Homeઉત્સવભારતના આર્થિક વિકાસનો મોટો આધાર ૧૩૦ કરોડની જનતા

ભારતના આર્થિક વિકાસનો મોટો આધાર ૧૩૦ કરોડની જનતા

સ્પેશિયલ -જયેશ ચિતલિયા

આઈએમએફ માને છે કે ભારતનું અર્થતંત્ર દેદીપ્યમાન છે, પરંતુ ૧૦ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે તેમાં મહત્ત્વના માળખાકીય સુધારા આવશ્યક: મોદી કહે છે દેશના આર્થિક ફંડામેન્ટલ્સ મજબૂત છે અને તેને વધુ સક્ષમ બનાવાશે, ગ્લોબલ અનિશ્રિંતતા એ ભારત માટે તક આઈએમએફ દ્વારા ભારતનો ગ્રોથરેટ અંદાજ ભલે ઘટાડાયો, કિંતુ વિકાસ સંબંધી તે ભારતને બહેતર માને છે.
ભારતના ઈકોનોમીક ફંડામેન્ટલ્સ મજબૂત છે, જેને ૧.૩૦ અબજની ભારતની વસ્તીનો મજબુત ટેકો છે. સરકાર છેલ્લા આઠ વરસથી સતત આર્થિક-સામાજિક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને પગલાં ભરી રહી છે. આ દેશની ૧૩૦ કરોડ જનતા જ તેની શક્તિ છે, સામર્થ્ય છે અને ઉજ્જ્વલ ભાવિ છે, તેથી જ વિશ્ર્વની નજર ભારત પર છે, તેથી જ ભારત હાલ ઈન્વેસ્ટમેન્ટ માટે ઉત્તમ સ્થળ માનવામાં આવે છે, આ શબ્દો-ભાવ-લાગણી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છે, જે તેમણે તાજેતરમાં દેશમાં યોજાયેલા ત્રણ દિવસીય વૈશ્ર્વિક ઈન્વેસ્ટર સપ્તાહમાં કહ્યા હતા અને જગતના રોકાણકારોને-કોર્પોરેટસને ભારતમાં વિશ્ર્વાસ સાથે રોકાણ માટે આમંત્રણ આપ્યું છે અને આ ગ્લોબલ રોકાણકારો માટે ઈઝ ટુ ડુ બિઝનેસના કદમ ભરાતા રહયા છે, આ સાથે સરકાર સ્થાનિક બિઝનેસમેન-ઉદ્યોગપતિઓને પણ ભરપૂર પ્રોત્સાહન આપતી રહી છે. એ જુદી વાત છે કે લોકોની નજર માત્ર ચુનંદા ઉદ્યોગપતિઓ પર જ પડી રહી છે, તેની સામે સવાલ પણ ઊઠે છે અને ચર્ચા કે વિવાદ પણ ચાલે છે, જો કે તેમાં સત્ય કેટલું અને રાજકરણ કેટલું એ સવાલ અધ્ધર રહે છે.
આઈએમએફ શું માને છે?
આપણે વડા પ્રધાનના નિવેદન પૂર્વે ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ) ના વડાના તાજેતરનાં ચોકકસ નિવેદનો પર નજર કરીએ તો એ એક વૈશ્ર્વિક સંસ્થા તરીકે સ્વતંત્ર અભિપ્રાય આપે છે અને તેમાં ભારત માટે ઊંચો આશાવાદ ધરાવે છે. આખું વિશ્ર્વ જ્યારે મંદીમાં સરી પડવાની અણી પર છે ત્યારે ભારતનું અર્થતંત્ર એક ચમકતો તારો છે. જોકે ૧૦ ટ્રિલિયન યુએસ ડોલરના લક્ષ્યને હાંસલ કરવાની તેની મહત્ત્વાકાંક્ષા પૂરી થાય એ પૂર્વે કેટલાક ચાવીરૂપ માળખાકીય સુધારા આવશ્યક છે, એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાસ્ત્રી પિયરે-ઓલિવીર કહે છે. ભારતનો સૂર્ય તપે છે, તેનું અર્થતંત્ર સારી કામગીરી કરી રહ્યું છે. ભૂતકાળમાં સંખ્યાબંધ દેશોએ બહુ ઝડપથી પ્રગતિ કરી હતી. એટલે હું એમ માનું છું કે ભારત તે કરી શકે છે પરંતુ હાલના સમયમાં તે સરળ કામ નથી. ભારતમાં વિરાટ સંભાવનાઓ છે એ નિશ્ચિત છે કિંતુ ભારત જેવા દેશમાં ૧૦ ટ્રિલિયન ઈકોનોમી બનવા માટે કેટલાક માળખાકીય સુધારાઓ કરવા આવશ્યક છે.
