અમુક અપવાદને બાદ કરતાં હિન્દી ફિલ્મો માટે આ વર્ષ મોળું રહ્યું છે ત્યારે વર્ષાન્તે રિલીઝ થનારી રોમાંચક – સનસનાટીપૂર્ણ ફિલ્મો દર્શકોમાં ઉત્તેજના જગાડવામાં નિમિત્ત બને છે કે કેમ એ જાણવું રસપ્રદ રહેશે
કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી
અજય દેવગનની ક્રાઈમ થ્રિલર ‘દ્રશ્યમ ૨’ આ વર્ષની જૂજ સફળ હિન્દી ફિલ્મોમાંની એક સાબિત થઈ છે. આ વર્ષની ટોપ પાંચે પાંચ સફળ ફિલ્મો (બ્રહ્માસ્ત્ર, ધ કાશ્મીર ફાઈલ્સ, દ્રશ્યમ ૨, ભૂલભૂલૈયા ૨, ગંગુબાઈ કાઠિયાવાડી) ભલે થ્રિલરની વ્યાખ્યામાં ફિટ નથી બેસતી, પણ પ્રત્યેક ફિલ્મમાં એવું તત્ત્વ હતું જે દર્શકના ભાવવિશ્ર્વને રોમાંચિત કરનાર કે એમાં ખળભળાટ મચાવનાર જરૂર હતું. રોમાંચનો અનુભવ કરાવતી કે પછી હૈયું હચમચાવી દેતી ફિલ્મ દર્શકની બદલાયેલી રુચિમાં અગ્રસ્થાને છે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ પાર્શ્ર્વભૂમિ પર વર્ષાન્તે – આ મહિને એટલે કે ડિસેમ્બરમાં કુલ મળીને ૧૧ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ અથવા થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. ચાર ફિલ્મ (ફ્રેડી: થ્રિલર – ઓટીટી, હિટ: ધ સેક્ધડ કેસ: થ્રિલર – થિયેટર, ઈન્ડિયા લોકડાઉન: સંઘર્ષ કથા – ઓટીટી, એન એક્શન હીરો: એક્શન – થિયેટર) ગયા શુક્રવારે રિલીઝ થઈ ગઈ છે અને સાત ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ સાત ફિલ્મમાંથી ચાર થ્રિલર જોનરની છે જ્યારે બાકીની ત્રણ થ્રિલર ભલે ન કહેવાય, રોમાંચિત કરનાર કે ખળભળાટ જન્માવનારી ચોક્કસ છે. એક જ મહિનામાં આટલી થ્રિલર ફિલ્મ રિલીઝ થતી હોય એવું કદાચ પ્રથમ વાર બની રહ્યું છે. એક નજર આ ફિલ્મો પર.
બ્લર: તાપસી પન્નુ, ગુલશન દેવૈયા – ૯ ડિસેમ્બર, ઓટીટી: બહિષ્કાર માહોલમાં તાપસીની ‘દોબારા’થી દર્શકો પોબારા ગણી ગયા પછી અભિનેત્રીની બીજી થ્રિલર આજે રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં ડબલ રોલ કરવા ઉપરાંત તાપસી ફિલ્મની કાર્યકારી નિર્માતા પણ છે. આત્મહત્યાનું લેબલ લગાવવામાં આવ્યું હોય છે એ બહેનના રહસ્યમય મૃત્યુની સચ્ચાઈ જાણવા યુવાન ગાયત્રી (તાપસી પન્નુ) મિશન પર છે એ આ ફિલ્મની કથાનું હાર્દ છે. જોડિયા બહેન ગૌતમીએ દ્રષ્ટિ ગુમાવી દીધી હોય છે તો પોતાના મિશન દરમિયાન ગાયત્રી પણ ધીરે ધીરે ઝાંખપ અનુભવી રહી છે. આંખોનું તેજ જતું રહે અને અંધત્વ આવે એ પહેલા સત્ય સુધી પહોંચવા ગાયત્રી મક્કમ છે.
