શિવસેના મહુઆ પર તૂટી પડ્યા છે તો કૉંગ્રેસના શશિ થરૂર જેવા નેતા મહુઆના સમર્થનમાં પણ કૂદી પડ્યા છે. આ હઈસો હઈસોમાં રાજુ દાસે લીનાનું માથું વાઢવાની વાત કરી નાખી છે.
લીના મણિમેકલાઈએ મા કાલીને હિંદુઓને આઘાત લાગે એ સ્વરૂપમાં રજૂ કરીને ખોટું કર્યું છે તેમાં શંકા નથી. કલા કે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અર્થ કોઈની ધાર્મિક લાગણી દુભાવવી એવો થતો જ નથી. કલા કે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના નામે કોઈની શ્રદ્ધા પર પ્રહાર કરવો, લોકોને જેમનામાં શ્રદ્ધા હોય તેમનું અપમાન કરવું એ માનસિક વિકૃત્તિ છે.
આ પ્રકારની માનસિક વિકૃત્તિને ના જ પોષી શકાય. દેશનું બંધારણ દરેક નાગરિકને કલા કે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની છૂટ આપે છે પણ તેના બહાને કોઈની ધાર્મિક લાગણીઓના પ્રહારની છૂટ નથી જ આપતો તેથી લીના સામે આક્રોશ વ્યક્ત કરાય તેમાં કશું ખોટું નથી પણ આ આક્રોશના નામે માથું વાઢી નાખવાની વાતો કરાય કે મારી નાખવાની વાતો કરાય એ ખોટું છે. વાસ્તવમાં એ જંગલીપણું છે ને લોકશાહીમાં આવા જંગલીપણાને સ્થાન ના જ હોય.
બીજી મહત્ત્વની વાત એ કે, અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના નામે કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો અધિકાર ના તો નૂપુર શર્માને છે કે ના લીના મણિમેકલાઈને કે ના કોઈ ત્રીજાને. આટલી સાદી વાત બધા સમજી લે તો કોઈ બબાલ જ ના થાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.