મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં કેટલાય દિવસથી ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે અને હવે ઉદ્ધવ ઠાકરેને બુધવારે વધુ એક આંચકો લાગ્યો હતો, કારણ કે ઠાકરે જૂથના નેતા અને ભૂતપૂર્વ આરોગ્ય ખાતાના પ્રધાન દિપક સાવંતે હવે ઠાકરેનો હાથ છોડીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો હાથ પકડ્યો છે.
એક પછી એક નેતાઓ ઠાકરે જૂથને છોડીને શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે. રાજકીય નિષ્ણાતોની વાત કરીએ તો શિંદે જૂથને આને કારણે આગામી ચૂંટણીમાં 100 ટકા ફાયદો થશે. હવે વધુ એક નેતાએ ઉદ્ધવ ઠાકરે જૂથને અલવિદા કહીને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો હાથ પકડ્યો હતો.
શિવસેનાનું નામ અને ચિહ્ન બંને છીનવાઈ ગયા બાદથી તો ઉદ્ધવ ઠાકરેની મુસીબતો ઘટવાનું નામ જ નથી લઈ રહી. સોમવારે જ ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતા સુભાષ ઠાકરેના દીકરા ભૂષણ દેસાઈએ પણ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો અને ભૂષણે જણાવ્યું હતું કે બાળાસાહેબ મારા ભગવાન છે. એકનાથ શિંદે હિંદુત્વના વિચારોને આગળ વધારી રહ્યા છે. મને એમના પર વિશ્વાસ છે. મેં એમની સાથે પહેલાં પણ કામ કર્યું છે અને આગળ પણ તેમની સાથે ઊભો રહીશ.
અત્રે ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ દિવંગત એનસીપીના નેતા વસંત પવારની દીકરી અમૃતા પવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ ઘોલપની દીકરી તંજુઆ ઘોલપે ભાજપમાં પ્રવેશ કર્યો હતો.