પિપ્પા: ઈશાન ખટ્ટર, મૃણાલ ઠાકુર – ૯ ડિસેમ્બર, થિયેટર: આ ફિલ્મના ટીઝર પરથી આ વોર ફિલ્મ છે એ સમજાય છે અને ૧૯૭૧નું ભારત અને પાકિસ્તાન યુદ્ધ કથાના કેન્દ્રમાં છે એવું જાણવા મળ્યું છે. ભારતીય લશ્કરના ૪૫મી કેવલરી ટેન્ક સ્કોવડ્રનના દિગ્ગજ બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાની બહાદુરી, એમનું પરાક્રમ ફિલ્મમાં દેખાડવામાં આવશે. ફિલ્મની વાર્તા મિસ્ટર મહેતાના પુસ્તક ‘ધ બર્નિંગ ચાફીસ’ પર આધારિત છે. ફિલ્મમાં ગરીબપુરમાં થયેલું ૧૨ દિવસનું યુદ્ધ દેખાડવામાં આવશે જેને કારણે બંગ્લાદેશનું નિર્માણ થયું હતું. ટીઝરમાં એક નાનકડો વીડિયો દેખાડવામાં આવ્યો છે જેમાં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી યુદ્ધનું એલાન કરતા નજરે પડે છે.
મારિચ: તુષાર કપૂર, નસીરુદ્દીન શાહ – ૯ ડિસેમ્બર, થિયેટર: પાંચ વર્ષ પછી (છેલ્લી ફુલ લેન્થ ફિલ્મ ‘ગોલમાલ અગેન’ – ૨૦૧૭) તુષાર કપૂર ફુલ લેન્થ રોલમાં જોવા મળશે. ટીઝરમાં તુષારે જણાવ્યું હતું કે ‘મામા મારિચ કી નગરી મેં ફસ ગયે ના!’ આ થ્રિલર ફિલ્મમાં તુષાર કપૂર પોલીસ ડિપાર્ટમેન્ટના ઑફિસરના રોલમાં છે જ્યારે નસીરુદ્દીન શાહ કેથલિક ધર્મગુરુની ભૂમિકામાં જોવા મળશે. દર્શકોને સતત જકડી રાખી રોમાંચિત કરી દેવાની ખાતરી આપતી આ ફિલ્મમાં તુષારનું પાત્ર દેશભરમાં હાહાકાર મચાવનાર બે ઘાતકી હત્યાના કેસની તપાસ કરતું જોવા મળશે.
વધ: સંજય મિશ્રા, નીના ગુપ્તા – ૯ ડિસેમ્બર, થિયેટર: ઓટીટી પ્લેટફોર્મને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા જે ગુણી કલાકારોને નિયમિત કામ મળી રહ્યું છે એમાંના સંજય મિશ્રા અને નીના ગુપ્તા આ ફિલ્મના પ્રમુખ કલાકાર છે. થ્રિલરની રૂઢિગત વ્યાખ્યામાં આ ફિલ્મ ભલે ફિટ નથી બેસતી, અહીં મધ્યમવર્ગના યુગલના જીવન સંઘર્ષની વાત વણી લેવામાં આવી છે. ફિલ્મમાં રહસ્યનું જાળું ગૂંથાય છે કારણ કે
પતિ માનવ હત્યા કરી હોવાની કબૂલાત કરે છે. ‘બધાઈ હો’ પછી ફરી લાઇમલાઇટમાં આવેલા નીના ગુપ્તા તાજેતરમાં ‘ઊંચાઈ’માં નજરે પડ્યાં હતાં જ્યારે સંજય મિશ્રા છેલ્લે ‘ભૂલભૂલૈયા’માં કોમિક રોલમાં દર્શકોને દેખાયા હતા.
