સુખનું સરનામું

ધર્મતેજ

પ્રમુખ ચિંતન

વહાલા વાચકો! ગઈકાલથી આરંભાયેલા ચાતુર્માસ સાથે સંકળાયેલી એક કથા એવી છે કે બલિ રાજાએ ભરૂચની ધરતી પર નર્મદા તટે અશ્ર્વમેધ યજ્ઞનું આયોજન કરેલું. તે વખતે ભગવાન વિષ્ણુ વામનરૂપ ધારી યજ્ઞભૂમિમાં પધારે છે. તેમનું સ્વાગત કરી બલિએ કહ્યું: ‘તમે જે ઇચ્છશો તે હું આપવા
તૈયાર છું.’
આ સાંભળી વામનજીએ કહ્યું: મને ત્રણ પગલાં પૃથ્વી આપો.’
ત્યારે બલિ બોલ્યો: હું ત્રિલોકીનો રાજા છું. મારી પાસે જે એકવાર માંગે છે તેને ફરીવાર માંગવાની જરૂર રહેતી નથી. માટે જેટલી જમીન જોઈએ તેટલી માંગી લો.’
પરંતુ વામનજી કહે છે: ‘જેને ત્રણ ડગલાં પૃથ્વીથી સંતોષ નથી થતો તેને રાજ્ય મળે તો પણ સંતોષ નહીં થાય. પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં સંતોષ માનનાર જ સુખેથી જીવી શકે છે.’
વામનજીની આ વાતમાં જાણે સુખનું સરનામું જ છે તેમ કહો ને!
માનવીનાં અંતરની અશાંતિનું નિદાન કરતાં ભર્તૃહરિએ લખ્યું છે :
स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला।
मनसि च परितुष्टे कोऽर्थवान् को दरिद्रः॥
જેની તૃષ્ણા વિશાળ છે તે જ ખરેખર ગરીબ છે. મનમાં સંતોષ છે તો કોણ સમૃદ્ધ અને કોણ ગરીબ?
પરંતુ મલેરિયાના દર્દીને ગમે તેટલી રજાઈ ઓઢાડો પણ ઓછી જ પડે, તેવું આજે માણસનું થયું છે. તેની વણથંભી લોભવૃત્તિને કારણે તે વિપુલતાઓની વચ્ચે પણ કંગાલ રહી જવાનું પરાક્રમ કરી બતાવે છે. તેના અંતરમાં અસંતોષની આગ એવી તો ભડકેલી હોય છે કે તે સઘળી સંપત્તિને સ્વાહા કરી જાય છે અને અંતે બચે છે ખખડતો ખાલીપો.
એકવાર બ્રહ્માજી દાન કરવા બેઠા. આ ખબર એક કંગાલને પડી. તેથી તેણે દોટ મૂકી, પણ તેની કંગાલિયત એવી હતી કે દાનમાં મળતી વસ્તુ લેવા પાત્ર પણ પાસે નહીં. છતાંય ‘રસ્તે હાલતાં બધું થઈ રહેશે’ એમ માની દોડવા લાગેલા તેના પગે કંઈક અથડાયું. તેને ઉતાવળે જ ઉપાડી તે પહોંચ્યો બ્રહ્માજી પાસે. છાલિયા જેવું પાત્રનું કદ જોઈને બ્રહ્માજીએ મૂઠી ઝવેરાત લઈ તેમાં નાંખ્યું, પણ પાત્ર ન ભરાયું. પછી ખોબો ભરી નાખ્યું. છતાંય પાત્ર ઊણું જ રહ્યું. અંતે થેલી આખી ઠાલવવા લાગ્યા. છતાં પાત્ર પૂરું ન ભરાયું. આ જોઈ બ્રહ્માએ પૂછયું કે ‘અલ્યા, તું શું લઈને આવ્યો છું તે આટલું ઠાલવવા છતાંય પાત્ર ભરાતું નથી?’ ત્યારે પેલો કંગાલ બોલ્યો: મેં પણ ક્યાં જોયું છે? ઉતાવળમાં રસ્તે ચાલતાં ભટકાયું તે ઉપાડીને લાવ્યો છું.’ આમ કહી તેણે જોયું તો તેના હાથમાં હતી માણસની ખોપરી! તે જોઈ બ્રહ્માજી સમજી ગયા કે ‘પાત્ર કેમ ભરાતું નહોતું?’
માણસના મનની અસંતોષી વૃત્તિ પર આ વેધક વ્યંગ છે. અસંતોષને લીધે અઢળક મળવા છતાં પણ આપણા પાત્ર ઊણાં જ રહી જાય છે.
આપણે કહેવત સાંભળીએ છીએ કે ‘સંતોષી નર સદા સુખી.’ અહીં સદા’ શબ્દ મહત્ત્વનો છે. માણસ સુખ તો મેળવે છે, પણ તે સદા ક્યાં ટકે છે? સ્કૂટરવાળાનું સુખ મોટરવાળાને જોઈને પોબારા ભણી જાય છે. એક માળના બંગલાવાળાનું સુખ પડોશીનાં ઘર પર બીજો માળ લેવાતાં જ ભોંયભેગું થઈ જાય છે. એકના ઘરમાં ફ્રિઝ આવતું જોઈને બીજાની શાંતિનું બાષ્પીભવન થઈ જાય છે. બીજાનું જોઈને પોતાની પાસે જે છે તેનું સુખ નહીં ભોગવવાની હઠ માણસે પકડી છે. તે અસંતોષને કારણે પહોંચે છે, પણ પામી શકતો નથી. મેળવે છે, પણ માણી શકતો નથી. મનની આ રુગ્ણતાને વામનજીની શીખ દૂર કરી શકે તેમ છે. પ્રારબ્ધ અનુસાર જે મળે તેમાં સંતોષ તે જ સુખનું મૂળ છે તેમ ચાતુર્માસ સાથે સંકળાયેલી કથા સમજાવે છે.
સંતોષના આ શિખર પર બિરાજેલા સંત હતા – પ્રમુખસ્વામી મહારાજ. તેઓ ભગવાનની ઇચ્છાથી જે મળે તેમાં હંમેશાં રાજી રહેતા. તેથી તેઓને તા. ૧૨/૩/૧૯૮૬ના રોજ એક પત્રકારે પૂછેલું કે ‘આપને અફસોસનો વિષય કયો?’
ત્યારે સ્વામીશ્રીએ જણાવેલું: ‘ભગવાનની ઈચ્છાથી કામ કરીએ છીએ. બધું જ એમની ઈચ્છા મુજબ થાય છે. કદાચ કોઈ કાર્ય ન થયું અને જતું રહ્યું તોય ભગવાનની ઈચ્છા. એટલે કોઇ જાતનો અફસોસ રહેતો નથી.’
‘હરખ શોક તે રહે નિયારો…’ની સ્થિતિ હતી પ્રમુખસ્વામી મહારાજની. તેને સિદ્ધ કરવાનો પ્રયાસ આ ચાતુર્માસમાં આપણે કરીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.