તેરે દુ:ખ અબ મેરે, મેરે સુખ અબ તેરે

મેટિની

ફિલ્મનામા -નરેશ શાહ

એક કલાકમાં સામાન બાંધીને હું ટેક્સીમાં નીકળી પડ્યો અને દિવસભર ન્યુયોર્કમાં આંટા મારતો રહ્યો. બપોરે ભારતીય દૂતાવાસમાં મિત્ર નટવર સિંહને મળ્યો અને સાંજે ઍરપોર્ટ પહોંચ્યો. હું આખો દિવસ અપરાધીની જેમ ભાગતો રહ્યો હતો, ડાકુઓનો કોઈ સાગરીત હોઉં તેમ઼ પ્લેને ઉડવાની શરૂઆત કરી ત્યાં સુધી હું ડરતો રહ્યો કે ક્યાંક છેલ્લી ક્ષ્ાણોમાં ન્યુયોર્ક પોલીસ આવી ન જાય અને મને પકડી ન લે.
એ વખતે આર. કે. નારાયણ પદ્મભૂષ્ાણનો ખિતાબ પામી ચૂક્યા હતા. અમેરિકામાં તેમની એક નૉવેલના નાટ્ય રૂપાંતરથી તેમને સંતોષ્ા નહોતો તેથી તેમણે સહમતી રદ કરી દીધી હતી. આ કારણે અમેરિકન દિગ્દર્શક તેમના પર કેસ કરવાનું વિચારી રહ્યો હતો. જો સમન્સ બજવણી થઈ જાય તો આર. કે. નારાયણ દેશ છોડી ન શકે અને અમેરિકામાં કેસ લડે તો ખુવાર થઈ જાય… હેમખેમ ભારતમાં પાછા આવી ગયેલા આર. કે. નારાયણે પોતાની જે નૉવેલના રાઈટ્સ નાટક માટે વેચ્યાં હતા, એ નૉવેલનું નામ હતું: ગાઈડ.
એ ૧૯૬પનું વરસ હતું અને એ જ વરસે દેવઆનંદ અભિનિત ગાઈડ ભારતમાં રિલીઝ થઈ ગઈ હતી. જો કે સર્જક તરીકે આર. કે. નારાયણને ગાઈડ ફિલ્મથી પણ સંતોષ્ા નહોતો થયો.
પોતાના બચ્ચાંનો ઉછેર કોઈ અન્ય થકી થાય ત્યારે સંતોષ્ાનો સંપૂર્ણ ઓડકાર ભાગ્યે જ આવતો હોય છે. આવી જ ફિલીંગ સર્જકોને તેમના સર્જનના અન્ય માધ્યમમાં થતાં રૂપાંતરણ વખતે યા પછી થતી હોય છે. આ વાત બેસ્ટસેલર લેખક ચેતન ભગતને લાગુ પડે છે તો પદ્મવિભૂષ્ાણ આર. કે. નારાયણને પણ. રાસીપુરમ ક્રિષ્નાસ્વામી ઐય્યર નારાયણસ્વામીને સાહિત્યપ્રેમીઓ આર. કે. નારાયણ તરીકે વધુ આદર આપે તો ટીવીના દર્શકો તેમને માલગૂડી ડેઝ સિરિયલ થકી જાણે અને સરેરાશ લોકો તેમને દેવઆનંદની (દિગ્દર્શક : વિજય આનંદ) કલાસિક ફિલ્મ ગાઈડથી ઓળખે છે. ૧૩મી મે, ર૦૦૧ના દિવસે, પંચાણું વરસે ફાઈનલ એકિઝટ લેનારા આર. કે. નારાયણસરે ગાઈડ નવલકથા લખી ત્યારે પચાસ વરસના હતા. સાલ હતી ૧૯પ૬. આગલા વરસે જ ભીષ્ાણ દુકાળને લીધે મૈસુરના તમામ જલસ્ત્રોત સુકાઈ ગયા હતા અને તેમણે જોયું કે મૈસુર કોર્પોરેશને બ્રાહ્મણો પાસે જાહેરમાં અગિયાર દિવસ મંત્રોના જાપ કરાવ્યા હતા. બારમા દિવસે વરસાદ થયો પણ હતો… આ ઘટના પરથી નારાયણસરના સર્જક દિમાગમાં એક પ્લોટ ઘુમરાવા લાગ્યો હતો: એક એવો માણસ કે જે કમને સંત બનવા માટે સહમત થાય છે.
ગાઈડ નૉવેલ કે ફિલ્મની થીમ આ. ૧૯પ૬માં જ પોતાની દીકરીને પરણાવીને સાસરે વિદાય ર્ક્યા પછી એકલાં પડેલા આર. કે. નારાયણ રોકફેલર ફાઉન્ડેશનની ગ્રાંટ પર વિદેશ જઈને નવું સર્જન કરવા માટે તૈયાર થયા. નવલકથાની થીમ દિમાગમાં હતી જ, અમેરિકાના બર્કલે શહેરમાં પહોંચીને નારાયણસરે પહેલાં તો વાજબી બજેટ તેમજ યોગ્ય વાતાવરણવાળું રહેવા માટેનું સ્થળ (હોટેલ) શોધ્યું અને પ્રતિ દિવસ સાત ડૉલરની ટેરિફવાળી હોટલ છોડીને મહિનાના પંચોતેર ડૉલરવાળી હૉટેલના રૂમમાં શિફટ થયા