મૌન રહેવાનો ફાયદો એ છે કે પરિવારમાં ક્લેશ દૂર થાય છે

ધર્મતેજ

માનસ મંથન – મોરારિબાપુ

સૌને જય સિયારામ, સલામ વાલેકૂમ. એક યુવક જે કેટલાંયે વર્ષોથી વ્યાસપીઠ સાથે જોડાયેલો છે તેણે આજે કહ્યું કે રામવાડી, ‘વાદી રમ’ બોલવું મને નહિ ફાવે. આપણે ‘રામવાડી’ રાખીશું. એક યુવકના વિશ્ર્વાસને કારણે પૃથ્વીના આવા એક રમણીય ભૂભાગ પર જોર્ડનના સન સિટી કેમ્પ-વાદી રમ જેવી જગ્યાએ રામકથાનું આયોજન થયું છે. આ રણમાં જ્યાં મારો ઉતારો છે ત્યાં સામે જે પહાડો છે તે થોડા અંશે કૈલાસ જેવો અને ગિરનાર જેવો લાગે છે. આ ડેઝર્ટ કૈલાસ છે, રણનો કૈલાસ છે. બાપ, વનનું પણ એક સૌંદર્ય હોય છે અને વેરાનનું પણ એક સૌંદર્ય હોય છે. વિશ્ર્વની સાત અજાયબીઓમાં આ એક અજાયબી છે. પૃથ્વી પર રજ હોય અને આકાશમાં સૂરજ હોય, આ બે વચ્ચે જે સહજ રહી શકે તે માણસ છે. અહીં સન્નાટો છે! બધું મૌન છે! અવાજ આવશે તો કેવળ હવાનો આવશે. અહીંના પથ્થર પણ અવધૂતોની જેમ મૌન છે! અને વિજ્ઞાન પણ પછી સિદ્ધ કરશે, પણ જડથી જડ પદાર્થમાં પણ સૂક્ષ્મથી સૂક્ષ્મ ચેતના પડી હોય છે! આપ સૌ જાણો છો કે મારો વર્ષોનો મૌનનો અભ્યાસ છે, અનુભવ છે અને અહીં પણ સન્નાટો છે તો, આ નવદિવસીય રામકથાનો વિષય રહશે – ‘માનસ-મૌન’.
મારાં ભાઈ-બહેનો, મૌન રહેવાની ઈચ્છા થાય તે સારી વસ્તુ છે. મૌની વ્યક્તિ તેની આજુબાજુના વાતાવરણને મૌન કરી દે છે, પણ તેનું મૌન પાકેલું હોવું જોઈએ. એક ચૈતન્યનો વિસ્તાર થાય છે. મૌનનો કમસે કમ પહેલો ફાયદો એ છે કે માણસને વાચિક અસત્યથી મુક્તિ મળે છે, કારણ કે જ્યારે આપણે મૌન રાખીએ છીએ ત્યારે વાણીથી બીજા સાથે જોડાઈ શકતા નથી. એક વ્યક્તિ મૌન રાખે છે તો તેની સામે જે વ્યક્તિ હોય છે તે પણ ઇશારાથી વાત કરવા લાગે છે! મૌનનો બિલકુલ પ્રાથમિક ફાયદો છે વાચિક અસત્યથી મુક્તિ. હું નથી કહેતો કે માણસ ચૂપ થઈ જાય પણ જો માણસ મૌન રહેતાં શીખી લેને તો તેના પરિવારના કેટલાયે ક્લેશ સમાપ્ત થઇ જાય છે. બહુ ક્લેશ સમાપ્ત થઇ જાય.
‘રામચરિતમાનસ’ના સાતેય કાંડમાં કોઈ એક એક પાત્ર મૌન છે. હું તેની ચર્ચા કરીશ. બાલકાંડમાં મૌન પાત્ર છે અહલ્યા. બાલકાંડ અંતર્ગત એક મૌન ઉપાસિકા બેઠી છે, સાધિકા બેઠી છે, આરાધિકા બેઠી છે, જે તલગાજરડાની દૃષ્ટિમાં છે, અહલ્યા. આશ્રમનું પૂરું વાતાવરણ મૌન છે! હું તેને ઉપાસિકા કહું છું, બાકી કોણે ભૂલ કરી, શા માટે કરી તેનું પોસ્ટમોર્ટમ આપણે નથી કરવું. પણ હવે તે મૌન છે! લોકો કહે છેને કે સો ઉંદર મારીને બિલાડી પાટલા પર બેઠી છે! પણ હવે બેઠી છે તો બેસવા દોને! એની પાસે હવે એકસો એકમો ઉંદર મરાવવો છે તમારે?
