ઉંમર સિત્તેરની, જુસ્સો સત્તરનો!

પુરુષ

નવસારીના કિરણભાઈ નાયક નામના બુઝુર્ગ ખેડૂત દિવસના બાર કલાક કામ કરે છે અને વર્ષે ૭,૦૦૦ બેગ કુદરતી ખાતર અન્ય ખેડૂતોને વેચે છે
—————–

વિશેષ-વૈભવ જોષી

ભારતની ખેતી ઐતિહાસિક રીતે મોટે ભાગે કુદરતી ખેતી રહી છે. અર્થાત્ કે ખાતર પણ કુદરતી જ વાપરવામાં આવતું હતું. પછી એક સમય આવ્યો જ્યારે આધુનિકતાની દોડમાં, વધારે ઉત્પાદનની આશામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ થવા લાગ્યો. જોકે કેટલાક દશકો બાદ ખેડૂતોને એ સમજાયું છે કે રાસાયણિક ખાતરોથી ખેત પેદાશમાં એટલો ફેર નથી પડતો જેટલું ઘણી વાર તેનાથી જમીનને, ખેતરમાં કામ કરતા ખેડૂતના સ્વાસ્થ્યને અને એ ખેત પેદાશ ખાતા ગ્રાહકોના આરોગ્યને નુકસાન થાય છે. પરિણામે ધીરે ધીરે ભારતનો સમજદાર ખેડૂત ફરી કુદરતી ખેતી તરફ વળી રહ્યો છે.
નવસારીના સરીખુર્દ ગામમાં રહેતા સિત્તેર વર્ષીય કિરણભાઈ નાયક પંદર વર્ષની ઉંમરથી ખેતી કરી રહ્યા છે. એમ ન સમજતા કે તેઓ અભણ છે કે ઠોઠ છે. દસમા ધોરણની પરીક્ષા તેમણે ૭૦ ટકા સાથે પાસ કરી છે, પરંતુ આગળ ભણવાને બદલે પોતાના પિતાને ખેતીમાં સાથ આપવાનું તેમણે નક્કી કર્યું. નાની ઉંમરથી ખેતી સાથે જોડાયેલા હોવાથી ખેતી તેમનો પસંદનો વિષય બન્યો છે. આજે પણ તેઓ પોતાની દસ એકર પિતૃક જમીન પર ફળોની ખેતી કરે છે, પણ તેમને અસલી સફળતા મળી વર્મીકમ્પોસ્ટ ખાતરના વ્યવસાયમાં.
૨૦૦૫થી તેઓ ખેતીની સાથે કોઈ અન્ય કામની શોધમાં હતા જે તેમની ખેતીની આવકમાં પૂરક બની શકે. તે દરમ્યાન તેમણે વર્તમાનપત્રમાં વર્મીકમ્પોસ્ટ વિષે પહેલી વાર વાંચ્યું. બારડોલીની એક સંસ્થા દ્વારા ખેડૂતો અને બાગકામના ઉત્સાહીઓને વર્મીકમ્પોસ્ટની તાલીમ અપાતી હતી.
કિરણભાઈ સ્વયં પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર વાપરતા હતા, પણ વર્ષો પહેલાં તેમના પિતા તો પરંપરાગત રીતે કેમિકલ વિનાની ખેતી કરતા જ હતા અને ખેતરમાં કુદરતી રીતે અળસિયાં બનતાં હતાં. સમયની સાથે બધી જગ્યાએ કેમિકલનો વપરાશ શરૂ થયો અને કિરણભાઈ પણ પોતાના ખેતરમાં ઝેરીલાં જંતુનાશકોનો ઉપયોગ કરતા થયા. વર્ષો પછી આ જ રસાયણો તેમના ખેતરનાં દુશ્મન બની ગયાં.
વર્તમાનપત્રમાં વર્મીકમ્પોસ્ટ વિષે વાંચીને તેમણે વધુ જાણકારી મેળવવાનું નક્કી કર્યું. ત્યાર બાદ બારડોલીની સંસ્થામાં તેમણે વર્મીકમ્પોસ્ટ બનાવવાની એક અઠવાડિયાની તાલીમ લીધી. તાલીમ બાદ જૈવિક ખેતીમાં તેમની રુચિ એટલી વધી ગઈ કે આગળ જતાં ગુજરાતમાં જ આણંદ અને મધ્ય પ્રદેશના જબલપુરમાં પણ વર્મીકમ્પોસ્ટની અલગ અલગ તાલીમ શિબિરમાં જોડાયા.
