ઠાકરે સરકાર વિધાનસભામાં બહુમત પુરવાર કરશે: શરદ પવાર

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

ભંડોળની ફાળવણીમાં કોઈ ભેદભાવ નહીં: અજિત પવાર

મુંબઈ: રાજ્યમાં અત્યારે નિર્માણ થયેલી રાજકીય સ્થિતિ મહારાષ્ટ્રે આની પહેલાં પણ જોઈ છે. આથી ઠાકરે સરકાર આ પરિસ્થિતિ પર મહાત કરીને વિધાનસભામાં બહુમત પુરવાર કરશે. ઠાકરે સરકારના નેતૃત્વ હેઠળ સરકાર ચાલશે અને આખો દેશ તેને જોશે, એમ એનસીપીસુપ્રીમો શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું.
અઢી વર્ષમાં મહાવિકાસ આઘાડી સરકારે સારું કામ કર્યું છે. જનતા માટે અનેક સારા નિર્ણયો લીધા છે. જે વિધાનસભ્યો રાજ્યની બહાર ગયા છે તે પાછા ફરશે ત્યારે તેમને કેવી રીતે લઈ જવામાં આવ્યા તે જણાવશે અને વિધાનસભામાં બહુમત કોનો છે તે સિદ્ધ થશે. આ વિધાનસભ્યોને જે કહેવું છે તે મહારાષ્ટ્રમાં આવીને કહેવું જોઈએ આસામમાં બેસીને નહીં, એમ પણ શરદ પવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વિધાનસભ્યોને એક રાષ્ટ્રીય પક્ષનો સાથ છે એમ કહેવામાં આવી રહ્યું છે અને મારી પાસે દેશના બધા જ રાજકીય પક્ષોની યાદી છે. આ યાદીમાં
છ અધિકૃત રાજકીય પક્ષ છે, ભાજપ, કૉંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, બસપા અને એનસીપી. હવે કૉંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, બસપા અને એનસીપી તેમને સાથ આપે તે શક્ય નથી તો હવે ક્યો રાષ્ટ્રીય પક્ષ બચ્યો તે બધાને ખબર છે.
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે કહ્યું હતું કે ભંડોળની ફાળવણીમાં અન્યાય કરવામાં આવ્યો હોવાના અહેવાલો ખોટા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના બળવામાં ભાજપના નેતાઓનો હાથ હોવાનું લાગતું નથી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.