બાગલકોટઃ કણાર્ટકમાં દિલ્હીની શ્રદ્ધા મર્ડર કેસનું પુનરાવર્તન થયું છે. કર્ણાટકના બાગલકોટમાં એક વ્યકિતએ કથિત રીતે પોતાના પિતાની હત્યા કરીને તેના શરીરના 32 ટુકડા કરી નાખ્યા હતા.
પોલીસના જણાવ્યાનુસાર આરોપીએ શરીરના 32 ટુકડા કરીને બોરવેલમાં ફેંકી દીધા હતા. દીકરાએ બાપની હત્યા કરવાની કબૂલાત કરવામાં આવ્યા પછી પોલીસે મૃતકના અંગોને શોધી કાઢ્યા હતા. આરોપી વિઠલા કુલાલીની ધરપકડ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે છઠ્ઠી ડિસેમ્બરે 20 વર્ષના વિઠલાએ ગુસ્સામાં આવીને તેના પિતા પરશુરામ કુલાલી (53)ની લોખંડના સળિયા વડે હત્યા કરી નાખી હતી. પરશુરામ દારુ પીને તેના બંને દીકરાને ગાળો આપતા હતા. પરશુરામની પત્ની અને તેનો મોટો પુત્ર અલગ રહે છે.
હત્યા કરવામાં આવ્યા પછી પરશુરામના શરીરના 32 ટુકડા કરવામાં આવ્યા હતા ત્યાર બાદ એ ટુકડાને બાગલકોટ જિલ્લાના મુધોલ નજીકના ખેતરના બોરવેલમાં ફેંકી દીધા હતા. બોરવેલમાં ભયંકર દુર્ગંધ આવ્યા પછી પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ સમગ્ર કેસ પ્રકાશમાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.