થેન્ક યુ માય લોર્ડ?: નફરત કરનેવાલોં કે સીને મેં પ્યાર ભર દૂં!

ઉત્સવ

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ: સ્મિત, ઇંટરનેશનલ કરંસી છે! (છેલવાણી)
પ્રાથમિક શાળામાં ટીચરે, એક બાળકને પૂછ્યું, “બોલ, તારા મા-બાપના નામ શું છે?
“મારા પપ્પાનું નામ ‘લાફિંગ’ છે ને મમ્મીનું નામ-સ્માઇલિંગ!, બાળકે કહ્યું
ટીચરે ભડકીને પૂછ્યું, “ઓહ, મશ્કરી એમ?
“ના ના ‘મશ્કરી’ તો મારી બહેનનું નામ છે ને મારું નામ ‘જોકિંગ’ છે!, પેલા બાળકે કહ્યું અને આખો ક્લાસ હસી પડ્યો, કારણકે એમાં બાળકની નિર્દોષતા હતી, પણ જો આવી મસ્તી પી.એચ.ડી.ના મેચ્યોર સ્ટુડંટે કરી હોત તો કોઇ ના હસત!
હમણાં થોડા જ દિવસો અગાઉ દિલ્હી હાઇ કોર્ટના જજ, ચંદ્રધારી સિંહે વિચિત્ર ચુકાદો આપ્યો કે- ‘જો તમે હસીને હેટ સ્પીચ આપો તો તે ગુનો નથી!’ એટલે કે કોઇ નેતા કે કોઇ વક્તા મંચ પરથી નફરતભરી વાત કહીને લોકોને ભડકાવે છતાં જો એના ચહેરા પર સ્મિત હોય તો એ ચાલે! અચ્છા એમ? તો એ લોજિકથી કોઇ હસતા હસતા ખૂન કરે તોયે માફ ગણાય? આ ચુકાદાથી લીગલ જગતમાં ભારે ચકચાર જાગી છે. બે વરસ અગાઉ દિલ્હીમાં સરકાર વિરોધી આંદોલનમાં એક નેતાએ ‘ગોલી મારો સાલો કો. દેશ કે ગદ્દારોં કો’- જેવું વિવાદાસ્પદ વિધાન કરેલું ને મામલો બીચકેલો! જજનો આ ચુકાદો, નફરતની વાત કરવા માટે જાણે લાઇસંસ આપતા હોય એવી આ વાત છેને? વળી હેટ સ્પીચ બોલનારનું સ્માઇલ ‘ખંધુ’ છે કે ‘નિર્દોષ’ છે- એ કોણ નક્કી કરશે? ઇલેક્શન વખતે ભડકાવનારા ભાષણ આપનારા નેતાઓને તો આમાં ખુલ્લંખૂલ્લી છૂટ મળી જશેને! વિખ્યાત નાટ્યકાર શેકસપીયરે કહયું છેને કે: “One maysmile, andsmile, and be avillain!’ સતત સ્મિત આપનાર, આખરે વિલન નીકળી શકે છે! હવે તો દેશમાં કોઇપણ પાર્ટીનું આઇ.ટી. સેલ હોય કે નફરત ફેલાવનારાઓએ મોટા લોકોને ડરાવીને આખેઆખી કેરિયર બનાવી છે!
હમણાં ત્રણેક વરસ અગાઉ અમેરિકામાં એવો સોફ્ટવેર શોધાય કે માણસનું સ્માઇલ સાચું છે કે નહીં એને પારખી શકે! માણસના ચહેરાનું વીડિયો રેકોર્ડિંગ કરીને પછી એના સ્માઇલ દરમ્યાન કેટલા સ્નાયુઓ કેવી રીતે હલે છે એની કાલ્પનિક આકૃતિ બનાવવામાં આવે અને પછી એજ વ્યકિતના સ્માઇલને શૂટ કરીને સરખાવવામાં આવે છે. સ્મિત વખતે ચહેરાના ગાલના સ્નાયુઓ અને આંખના આસપાસના સ્નાયુ ઉપરની તરફ વંકાય છે. નકલી સ્માઇલ વખતે માણસના ગાલના સ્નાયુઓ તો વંકાય છે પણ આંખોની આસપાસના સ્નાયુઓ બહુ હલતા નથી ને આમ નકલી સ્માઇલ પકડાઇ શકે છે. નોકરીના ઇન્ટરવ્યુ માટે કે લગ્નવિષયક મુલાકાત દરમ્યાન વ્યક્તિની પરખ આવા અસલી-નકલી સ્માઇલથી થઇ શકે છે! કારણકે માણસનું સાચું સ્માઇલ તમારાં ચારિત્ર્યનો આયનો છે!
