નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની આગેવાનીમાં ઈસ્લામિક જૂથ પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ) પર ગુરુવારે દરોડા પાડી ૧૦૬ જણની ધરપકડ કરવામાં આવી હતી.
દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ટેકો આપવાને મામલે એનઆઈએ દ્વારા ગુરુવારે ૧૫ રાજ્યના જુદા જુદા ૯૩ સ્થળે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
પીએફઆઈ વિરુદ્ધ અત્યાર સુધીમાં કરવામાં આવેલી આ મોટામાં મોટી કાર્યવાહી હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.
પીએફઆઈનું જ્યાં સર્વાધિક વર્ચસ્વ છે તે કેરળમાં સૌથી વધુ બાવીસ જણની ધરપકડ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
ધરપકડ કરાયેલા લોકોમાં પીએફઆઈના અધ્યક્ષ ઓએમએ સાલમનો પણ સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.
એનઆઈએ, ઈડી અને રાજ્ય પોલીસ દળ દ્વારા આ ધરપકડ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
મહારાષ્ટ્ર અને કર્ણાટક પ્રત્યેકમાં બાવીસ, તમિળનાડુમાં ૧૦, આસામમાં નવ, ઉત્તર પ્રદેશમાં આઠ, આંધ્ર પ્રદેશમાં પાંચ, મધ્ય પ્રદેશમાં ચાર, પુુડુચેરી અને દિલ્હી પ્રત્યેકમાં ત્રણ અને રાજસ્થાનમાંથી બે જણની ધરપકડ કરવામાં આવી હતી.
આતંકવાદને ભંડોળ પૂરું પાડવા સહિત તાલીમ શિબિર યોજવા અને સંગઠનમાં જોડાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલી વ્યક્તિના કાર્યાલય તેમ જ નિવાસસ્થાને આ દરોડા પાડવામાં આવ્યા હતા.
ગુરુવાર સવારથી દરોડા ચાલી રહ્યા હતા તે દરમિયાન કેન્દ્રના ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિતના ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
બેઠક દરમિયાન પીએફઆઈ પર પાડવામાં આવેલા દરોડા તેમ જ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા શંકાસ્પદો વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અજિત ડોભાલ ઉપરાંત કેન્દ્રના ગૃહ સચિવ અજય ભલ્લા, એનઆઈએના ડિરેક્ટર જનરલ દિનકર ગુપ્તા સહિત ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી.
સિટિઝનશિપ ઍમેન્ડમેન્ટ ઍક્ટવિરોધી પ્રદર્શનને કથિત આર્થિક સહાય પૂરી પાડવામાં પીએફઆઈની ભૂમિકા, વર્ષ ૨૦૨૦માં દિલ્હીમાં થયેલાં રમખાણો, ઉત્તર પ્રદેશને હાથરસમાં કરવામાં આવેલા કથિત સામૂહિક બળાત્કાર અને દલિત મહિલાનાં મૃત્યુ સહિતની અન્ય ઘટનાઓમાં પીએફઆઈની સંડોવણી અંગે ઈડી તપાસ કરી રહી છે.
મુંબઈની કોર્ટે ગુરુવારે મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)ની કસ્ટડીમાંના પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ)ના પાંચ ઍક્ટિવિસ્ટ્સને ૨૬ સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર રાખવાનો હુકમ કર્યો હતો. એ પાંચ જણ સામે ‘કોમી વેરભાવના ફેલાવતી ગેરકાયદે પ્રવૃત્તિ’ અને ‘રાષ્ટ્ર વિરુદ્ધ યુદ્ધ છેડવા’ના આરોપો મુકાયા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના વડપણ હેઠળના રાષ્ટ્રવ્યાપી મલ્ટિ-એજન્સી ઑપરેશનના ભાગરૂપે એટીએસના અધિકારીઓએ રાજ્યના વિવિધ ભાગોમાંથી પીએફઆઈના ૨૦ ઍક્ટિવિસ્ટ્સને ઝડપી લીધા હતા. એટીએસના અધિકારીઓએ પીએફઆઈ વિરોધી કાર્યવાહીમાં મુંબઈ, નવી મુંબઈ, થાણે, ઔરંગાબાદ, પુણે, કોલ્હાપુર, બીડ, પરભણી, નાંદેડ, માલેગાંવ (નાશિક જિલ્લો) અને જળગાંવમાં દરોડા પાડીને ૨૦ જણને પકડ્યા હતા.
પીએફઆઈના પાંચ ઍક્ટિવિસ્ટ્સ નઝર ખાન, શેખ સાદિક, મોહમ્મદ ઇકબાલ, મોમીન મિી અને આસિફ હુસૈન ખાનને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. એટીએસના અધિકારીઓએ એ પાંચ જણની ૧૪ દિવસની કસ્ટડીની માગણી કરી હતી. અદાલતે એટીએસને પાંચ દિવસની કસ્ટડી સોંપી હતી.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ઑફ ઈન્ડિયા (એનઆઈએ)એ ગુરુવારે કર્ણાટકમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા (એસડીપીઆઈ) અને પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ)ના કાર્યાલય તેમ જ કાર્યાલયના ચાવીરૂપ કર્મચારીઓના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઈએ દ્વારા બેંગલુરુ, દક્ષિણ ક્ધનડા જિલ્લાના મેંગલુરુ, કાલાબુરાગી અને ઉત્તર ક્ધનડાના સિરસી સહિત ડઝનબંધ સ્થળે પણ દરોડા પાડ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
એનઆઈએની ટીમે એસડીપીઆઈ અને પીએફઆઈના અમુક ચાવીરૂપ કાર્યકર્તાઓને અટકાયતમાં લીધા હતા અને તેમની પાસેથી દસ્તાવેજો, સાહિત્ય, કમ્પ્યુટરો, લેપટોપ અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
એનઆઈએના અધિકારીઓએ નાણાં પુરવઠા સહિત બહુવિધ રીતે આતંકી પ્રવૃત્તિઓમાં સક્રિયતા બદલ પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા (પીએફઆઈ) વિરુદ્ધ રાષ્ટ્રીય ઝુંબેશના ભાગરૂપે તમિળનાડુના વિવિધ ભાગોમાં દરોડા પાડ્યા હતા. એનઆઈએના અધિકારીઓએ ચેન્નઈ, થેની, મદુરાઈ, કોઇમ્બતુર અને રામનાથપુરમમાં ‘સર્ચ’ કરીને પીએફઆઈના સંખ્યાબંધ ચળવળકારોને આતંકવાદી પ્રવૃત્તિ બદલ ઝડપી લીધા હતા. (એજન્સી)

Google search engine