ઇલેક્ટ્રિક કાર સેક્ટરની જાયન્ટ કંપની ટેસ્લાના CEO ઈલોન મસ્કે ભવિષ્યમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરુ કરવા રસ દાખવ્યો છે. જેને કારણે ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ શરુ થાય એવી આશા ફરી જીવંત થઇ છે. વોલ સ્ટ્રીટ જર્નલ સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન ઈલોન મસ્કે ભારતમાં ફેક્ટરી શરુ કરવાની વાત કરી હતી. જેને લઈને ગુજરાત સરકારે ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાય એ માટે તૈયારીઓ હાથ ધરી છે.
નોંધનીય છે કે ગુજરાતને ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગ હબ માનવામાં આવે છે ત્યારે ટેસ્લાના રોકાણ માટે ગુજરાતને મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. વર્ષ 2021-22માં તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર દ્વારા ટેસ્લાને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા ઓફર કરવામાં આવી હતી. રાજ્યના ઉદ્યોગ વિભાગે ટેસ્લાને ચાર આમંત્રણો આપ્યા હતા, જેને હકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો હતો. ટેક્સ બેનિફિટ્સ અને વધારાના લાભો માટેની ટેસ્લાની માંગ બાદ વાટાઘાટો અટકી પડી હતી. આવા વધારાના લાભો આપવા માટે કેન્દ્ર સરકારે મનાઈ કરતા વાટાઘાટો અટકી હતી.
કેન્દ્ર સરકારની નવી પ્રોજેક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાને ધ્યાનમાં લઇને ટેસ્લા સંભવિતપણે પોતાનો મત બદલી શકે છે. ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રની મંજૂરી બાદ ગુજરાત સરકાર ટેસ્લા સાથે સંવાદ પુનઃસ્થાપિત કરવા માટે તૈયાર છે. ગુજરાતનું વિસ્તૃત પોર્ટ નેટવર્ક ટેસ્લા માટે આકર્ષક સાબિત થઈ શકે છે, ખાસ કરીને કંપની તેની કારની નિકાસ કરવાની યોજના ધરાવે છે.
હાલમાં ઈલોન મસ્કે ચીનમાં કાર્યરત ટેસ્લાના મેન્યુફેક્ચરિંગ યુનિટને બંધ કરવાના સંકેત આપ્યા હતા. ત્યાર બાદ મેક્સિકો અને ભારત બંને નવી ફેક્ટરી માટે મસ્કના રડાર પર છે.