દસમું પાસ યુવાને ખેડૂતો માટે બનાવી સસ્તી ઈ-બાઈક

પુરુષ

સ્પેશિયલ – અનંત મામતોરા

કૌશલ્ય ક્યારેય શિક્ષણનું મોહતાજ નથી રહ્યું. ઉચ્ચ શિક્ષિતો જે વિચારી નથી શકતા તે ક્યારેક ઠોઠ નિશાળિયો વિચારી શકતો હોય છે. જરૂર છે, સપનું જોવાની અને તેને સિદ્ધ કરવા મહેનત કરવાની. પંજાબના શ્રી મુક્તસર સાહેબ, કોટલી અબલુ ગામના માત્ર દસમું ધોરણ પાસ એવા યુવાન સિમરજિત બરારે આ વાત સાબિત કરી બતાવી. તેની પાસે કોઈ મોટી ડિગ્રી નથી, પણ તેજ દિમાગ અને હુન્નરના દમ પર સામાન્ય બાઇકને ઇલેક્ટ્રિક બાઇકમાં બદલીને કમાલ કરી નાખી છે સિમરજિતે.
પ્રદૂષણ અને પેટ્રોલના ભાવ, બંને કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે એટલે હવે લોકો ધીમે ધીમે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે, પણ આપણે સહુ જાણીએ છીએ કે હજી ઇલેક્ટ્રિક વાહનોની કિંમત સાધારણ વાહનો કરતાં ઘણી વધુ છે, જે કારણસર ઘણા લોકો માટે આ વાહનોની ખરીદી મુશ્કેલ છે. તે ઉપરાંત આ વાહનોની સાર-સંભાળને લઈને પણ લોકોના મનમાં શંકાઓ છે. શહેરોમાં ચાર્જિંગ સ્ટેશન હજી મળી જાય, પણ ગામડાંઓમાં તો તેના પણ વાંધા! આવા સમયે સિમરજિત પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને લોકોને સસ્તાં ઇલેક્ટ્રિક વાહનો બનાવવામાં મદદ કરી રહ્યો છે. સિમરજિત ન તો કોઈ એન્જિનિયર છે, ન ગામડામાં તેની પાસે કોઈ આધુનિક સાધનો. તેમ છતાં, માત્ર પોતાના હુન્નર અને મેકેનિકલ અનુભવને આધારે તે આ કામ કરે છે અને તે પણ સફળતાપૂર્વક.
સિમરજિત કહે છે, ‘કોઈ સાધારણ માણસ તો પેટ્રોલ પણ ખરીદી શકે અને ઇલેક્ટ્રિક વાહન પણ, પરંતુ ગરીબ માણસ ક્યાં જાય? તેથી ગામડામાં રહેતા લોકો માટે એક સસ્તું બાઈક બનાવવા માગતો હતો, જે ખેતરમાં પણ આસાનીથી ચાલી શકે.’
બાળપણથી મેકેનિકનું મગજ છે સિમરજિતનું
ઘરની આર્થિક સ્થિતિને કારણે સિમરજિત વધુ શિક્ષણ ન લઈ શક્યો, પણ બાળપણથી તેનું મગજ એક મેકેનિક જેવું હતું. ૨૦૨૧માં એક વર્ષની મહેનત કરીને સિમરજિતે પોતાની સાધારણ બાઈકને ઇલેક્ટ્રિક બાઈકમાં તબદીલ કરવામાં સફળતા મેળવી હતી. એક વાર ચાર્જ કરીને તેને ૨૦૦ કિલોમીટર સુધી ચલાવી શકાય છે. તેની બાઈક જોઈને તેના ગામમાંથી જ તેને પહેલો ગ્રાહક મળ્યો. સિમરજિતે ફેસબુકના માધ્યમથી લોકોને પોતાની બાઈક વિષે જાણકારી આપી. તેને કારણે દેશભરમાંથી તેને ૪૦ લોકોના ઈ-બાઈકના ઓર્ડર મળ્યા, જેમાંથી મોટા ભાગના લોકો ખેડૂત છે.
પિતાને જોઈને જાગ્યો શોખ