આમ તો ભારતમાં સંખ્યાબંધ સુધારાઓ કરવામાં આવી રહ્યા છે, જેમ કે ભારત ડિજિટલાઈઝેશનમાં મોખરે છે. આ ડિજિટલ સાધનોનો ઉપયોગ વહીવટી સેવાઓ સમાજના સર્વે વર્ગો સુધી પહોંચે એવી રીતે કરવામાં આવી રહ્યો છે, એ દર્શાવે છે કે ભારતમાં ડિજિટલાઈઝેશન ક્ષેત્રે ઈનોવેશન્સ થઈ રહ્યાં છે. તેનાથી આગળ વધીને એ સુધારા કરવાની જરુર છે, જેનાથી વાસ્તવિક વિકાસ થશે. આખી દુનિયામાં અત્યારે જેની વાત થાય છે એ વિકાસ માટે અર્થતંત્રને માત્ર સ્થિર કરવાની વાત હું અહીં નથી કરી રહ્યો, પરંતુ એની વાત કરી રહ્યો છું કે જેનાથી ઉત્પાદનમાં વૃદ્ધિ થાય. આરોગ્ય, શિક્ષણ, ઉમદા સામાજિક હેતુઓ માટેના ખર્ચ, ડિજિટલ શિક્ષણ અને સંપર્ક અને માળખાકીય ક્ષેત્રોમાં સુધારા કરવા જોઈએ, એવું સૂચન પિયરે કરે છે.
આઈએમએફએ વર્ષ ૨૦૨૩ માટેના વિશ્ર્વના અર્થતંત્રના ભાવિ અંગેનો અહેવાલ વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક ૨૦૨૩ તાજેતરમાં જાહેર કર્યો છે તેમાં ભારતનું અર્થતંત્ર ૬.૮ ટકાના દરે વધશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ પૂર્વે આઈએમએફએ ૨૦૨૩માં ભારતનો વિકાસ દર ૨૦૨૧ના ૮.૭ ટકાથી ઘટીને ૨૦૨૨માં ૬.૮ રહેવાનો અને વર્ષ ૨૦૨૩માં ઓર ઘટીને ૬.૧ રહેવાનો અંદાજ મૂક્યો હતો. જોકે ગ્લોબલ સિનારિઓ સામે આ વિકાસદર પણ બહેતર હોવાનું આઈએમએફ માને છે.
પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સુધારામાં લોકોનો સમાવેશ પણ જરૂરી
ભારતમાં સંખ્યાબંધ રિફોર્મ્સની જરૂર છે. જાહેર માળખાકીય સુવિધાઓ એટલે માત્ર રોડ્સ અને બિલ્ડિંગ્સ નહિ. પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યાખ્યામાં લોકોનો પણ સમાવેશ કરવો જોઈએ. માનવસંસાધનોમાં આરોગ્ય, શિક્ષણ વગેરે સ્વરુપે મૂડી રોકવામાં આવશે તો અર્થતંત્ર ખરેખર બહુ ઝડપથી અને એકધારું વધશે એમ આઈએમએફના વડા અર્થશાસ્ત્રી માને છે. તેમના મતે ભારતીય અર્થતંત્ર મહામારીની અસરમાંથી પુન: બેઠું થઈ ગયું છે. જોકે ઊર્જાની કિંમતો વધી રહી છે, નિકાસ માગ ઘટી રહી છે અને એકંદર વિશ્ર્વાસમાં ઘટાડો થઈ રહ્યો છે એને પગલે વૈશ્ર્વિક અર્થતંત્ર મંદ પડી રહ્યું છે તેની કંઈક અંશે અસર વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતના અર્થતંત્રમાં ચોકકસ દેખાશે. આથી વિકાસના અંદાજમાં ઘટાડો કરાયો છે. ૨૦૨૨માં તંગ નાણાકીય સ્થિતિ અને બાહ્ય પરિસ્થિતિ પણ આમાં કારણભૂત છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સહેજ નબળી કામગીરી રહી હોવાથી અંદાજમાં ઘટાડો કરવાની ફરજ પડી છે.