અને ત્રણ મહીના ત્યાં જ રહીને તેમણે એંસી હજાર શબ્દોમાં નવલકથાનો પ્રથમ ડ્રાફટ પૂરો ર્ક્યો. તેનું નામ ગાઈડ. ૧૯૬૪માં તેમની આ જ નૉવેલને સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો. એ જ વરસે દેવઆનંદે તેમને પહેલાં પત્ર લખ્યો અને પછી રૂબરૂ મળ્યાં. દેવઆનંદ ગાઈડ પરથી બે ભાષ્ાામાં (હિન્દી-અંગે્રજીમાં) ફિલ્મ બનાવવા માગતા હતા. ગાઈડના રાઈટ્સ માટે દેવઆનંદે ચેક બુક કાઢીને નારાયણસરને ભરવા માટેની એમાઉન્ટ પૂછી. પોતાની આત્મકથા માય ડેઈઝમાં આર. કે. નારાયણ લખે છે કે, અચાનક લાભની આવી ઘટનાથી મારી વિચાર-શક્તિ બહેર મારી ગઈ હતી… સ્વસ્થ થયા પછી મામૂલી રકમ એડ્વાન્સમાં લઈને નારાયણસરે અમુક પર્સેન્ટેજ (નફામાંથી) રોયલ્ટી મેળવવાનો દેવઆનંદ સાથે કરાર ર્ક્યો. નારાયણસરનું લોજિક ઈમાનદાર હતું: ફિલ્મની સાથે જ લાભ-નુકશાન મેળવીશ. નાહકનો લાભ નહીં લઉં…
૧૯૬પમાં રિલીઝ થયેલી ગાઈડ ફિલ્મ માત્ર સુપરહિટ જ નહોતી થઈ, પણ ઓલટાઈમ કલાસિકનો દરજ્જો તેને મળેલો છે. હિન્દી સિનેમાની પ્રથમ સો ફિલ્મમાં ગાઈડનું નામ ઉમેરવું ફરજિયાત છે પણ મજા એ છે કે ગાઈડ રિલીઝ પછી આર. કે. નારાયણને મૌખિક તેમજ લેખિત જણાવવામાં આવ્યું કે ગાઈડ ફિલ્મે કોઈ નફો ર્ક્યો નથી. નફો થશે ત્યારે તમને ભૂલ્યા વગર, તમારો હિસ્સો મોકલી આપવામાં આવશે… જો કે નારાયણસરનું મન તો શરૂઆતથી જ ફિલ્મ બાબતે ખાટું થવા લાગ્યું હતું એવું તેમણે પોતાની આત્મકથા માય ડેઝમાં લખ્યું છે. ગાઈડનું લોકાલ નારાયણસરે માલગૂડી દેખાડયું હતું કે જેનું (કાલ્પનિક) સર્જન તેમનું જ હતું. ભારતમાં માલગૂડી શહેર ક્યાંય છે જ નહીં. તેથી માલગૂડી જેવાં સ્થળો દેખાડવા માટે આર. કે. નારાયણને સાથે લઈને આખું યુનિટ મૈસુરમાં ફર્યું હતું. સર્જકે લાગતા-વળગતાં સ્થળો દેખાડયા કે જે તેમની વાર્તા સાથે મેચ થતાં હતાં. સ્થળો જોયાં પછી જો કે યુનિટ પાછું આવ્યું જ નહીં. મોડેથી નારાયણસરને ખબર પડી કે ફિલ્મ મૈસુરની બદલે જયપુરમાં શૂટ થઈ રહી છે. આર. કે. નારાયણે વાંધો લીધો પણ તેમને કહી દેવામાં આવ્યું કે સિનેમાના મોટા પરદામાં રંગ ભરવા માટે જયપુર જ યોગ્ય છે. આમ પણ તમારા માલગૂડીનું અસ્તિત્વ જ ક્યાં છે ?
નારાયણસરને તો વહીદા રહેમાનના પાત્રના કેન્વાસ પર વાંધો હતો કારણ કે એમની હીરોઈન રાષ્ટ્રીય કક્ષ્ાાની નહોતી કે બોઈંગમાં ઉડનારી કે પ્રશંસકોને ઓટોગ્રાફ આપનારી નહોતી. ફિલ્મવાળાએ મારી હીરોઈનને વીઆઈપી બનાવી દીધી એમ કહેનારા નારાયણસરને કલાઈમેક્સ પણ બહુ નિરાશાજનક લાગતો હતો… બેશક,આ ગાઈડના જન્મદાતા સર્જકનો અભિપ્રાય છે. તમારી જેમ મને પણ વિજય આનંદની ગાઈડ કલાસિક જ લાગે છે પણ એટલે જ કંઈ આપણે તેના મૂળ રચયિતાની લાગણીને નજરઅંદાઝ કરીએ એ કેવું ? પડોશણ આપણને આદર્શ સ્ત્રી લાગે પણ એ જ વાત પડોશણના પતિને માન્ય જ હોય એવું શક્ય ખરું ? ગાઈડ ફિલ્મ અને નારાયણસરનું પણ આવું જ માનવું રહ્યું. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.