વર્મીકમ્પોસ્ટનો વ્યવસાય કેવી રીતે શરૂ થયો?
વર્મીકમ્પોસ્ટની તાલીમ બાદ કિરણભાઈએ પોતાના ખેતરમાં જ ધીરે ધીરે તેનો પ્રયોગ શરૂ કર્યો. સૌથી પહેલાં દસ કિલો અળસિયાં સાથે એક નાનકડા ખાડામાં જૈવિક ખાતર બનાવવાની શરૂઆત કરી. પોતાના ખેતરમાં વાપર્યા બાદ બચેલું ખાતર તેઓ પોતાના ખેડૂત મિત્રોને પણ વાપરવા આપતા હતા. કિરણભાઈ કહે છે, ‘પહેલાં બે વર્ષ જૈવિક ખાતરનો સંગ્રહ કરીને બધાને મફતમાં આપતો હતો. તે સમયે મારે ઘણું નુકસાન પણ ભોગવવું પડ્યું. ઘરવાળા પણ નારાજ થતા હતા કે રૂપિયા શા માટે બરબાદ કરો છો, પણ મને ખાતરી હતી કે આનાથી કશુંક સારું થશે. તે આશામાં મેં કામ કરવાનું ચાલુ રાખ્યું.’ આખરે બે વર્ષ બાદ તેમનાં આશા અને વિશ્ર્વાસની જીત થઈ. જે લોકોએ કિરણભાઈ પાસેથી ખાતર લઈને પોતાના ખેતરમાં વાપર્યું તે બધાને સારાં પરિણામ મળ્યાં. ઘણા કિરણભાઈ પાસે ફરીથી ખાતર માગવા આવ્યા. ધીરે ધીરે કિરણભાઈએ તેનો વ્યવસાય શરૂ કર્યો. બે વર્ષ બાદ વર્ષે ૨૦૦થી ૩૦૦ બેગ જેટલું ખાતરનું વેચાણ થવા માંડ્યું. વર્ષ ૨૦૦૮થી કિરણભાઈએ પોતાના ખેતરમાં કેમિકલનો ઉપયોગ સદંતર બંધ કરી નાખ્યો છે અને તેમના જણાવ્યા મુજબ આ વ્યવસાયમાં જોડાયા બાદ સમય વીતતાં તેમની વાર્ષિક કમાણીમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો છે.
વર્મીકમ્પોસ્ટથી મળ્યાં એવોર્ડ અને ઓળખાણ
મેટ્રિક પાસ કિરણભાઈ વર્ષ ૨૦૦૫થી ગુજરાતના ત્રણ જિલ્લાના ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ બનાવતાં અને તેના માટે સેટઅપ તૈયાર કરવા સલાહકાર તરીકે કામ કરે છે. અત્યાર સુધીમાં ૫,૦૦૦ ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ બનાવતાં શીખવી ચૂક્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટીએ ૨૦૦૮માં વર્મીકમ્પોસ્ટની તાલીમ શરૂ કર્યા બાદથી કિરણભાઈ ત્યાં ટ્રેઈનર તરીકે જતા હતા. કિરણભાઈને તેમના વર્મીકમ્પોસ્ટના મોડલ માટે વર્ષ ૨૦૧૨માં રાજ્ય સરકાર તરફથી એવોર્ડ પણ મળ્યો છે.
કિરણભાઈ પોતાના ખેતરમાં અત્યારે ચીકુ અને આંબા સહિત વર્ષે ૫૦ કિલોની ૭,૦૦૦ બેગ જેટલું વર્મીકમ્પોસ્ટ બનાવીને વેચે છે. તેઓ જણાવે છે કે આ ધંધામાં ઓછી મહેનત અને રોકાણથી ૫૦ ટકા જેટલો નફો મળી શકે છે. ૭૦ વર્ષની ઉંમરે કિરણભાઈ સત્તર વર્ષના યુવકની જેમ દિવસના ૧૨ કલાક કામ કરે છે! છેલ્લાં પાંચ વર્ષોથી તેમના દીકરા પણ પોતાનું કામ છોડીને તેમની સાથે કામ કરે છે. ખેતી પ્રત્યેના પ્રેમને કારણે કિરણભાઈ નિવૃત્ત થવાનું વિચારવાને બદલે વધુ લોકોને જૈવિક ખેડૂત બનાવવા વિષે વિચારી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.