વિશેષ -ગુરુ પંડ્યા
*‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવે સુપરસ્ટાર હિતુ કનોડિયા
*જશ્મીન શાહ અને પ્રતિમા ટી.
*જશ્મીન શાહ સિદ્ધાર્થ રાંદેરિયા અને જયંતીલાલ ગડા
*નિર્માતા કૌસ્તુભ ત્રિવેદી અને આનંદ પંડિત
*વિપુલ વિઠલાણી
કોરોના કાળના બે વર્ષના અંતરાલ બાદ ગુજરાતી ફિલ્મ-ટીવી અને તખ્તાના કલાકારોને એક જ મંચ પરથી દર વર્ષે સન્માનવાની ‘ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવૉર્ડસ’ની પરંપરાનું વીસમાં વર્ષમાં પ્રવેશ કરતા મુંબઇમાં ૨૫ ફેબ્રુઆરીના રોજ પચાસ જેટલા ગુજરાતી કલાકાર કસબીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં કોરોનાકાળ દરમિયાન અવસાન પામેલા કલાકાર, કસબીઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અત્યાર સુધી આ ઍવોર્ડ સમારંભમાં ફિલ્મ, ટીવી અને સ્ટેજ એમ ત્રણેય માધ્યમોના કલાકાર, કસબીઓને એવૉર્ડસ એનાયત કરવામાં આવતા હતા. જેમાં આ વર્ષથી ઓટીટી પ્લેટફોર્મ અને વેબ સિરીઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા ૨૦ વર્ષથી જસ્મીન શાહ આ એવૉર્ડ ફંક્શન માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. અભિલાષ ઘોડા, દિપક અંતાણી અને રાજુ સાવલાની ટીમ તેમની સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહી છે.
સિદ્ધાર્થ રાંદેરિયાને ‘ગોવિંદભાઇ પટેલ મહારથી ઍવોર્ડ’, લેડી અમિતાભ તરીકે ઓળખ પ્રસ્થાપિત કરનાર જાણીતી અભિનેત્રી પ્રતિમા ટી. અને પીઢ અભિનેતા અમિત દિવેટીયાને ‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને વિશેષ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. ગુજરાતના શ્રેષ્ઠ નાટકની કેટેગરીમાં ‘ટાઇમ પ્લીઝ’ને પ્રવીણ કોટક તરફથી ૫૧,૦૦૦ઽ/- તથા મુંબઇના શ્રેષ્ઠ નાટકની કેટેગરીમાં કૌસ્તુભ ત્રિવેદી અને નીલેશ દવે નિર્મિત ‘કેસ નંબર ૯૯’ને રૂપ આનંદ પંડિત તરફથી ૫૧,૦૦૦/-નો રોકડ પુરષ્કાર જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમ જ હનીફ-અસ્લમને ‘મહેશ-નરેશ વિશેષ ઍવોર્ડ’થી સન્માવવામાં આવ્યાં હતાં.
આ રંગારંગ સમારોહમાં હિન્દી તેમ જ ગુજરાતી ફિલ્મ જગતના કલાકાર, કસબીઓ અને નિર્માતાઓ હાજર રહ્યા હતા.
‘ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવૉર્ડસ’માં મુંબઇ નાટક એવૉડ અંતર્ગત ‘ખેલ ખેલે ખેલૈયા’ માટે વિનોદ સરવૈયાને શ્રેષ્ઠ લેખક, ‘મનુભાઇ દુલ્હનિયા લે જોયેંગે’ માટે પ્રીત પંડયાને શ્રેષ્ઠ સહ-અભિનેત્રી, ‘ગુલામ બેગમ બાદશાહ’ માટે લીનેશ ફણસેને શ્રેષ્ઠ સહ-અભિનેતા, ‘મને બધુ આવડે’ (ખઇઅ) માટે સેજલ શાહને શ્રેષ્ઠ અભિનેત્રી, ‘કેસ નંબર ૯૯’ માટે વિપુલ વિઠલાણીને શ્રેષ્ઠ અભિનેતા, ‘ગોળકેરી’ માટે ખંજન ઠુમ્મરને શ્રેષ્ઠ દિગ્દર્શક અને ‘કેસ નંબર ૯૯’ને શ્રેષ્ઠ નાટકનો એવૉર્ડ મળ્યો હતો.
ગુજરાતી ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ માટે સંજય છેલને શ્રેષ્ઠ સંવાદ લેખક તરીકે એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે ‘મેડલ’ને એવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય વિવિધ કેટેગરીમાં પણ એવૉર્ડ આપવામાં આવ્યાં હતાં.