થાણે: થાણે ક્રાઇમ બ્રાન્ચે ઘોડબંદર રોડ પરથી ૧૦૦ કિલો ગાંજો પકડી પાડીને ત્રિપુટીની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ મહિપાલસિંહ દેવીસિંહ ચુંડાવત (૨૭), રમેશચંદ્ર બલાઇ (૨૩) અને પ્રમોદ ગુપ્તા (૩૪) તરીકે થઇ હોઇ તેમની પાસેથી કાર, મોબાઇલ અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. મહિપાલસિંહ અને રમેશચંદ્ર બલાઇ રાજસ્થાનના વતની છે.
થાણેના ઘોડબંદર રોડ પર અમુક લોકો કારમાં ગાંજો લઇને વેચવા માટે આવવાના હોવાની માહિતી થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-પાંચના અધિકારીને મળી હતી. આથી પોલીસ ટીમે ઘોડબંદર રોડ પર ઓવળા નાકા ખાતે શનિવારે છટકું ગોઠવીને કારને આંતરી હતી.
કારની તલાશી લેવામાં આવતાં ડિકીમાંથી રૂ. આઠ લાખની કિંમતનો ૮૦ કિલો ગાંજો મળી આવ્યો હતો. આથી કારમાં હાજર ત્રણેય આરોપીને તાબામાં લેવાયા હતા. આરોપી પ્રમોદ ગુપ્તાએ વધુ ૨૦ કિલો ગાંજો ઘોડબંદર રોડ પરની એક બંધ હોટેલમાં છુપાવી રાખ્યો હોવાનું પૂછપરછમાં જાણવા મળતાં તે પણ બાદમાં જપ્ત કરાયો હતો. આરોપીઓને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેમને ૯ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
થાણેમાં ૧૦૦ કિલો ગાંજો પકડાયો: ત્રિપુટીની ધરપકડ
RELATED ARTICLES