(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકરણમાં શિવસેના જૂથ વચ્ચે ચાલી રહેલી રાજકીય અને કાયદાકીય લડાઈના પડઘા સોમવાર ૨૭ ફેબ્રુઆરીથી ચાલુ થઈ રહેલા વિધાનસભાના બજેટ અધિવેશન પડશે. બાળ ઠાકરે દ્વારા સ્થાપવામાં આવેલી ૫૬ વર્ષ જૂના પક્ષ શિવસેના અને પક્ષના સિમ્બોલ ધનુષ અને બાણની માલિકીને લગતા પ્રકરણમાં ચૂંટણી પંચે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગ્રુપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. ગયા વર્ષે જૂન મહિનામાં બહુમતીની સંખ્યામાં વિધાનસભ્યો સાથે લઈને શિંદે ગ્રુપે શિવસેનામાં બળવો કરતા પક્ષમાં ભંગાણ પડ્યું હતું. ચૂંટણી પંચના ચુકાદા બાદ શિંદે ગ્રુપે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને અરજી કરીને વિધાન ભવન કૉમ્પલેક્સમાં રહેલી શિવસેનાની ઑફિસ પર કબજો કરી લીધો હતો. તો શિંદે કેંપના માનવા મુજબ વિધાનસભ્યો માટે કાઢવામાં આવનારો વ્હીપ ઠાકરેને વફાદાર વિધાનસભ્યોને પણ લાગુ પડશે. આ દરમિયાન નાર્વેકરે કહ્યું હતું કે તેમને હજી સુધી કોઈ કેમ્પ પાસેથી અલાયદો પક્ષ હોવાને લગતો દાવો કરતું કોઈ પ્રતિનિધિ આવ્યું નથી. નાર્વેકરે કહ્યું હતું કે હાલ એક જ શિવસેના પંચાવન વિધાનસભ્યો સાથેની છે, જેનું નેતૃત્વ શિંદે કરી રહ્યા છે અને વિધાનસભ્ય ભારત ગોગાવલે ચીફ વ્હીપ છે.
જોકે સિનિયર એડવોકેટ અને ભૂતપૂર્વ મહારાષ્ટ્ર એડવોકેટ જનરલ શ્રીહરીના કહેવા મુજબ ચૂંટણી પંચે શિવસેનામાં ભંગાણ પડ્યું હોવાનું માન્ય રાખ્યું છે તેથી શિંદે કેમ્પનો વ્હીપ ઠાકરે ગ્રુપના વિધાનસભ્યોને લાગુ પડશે નહીં. ઠાકરે ગ્રુપે વિધાનમંડળમાંથી અલગ ગ્રુપ હોવાની માન્યતા લેવાની રહેશે. રાજ્યના બજેટ અધિવેશન નવા નીમાયેલા રાજ્યપાલ રમેશ બૈસનું અભિભાષણ થશે. ડેપ્યુટી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ફાઈનાન્સ ઍન્ડ પ્લાનિંગ પોર્ટ ફોલિયો સંભાળે છે, તેઓ શિંદે સરકારનું પહેલું બજેટ નવ માર્ચ રજૂ કરશે અને અધિવેશન ૨૫ માર્ચ સુધી ચાલશે.