ગોવિંદા નામ મેરા: વિકી કૌશલ, કિયારા અડવાણી, ભૂમિ પેડણેકર – ૧૬ ડિસેમ્બર, ઓટીટી: થર્ટી પ્લસના જે જૂજ એક્ટર્સ લાઈમલાઈટમાં છે અને વ્યસ્ત રહી દમદાર રોલ કરે છે એમાં વિકી કૌશલનું નામ આગળ છે. વિકી બે દમદાર અભિનેત્રી સાથે કોમેડી થ્રિલરમાં નજરે પડશે જેનું નિર્માણ કરણ જોહર દ્વારા કરવામાં આવ્યું છે. ૨૦૨૦માં ફિલ્મની ઘોષણા થઈ હતી, પણ કોવિડ ૧૯ મહામારીને લીધે થોડા મહિના પછી અટકી પડી હતી. માર્ચ ૨૦૨૧માં શૂટિંગ શરૂ થયું અને બે મહિનામાં જ વિકી અને ભૂમિને કોવિડ થતા ફરી ફિલ્મ ખોરંભાઈ હતી. ફિલ્મના પ્લોટ મુજબ સ્ટ્રગલ કરતા કોરિયોગ્રાફર ગોવિંદા (વિકી કૌશલ)ની ફરતે કથા આકાર લે છે. ગોવિંદાની પત્ની ગૌરી (ભૂમિ પેડણેકર)નો અફેર ચાલતો હોય છે અને ગોવિંદાની સુકુ (કિયારા અડવાણી) નામની ગર્લફ્રેન્ડ હોય છે. જોકે, કહાનીમાં ટ્વિસ્ટ આવતા ગોવિંદા માનવ હત્યા કેસમાં ફસાય છે અને ત્રણેના જીવનમાં અંધાધૂંધી ફેલાઈ જાય છે.
સર્કસ: રણવીર સિંહ, પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડિઝ – ૨૩ ડિસેમ્બર, થિયેટર: ગુલઝારે ૪૦ વર્ષ પહેલા ૧૯૮૨માં
વિલિયમ શેક્સપિયરના ખ્યાતનામ નાટક ‘ધ કોમેડી ઓફ એરર્સ’ પર આધારિત ‘અંગુર’ નામની કોમેડી ફિલ્મ બનાવી હતી. એનાથી પ્રભાવિત થઈ રોહિત શેટ્ટીએ સર્કસની પ્રથા – પરંપરાને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવી છે. એક સમયે બાળકોનું ધૂમ મનોરંજન કરતું સર્કસ હવે લગભગ ગાયબ થઈ ગયું છે. મૃત:પ્રાય થઈ રહેલું સર્કસ કેવી રીતે જીવંત રહે અને એને નવી દિશા મળે એ માટે સર્કસ સુપરવાઈઝર પોતાના જિમ્નાસ્ટ સાથીઓ સાથે સંઘર્ષ કરે છે. ૧૯૬૦ના દાયકાના સમયની કથામાં રણવીર સિંહ બેવડી જવાબદારી નિભાવતો જોવા મળશે.
સલામ વેંકી: કાજોલ, વિશાલ જેઠવા, આમિર ખાન – ૯ ડિસેમ્બર, થિયેટર: રૂઢ અર્થમાં આ ફિલ્મ થ્રિલર જોનરની આસપાસ ફરકી શકે એવી પણ નથી. વાર્તાના કેન્દ્રમાં સુજાતા (કાજોલ) અને તેનો પુત્ર (વિશાલ જેઠવા) છે. પુત્ર જીવલેણ બીમારીમાં સપડાયો છે અને માતાનો જીવન – મરણ સાથેનો સંઘર્ષ દર્શકોને એક અલગ પ્રકારે રોમાંચિત કરવાની ક્ષમતા ધરાવે છે એટલું ચોક્કસ કહી શકાય. લાગણીતંત્રમાં ખળભળાટ મચાવી શકવાની ક્ષમતા ધરાવતી આ ફિલ્મ એક સત્ય કથા પર આધારિત છે. થોડા સમય પહેલા ફિલ્મનું ટ્રેલર રજૂ કરવામાં આવ્યું ત્યારે એમાં આમિર ખાન એક નાનકડી ભૂમિકામાં છે એવી જાણકારી મળી હતી. ‘ફના’ (૨૦૦૬) પછી ૧૬ વર્ષે આમિર – કાજોલ સાથે કામ કરી રહ્યા છે.