સુધારા થઈ રહ્યા છે અને થતા રહેશે
આજના સમયમાં ભારતીય અર્થતંત્ર ચમકી રહ્યું છે અને તુલનાત્મક રીતે હજી પણ તેનો વિકાસ દર મજબૂત છે. ભારત દુનિયાના મોટાં અર્થતંત્રમાંનું એક છે એટલે જ્યારે તે ૬.૮ અથવા ૬.૧ ટકાના દરે વધી રહ્યું હોય તો તે નોંધપાત્ર દર ગણાય. અન્ય બધા દેશો અને વિકસિત દેશોનાં અર્થતંત્ર ભાગ્યે જ વધી રહ્યાં છે એ જોતાં આ ગતિ પણ દુર્લભ કહેવાય. વર્તમાન કે આગામી વર્ષના આટલા વિકાસનો અંદાજ અમે મોટા દેશો માટે પણ નથી મૂક્યો એ જોતાં ભારત અલગ તરી આવે છે.
વડાપ્રધાન મોદી વધુ ઉમેરતા કહે છે કે સરકાર ગ્લોબલ રોકાણકારો માટે લાલ જાજમ તો પાથરે જ છે, કિંતુ સાથે-સાથે તેને તેના અભિગમમાં પણ બદલાવ લાવી રહી છે. તેમની માટે બિઝનેસ પ્રોસેસ વધુ સરળ અને પારદર્શક બનાવાઈ રહી છે. એ મુજબ કાયદાકીય સુધારા કરાઈ રહ્યા છે. તેને ગૂંચવણભર્યા રાખવાને બદલે સરળીકરણ કરાઈ રહ્યુું છે. સરકાર પોતે બિઝનેસમાં ચોંટી રહેવાને બદલે સારા બિઝનેસમેન આગળ આવે અને તેને વિકસાવે એવો અભિગમ ધરાવે છે. અલબત્ત, આ મામલે હજી ઘણાં ધરખમ અને નકકર સુધારાની જરુંર ખરી. આ સુધારા દરેક લેવલે થવા જોઈએ. માત્ર પ્લાન કે વચન-વાતોથી નહીં, નક્કર અમલીકરણથી સાચી સફળતા મળશે, જેમાં પણ પ્રજાનો અને અમલદારશાહીનો સહયોગ જોઈશે. પૉલિસીમાં વ્યવહારુ અભિગમ અને
સાતત્ય જોઈશે.
ભારતના રિફોર્મ્સ અને ઉમ્મીદ
બૅંકોના મર્જર, ખાનગીકરણને પ્રોત્સાહન, સરકાર હસ્તકની કંપનીઓનું ડિસઈન્વેસ્ટમેન્ટ, પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ, વગેરે જેવા પ્રયોગ ચાલી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સ, સ્કિલ ડેવલપમેન્ટ, ઉત્પાદનને વેગ આપવા પ્રોત્સાહન સ્કિમ્સ, નવા એકમોને કર રાહત, ડિફેન્સ સેકટરમાં આત્મનિર્ભરતા તરફ ગતિ, ક્રુડની સમસ્યાના કરાતા ઉપાય, રિન્યુએબલ એનર્જી માટેના વધતા પ્રયાસ વગેરે જેવા સુધારા ભલે ધીમી ગતિએ ચાલતા, પણ તેની સકારાત્મક અસર વહેલી-મોડી જરુર દેખાશે. આર્થિક વિકાસના વિવિધ આંકડા દેશની સામાજીક-આર્થિક દિશાની ખાતરી આપે છે. વિશ્ર્વના વર્તમાન તંગ અને અનિશ્ર્ચિતતાવાળા માહોલમાં પણ ભારતની પ્રગતિ આંખે ઉડીને વળગે છે. અન્ય દેશોની તુલનાએ ભારત ઘણી બધી રીતે અગ્રેસર અને બહેતર રહેવાની ઉમ્મીદ વધતી રહી છે. રિપીટ વેલ્યુ સાથે યાદ કરાવવું જરુરી છે કે ભારતની ૧૩૦ કરોડની જનતા અને તેમાં પણ મહત્તમ યુવા વર્ગ-ટેલેન્ટ વિકાસની ગતિને વેગ આપવામાં મોટી ભૂમિકા ભજવશે.

RELATED ARTICLES

Most Popular