અહલ્યા મૌન છે. હું એમ નથી કહેતો કે પાપ કરો, પણ પ્રાયશ્ર્ચિત્ત કરવાનો આનંદ તો પાપીને આવે! હે મારા માલિક, તેં જ મને અહંકાર આપ્યો છે, તેં જ મને અંત:કરણ આપ્યું છે. મારાથી ભૂલ થઇ જાય તો થાય. તો બાપ, મારી સમજમાં બાલકાંડમાં અહલ્યા મૌન છે. અયોધ્યાકાંડમાં ત્રણ-ચાર પાત્ર મૌન છે. એક તો શત્રુઘ્ન મૌન છે. બિલકુલ મૌન. જેનો કેવળ બાલકાંડમાં લગ્ન સમયે ઉલ્લેખ થયો છે તેવાં ઊર્મિલા, માંડવી અને શ્રુતકીર્તિ મૌન છે. અરણ્યકાંડમાં શબરી મૌન છે. જ્યારે રામ આવ્યા ત્યારે બોલે છે. ગુરુના વચન પર તેને વિશ્ર્વાસ છે. અવસર આવે તો બોલો ત્યારે મૌન તૂટતું નથી પણ લોકો વિના અવસર બોલ બોલ કર્યા કરે છે. મૌન રહેવાવાળી વ્યક્તિ જો અવસર આવે ને બોલે તો પરમતત્ત્વ પણ તેની પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરે છે. શબરીજીને રામે પૂછ્યું કે હે ભામિની, જાનકી ક્યાં મળશે તે માટે અમારું માર્ગદર્શન કરો. કિષ્ક્ધિધા કાંડમાં એક પાત્ર મૌન છે – વાલીની પત્ની, તારા. સમય આવ્યે બોલે છે. બીજી પરમ સાધિકા કે જે બહુ મૌન રહી તે છે સ્વયંપ્રભા. સુંદરકાંડમાં મૌન પાત્ર છે સ્ત્રીજટા. જરૂરત પડી ત્યારે જાનકીજીને માર્ગદર્શન આપ્યું. જાનકી પાસે બેઠેલી ઉપાસિકા છે. સુંદરકાંડમાં એક બીજું પાત્ર છે સિંહિકા. હનુમાનજીને રોકે છે તે. ઘણા લોકો બોલે નહીં પણ પછાડે! જેણે ઉડાન ભરી હોય તેને કેમ પછાડવા… આ મૂઢતા છે, મીંઢાપણું છે.
કોઈના હિત માટે, તેને સાવધાન કરવા માટે, તમે જ્યારે જોઈ શકો કે આ વ્યક્તિ પડશે તેવા સમયે તેના હિત માટે તમે મૌન તોડીને તેને સત્ય વાત જો તેના માટે હિતકર હોય અને જો તમે બોલો તો તમારું મૌન ભંગ નથી થતું. એવું એક પાત્ર છે લંકાકાંડમાં, રાવણની પત્ની મંદોદરી. રાવણને સાવધાન કરવા માટે બોલે છે. તેના હિત માટે બોલે છે, બાકી મંદોદરી મૌન છે. ઉત્તરાકાંડમાં મૌન છે મારો પરમ બુદ્ધપુરુષ – ભુશુંડિ. રામકથા યા તો આત્મકથા સિવાય તે બોલ્યા નથી. ગરુડના પ્રશ્ર્નોના જવાબમાં તે બોલ્યા છે. તો, આ રામવાડીની નવદિવસીય કથાનો કેન્દ્રીય વિષય રહશે ‘માનસ-મૌન’.
મૌન શાંતિદાતા છે. દુનિયામાં વિશ્ર્વ શાંતિ દિવસ ઊજવાય છે, પરંતુ રોજ શાંતિમાં રહેવું હોય તો મૌન રહો. આ મૌનનો બીજો ફાયદો છે. મૌન સંઘર્ષોથી મુક્તિ આપે છે. સૂફી પરંપરા મુજબ ઇસ્લામ શબ્દનો એક અર્થ થાય છે, શાંતિ અને બીજો અર્થ થાય છે, મૌન. ઇસ્લામનો આવો અર્થ જે કરશે તે સંઘર્ષ નહીં કરે. આ જોર્ડનનો પ્રદેશ એવો દેખાય છે.
ગાંધીજી દર સોમવારે મૌન રાખતા. ગાંધીજીએ કહ્યું હતું કે જેણે સત્યની સાધના કરવી હોય તેણે મૌન રાખવું. રમણ મહર્ષિ લગભગ પૂરી જિંદગી મૌન રહ્યા હતા. શ્રી અરવિંદ પણ મૌન રહ્યા. પ્રજ્ઞાચક્ષુ સ્વામી શરણાનંદજી કહેતા કે એકાંત એ મૌનની પાઠશાળા છે. મને કોઈએ પૂછ્યું હતું ત્યારે મેં કહેલું કે મૌનની પરીક્ષા પ્રસન્નતા છે. તો બાપ, મૌનનો મહિમા અદ્ભુત છે.
– સંકલન: જયદેવ માંકડ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.