રેલવે એન્જિનિયરોની સમયસૂચકતાને લીધે હોનારત ટળી

આમચી મુંબઈ

મુંબઇ: કલ્યાણ-કસારા રેલવે લાઇન પર ટિટવાલા રેલવે સ્ટેશન પાસેના પુલ નજીક પ્રોટેકટીવ વોલનું કામ કરતી વખતે રેલવે કોન્ટ્રાક્ટરે રેલવે લાઈનને અડીને આવેલ જગ્યામાંથી પુરાણ કરવા માટે માટી કાઢી હતી. એ સમયે કોન્ટ્રાક્ટરને ખબર નહોતી કે જો એ જગ્યાએથી માટી હટાવવામાં આવશે તો રેલવે ટ્રેક પર જોખમ ઊભું થઈ શકે છે. છેલ્લા અઠવાડિયાથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે પુલ પાસેની માટીનું ધોવાણ થયું હતું અને એને કારણે રેલવે લાઇનને જોખમ ઊભું થયું હતું. આ બાબત રેલવે એન્જિનિયરોના ધ્યાને આવતાં જ તેઓએ મુશળધાર વરસાદમાં પણ સતત બે દિવસ કામ કરીને કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં રેતીના પથ્થર ભરેલી બોરીઓ નાખીને રેલવે લાઇનને ધોવાઈ જતી અટકાવી હતી અને તેના કારણે મોટી હોનારત ટળી હતી.
ઉલ્હાસ ખીણમાં ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઉલ્હાસ અને ટિટવાલા નજીક કાળું નદીમાં પૂર આવ્યું હતું અને રેલવે બ્રિજ નીચે પાણીનું સ્તર ત્રણથી ચાર ફૂટ સુધી વધી ગયું હતું. આ પૂરના કારણે જો પાણીનું સ્તર હજુ વધી ગયું હોત તથા જો નદીના પૂરનાં પાણીના કારણે રેલવે ટ્રેક પાણીમાં વહી ગયા હોત તો કલ્યાણ-કસારા રેલ સેવા બંધ કરવી પડી હોત. રેલવે ઇજનેર કામદારોએ વરસતા વરસાદમાં બે દિવસ કામ કરીને રેતી અને ઝીણી કાંકરીની બોરીઓ તૈયાર કરી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા બે મહિના પહેલાં રેલવે ટ્રેકને અડીને બનાવેલા ખાડામાં કુશળતાપૂર્વક મૂકવામાં આવી હતી. આ બોરીઓને એવી રીતે મૂકવામાં આવી હતી કે રેલવે ટ્રેક સુરક્ષિત રહે અને જો પૂરનું પાણી વધી જાય તો પણ તેનાથી રેલવે લાઇનને કોઈ ખતરો ઊભો ન થાય, એમ એક સ્થાનિક રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
ટિટવાલા નજીક રેલવે લાઇન પાસે ત્રીજી અને ચોથી લાઇનનું કામ ચાલી રહ્યું છે. રેલવેએ વિવિધ તબક્કામાં આ કામ હાથ ધર્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.