સિમરજિત કહે છે કે ખેતરમાં ટ્રેક્ટર કે અન્ય નાનાં-મોટાં મશીનોની મરામત તેના પિતા જ કરતા હતા. તેમને જોઈને નાનપણથી હું પણ નાની-મોટી વસ્તુઓ બનાવવા માંડ્યો. ઘરની સ્થિતિને કારણે ઈચ્છા હોવા છતાં એન્જિનિયર તો બની શકાય તેવું નહોતું, પણ જાતે જ નવું નવું શીખવાનું ચાલુ રાખ્યું. તેણે જણાવ્યું કે તે ૧૪ વર્ષની ઉંમરથી કામ કરે છે. પોતાના ગામમાં ફૂડ ડિલિવરીના કામથી તેણે શરૂઆત કરી હતી. ત્યાર બાદ શાકભાજી વેચવાનું કામ કર્યું, પણ મેકેનિકના મગજને કારણે એ ઇલેક્ટ્રિક વસ્તુ બનાવવા માગતો હતો. એટલે તે કઊઉ બલ્બ બનવતાં શીખ્યો અને તેનું કામ શરૂ કર્યું, પરંતુ નસીબજોગે એ કામ બહુ ન ચાલ્યું. લોકો તેને નોકરી કરવાનું કહેતા હતા, પણ સિમરજિતના મનમાં કશુંક અલગ કરવાની ધૂન હતી.
ઈ-બાઈક બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
સિમરજિતે જોયું કે બજારમાં મળતાં ઈ-બાઈક ખેતરોમાં ચલાવવા માટે
યોગ્ય નથી અને બજારમાં જે પાવરફુલ બાઈક મળે છે તે ખૂબ જ મોંઘાં હોય છે. આના પરથી લોકોની જરૂરિયાતને જોતાં ઇલેક્ટ્રિક વાહનને લગતું કોઈ કામ કરવાનો તેણે વિચાર કર્યો. તેને ખેડૂતો માટે ઈ-બાઈક બનાવવાનો વિચાર આવ્યો.
પણ આ એટલું આસાન નહોતું. નાનકડા ગામમાં ઉપકરણો મેળવવાં મુશ્કેલ હતાં. ઓછામાં ઓછું ૮૦ કિલોમીટર દૂર જવું પડતું અને કેટલીક વસ્તુઓ તો દિલ્હીમાં જ મળતી. પાછી સિમરજિતને ઈ-બાઈક બનાવવાની જાણકારી ક્યાં હતી? ઈન્ટરનેટ પર જે જાણકારી હોય એ તો અંગ્રેજી અથવા હિન્દીમાં હોય અને આપણા સિમરજિતને તો હિન્દીમાં માત્ર ‘પંજાબ’ લખતાં અને બોલતાં આવડતું હતું. તેમ છતાં ઈન્ટરનેટ પર હિન્દીમાં જાણકારી મેળવી. બાઈક બનાવતાં સુધીમાં સિમરજિત હિન્દી પણ શીખી ગયો!
ભવિષ્યની શું યોજના છે?
અત્યારે સિમરજિત ઓર્ડર પ્રમાણે બાઈકને ઈ-બાઈકમાં બદલી આપે છે. તેના ગામના ખેડૂત સતપાલ સિંહે તેની પાસે ૧૦૦ કિલોમીટર માઈલેજ વાળી બાઈક બનાવડાવી છે. સતપાલ સિંહ કહે છે, ‘જ્યારે મારા મિત્રો પાસેથી મને સિમરજિત વિષે જાણવા મળ્યું ત્યારે મને વિચાર આવ્યો કે નાનકડો છોકરો આવું કામ કેવી રીતે કરી શકે? પણ જ્યારે મેં તેની ઇલેક્ટ્રિક બાઈક જોઈ ત્યારે મને વિશ્ર્વાસ બેઠો. તેણે મારી જૂની યામાહાને ઇલેક્ટ્રિક બનાવી આપી છે. હવે મને પેટ્રોલના ભાવની કોઈ ચિંતા નથી.’
સિમરજિત વધુમાં વધુ ખેડૂતોને પોતાના કૌશલ્યનો લાભ આપવા ઉત્સુક છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.