કોઇએ કહ્યું છે કે: “જે પુરૂષ હસતી વખતે પણ ખૂબસૂરત ના દેખાય એનાં પર ભરોસો ના કરવો!
ઇન્ટરવલ
તુમ ઇતના ક્યું મુસ્કુરા રહે હો?
ક્યા ગમ હૈ જિસ કો છૂપા રહે હો? (કૈફી આઝમી)
સ્માઇલ, સ્મિત કે મુસ્કુરાહટથી એક જ સેકંડમાં સામેનાં માણસની કુંડળી ખુલી જાય છે. સ્માઇલ, દુનિયાને પામવાનો પાસવર્ડ છે. એરહૉસ્ટેસનું સ્માઇલ બજારી હોય છે. સેલ્સમેનનાં સ્માઇલમાં લાચારી હોય છે. સંતના સ્માઇલમાં નિર્વાણની શાંતિ હોય છે. ખંધા નેતાનાં સ્માઇલમાં પાવર છે. અમુક સ્માઇલ, અમેરિકન વિઝા આપવા બેઠેલાં શક્કી ઓફિસર જેવા મીંઢા હોય છે. અમુક સ્માઇલમાં “આઇ નો વોટ યુ ડીડ લાસ્ટ સમર! અર્થાત્ અમે જાણીએ છીએ તમે શું છાનુંમાનું પરાક્રમ કરીને આવ્યા છો! જેવી પંચાત છૂપાયેલી હોય છે.
ફિલ્મસ્ટાર્સનાં સ્માઇલ પર તો પી.એચ.ડી. થઇ શકે એટલી ખૂબીઓ જોવા મળે છે. સદાબહાર અભિનેતા નિર્માતા દેવઆનંદ જ્યારે જ્યારે કોઇ એન.આર.આઇ. ચાહકને ત્યાં મહેમાન બનીને ડીનર લેવા જતાં ત્યારે સૌ સમજી જવાનું કે દેવઆનંદ માત્ર પોતાનાં એક જ સ્માઇલથી આગામી ફિલ્મના ફાઇનાન્સ માટે કરોડો રૂપિયા વિના શરતે ઢસડી આવશે! એક અભિનેતા માટે સ્માઇલ જેવું હથિયાર બીજું કોઇ નથી. મોનાલિસાનું સ્માઇલ ‘દુનિયાભરની હોટ ક્ધયાઓ કરતાંયે વધુ માદક છે કેમ છે?’ એ રહસ્ય હજૂય ઉખાણું જ રહયું છેને?
વિશ્ર્વ વિખ્યાત ફ્રેંચ લેખક વિકટર હયુગોએ “ધ લાફીંગ મેન કરીને સુંદર વાર્તા લખેલી જેમાં એક માણસનો હોઠ બેઉ બાજુથી એ રીતે કપાયેલો છે કે એને કારણે એ સતત હસતો ને હસતો જ દેખાય છે! આપણાં સદાબહાર હાસ્ય લેખક તારક મહેતાએ પણ એ જ વિષય પર ‘પ્લાસ્ટિક સ્માઇલ’ નામની સુંદર વાર્તા લખેલી જેમાં એક સેલ્સમેન ખૂબ હસમુખો વિનોદી હોય છે,સૌને હસાવીને, સૌના દિલો પર રાજ કરીને ખૂબ કમાતો હોય છે. અચાનક એનો જાદૂ ઓસરવા માંડે છે. એનાં જોકસ વાસી લાગવા માડે છે. કંટાળીને સેલ્સમેન, પ્લાસ્ટીક સર્જન પાસે પોતાનાં હોઠને એવો બનાવી દે છે કે સતત હસમુખો લાગે! અને પછી તો એ નકલી હસતાં ચહેરાં સાથે સેલ્સમેન, ફરી લોકપ્રિય બની જાય છે, વ્યવસાયમાં સફળ થાય છે! અંતે જ્યારે પોતાની માતાનાં અંતિમ સંસ્કારમાં જાય છે ત્યારે પણ એનો ચેહરો સ્માઇલિંગ જ રહે છે કારણકે એ સ્માઇલ તો પરમેનેન્ટ ચીપકાવેલું ! આ જોઇને લોકો એને નિર્દયી-ક્રૂર ગણીને ધુત્કારી નાખે છે અને સેલ્સમેનના ચહેરા પર નકલી સ્માઇલ સાથે અસલી આંસુ વહેવા માંડે છે!
ઍન્ડ ટાઇટલ્સ
આદમ: તું હસતી વખતે બહુ સુંદર લાગે છે!
ઇવ: બસ ત્યારે જ? તને બાકી તો કંઇ કદર જ નથી!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.