કર્ણાટકમાં ફરી તણાવનો માહોલ: શિવમોગામાં કોમી અથડામણમાં છરી વડે હુમલો કરનાર 4ની ધરપકડ, 18 ઓગસ્ટ સુધી કર્ફ્યુ લાગુ

ટૉપ ન્યૂઝ

કર્ણાટકમાં ફરી કોમી હિંસા ફાટી નીકળી છે. કર્ણાટકના શિવમોગા શહેરમાં કથિત રીતે વિનાયક દામોદર સાવરકરના બેનર હટાવીને ટીપું સુલતાનના બેનર લગાવવાને લઈને સાંપ્રદાયિક તણાવ ઉભો થયો હતો. જે વચ્ચે એક વ્યક્તિને છરી મારવામાં આવી હતી. આ મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. શિવમોગ્ગા શહેર અને ભદ્રાવતી શહેરની સીમામાં આવેલા તમામ શાળાઓ અને કોલેજો બે દિવસ બંધ રાખવાનો આદેશ જાહેર કરાયો છે. ઉપરાંત બંને જગ્યાએ 18 ઓગસ્ટ સુધી કર્ફ્યુ લાગુ રહેશે. તણાવ બાદ હાલમાં સ્થિતિ કાબુમાં છે.
મળતી માહિતી મુજબ ગઈ કાલે સ્વતંત્રતા દિવસના રોજ એક જૂથ દ્વારા કથિત રીતે સાવરકરનું પોસ્ટર હટાવી અને ટીપુ સુલતાનનું પોસ્ટર લગાવ્યા પછી આ વિસ્તારમાં કોમી અથડામણ થઈ હતી. જેમાં મૂળ રાજસ્થાનના વતની પ્રેમ સિંહ નામના વ્યક્તિ પર ચાકુ વડે હુમલો થયો હતો. તે શિવમોગામાં કાપડનો વેપાર ચલાવે છે. પોલીસેના કહ્યા પ્રમાણે પ્રેમ સિંહને પોસ્ટર વિવાદ સાથે કોઈ લેવાદેવા ન હતી. તેમ છતાં આરોપીઓએ તેના પર હુમલો કર્યો.પોલીસે હત્યાના પ્રયાસનો કેસ નોંધી નદીમ અને અબ્દુલ રહેમાન નામના બે સખ્સોની સોમવારે જ ધરપકડ કરી હતી. પોલીસ હાલમાં એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ આરોપીઓ PFI સાથે જોડાયેલા છે કે કેમ. આ હિંસા પૂર્વ આયોજિત હોવાની પોલીસને શંકા છે.
ત્યાર બાદ આજે પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી એક આજે વહેલી સવારે ભાગવાની ફિરાકમાં હતો. આરોપીએ કોન્સ્ટેબલ પર ચાકુથી હુમલો કર્યો હતો ત્યારબાદ તેના પર 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે એમ પણ કહ્યું હતું કે ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં વધુ સાંપ્રદાયિક હિંસા ન થાય તે માટે હાલમાં અહીં સુરક્ષા મજબૂત રાખવામાં આવશે. એડીજીપી આલોક કુમારે વિસ્તારની મુલાકાત લીધી હતી. સંવેદનશીલ વિસ્તારોમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.