સાવરકરના ‘અપમાન’ બદલ રાહુલ ગાંધી સામે પોલીસમાં ફરિયાદ
વિરોધ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હિન્દુત્વ વિચારધારા ધરાવતા વી. ડી. સાવરકર માટે કરેલાં વિવાદાસ્પદ નિવેદન બદલ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ટેકેદારોએ ગુરુવારે થાણેમાં રાહુલ ગાંધી સામે દેખાવ કર્યો હતો. (એજન્સી)
મુંબઈ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્ય સેનાની સાવરકરનું ‘અપમાન’ કરતું નિવેદન કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં તંગદિલી ફેલાઈ છે. શાસક યુતિ રાહુલ ગાંધીનો જોરદાર વિરોધ કરી રહી છે, જ્યારે રાહુલે મહારાષ્ટ્રમાંની પોતાની ‘ભારત જોડો યાત્રા’ અટકાવવા પડકાર ફેંકયો હતો. રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ કરાઈ હતી અને તેમની સામે ઠેર ઠેર દેખાવ થયા હતા. દરમિયાન, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સાવરકરનું અપમાન કરતા રાહુલ ગાંધીના આ નિવેદન સાથે અસંમતિ દર્શાવી હતી.
હિંદુત્વના પ્રણેતા અને સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરના પૌત્રે ગુરુવારે સાવરકરના અપમાન બદલ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવી હતી. અત્રેના શિવાજી પાર્ક પોલીસમથકમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં રણજિત સાવરકરે એવી પણ માગ કરી હતી કે આવા નિવેદનો કરવા બદલ મહારાષ્ટ્ર કૉંગ્રેસ એકમના વડા નાના પાટોલે સામે પણ ફરિયાદ નોંધવી જોઈએ. એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે વધુ તપાસ કરી રહ્યા છે.
અકોલા જિલ્લાના વાડેગાંવમાં એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સાવરકરે અંગ્રેજ શાસકોને દયાની અરજી કરી હતી.
રાહુલ ગાંધીએ ૧૯૨૦ના સરકારી દસ્તાવેજો મીડિયાકર્મીઓને દર્શાવ્યા હતા, જેમાં સાવરકરે અંગ્રેજ શાસકોને લખેલો પત્ર છે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે હું છેલ્લી લાઈન વાંચું છું, જેમાં કહેવામાં આવ્યું છે કે હું વિનંતી કરું છું કે હું હંમેશાં તમારો આજ્ઞાંકિત સેવક બની રહીશ અને વી. ડી. સાવરકરની સહી છે જે દર્શાવે છે કે તેમણે અંગ્રેજોને મદદ કરી હતી. સાવરકરે ભયભીત થઈને પત્ર લખ્યો હતો તેવો મારો અભિપ્રાય છે તેવું તેમણે કહ્યું હતું.
આ અગાઉ શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું હતું કે સાવરકર અંગેના રાહુલ ગાંધીના અભિપ્રાય સાથે તેઓ સંમત નથી. અમારા પક્ષને વીર સાવરકર માટે ‘અતિશય માન’ છે તેવું ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.
મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહેલી ભારત જોડો યાત્રા અટકાવવા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર સરકારને પડકાર ફેંકયો હતો. આ અગાઉ મંગળવારે વાસિમ જિલ્લામાં એક રેલીને સંબોધન કરતાં રાહુલ ગાંધીએ સાવરકરને ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પ્રતીક ગણાવ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને આંદામાનમાં બે-ત્રણ વર્ષની સજા થઈ હતી. તેમણે દયાની અરજી લખવાનું શરૂ કર્યું હતું.
મુખ્ય પ્રધાન શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેનાના જૂથના સાંસદ રાહુલ શેવાળેએ આવાં નિવેદનો બદલ ગાંધીની ટીકા કરી હતી અને રાજ્યમાંથી પસાર થઈ રહેલી ‘ભારત જોડો’ યાત્રા અટકાવવા માગ કરી હતી.
ગુરુવારની પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ ભાજપ પર નફરત, ભય અને હિંસા ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપ ખેડૂતો અને યુવાનો સાથે સંવાદ નથી કરતી. યાત્રાની જરૂર નથી તેવું લોકો માનતા હોત તો લાખો લોકો યાત્રાના સમર્થનમાં જોડાયા ન હોત, તેવું રાહુલ ગાંધીએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે યાત્રા એક વિચાર છે જે ભાજપના ધિક્કાર અને ભય ફેલાવવાના ભાજપના અભિગમના વિરોધમાં છે. મહારાષ્ટ્રમાં યાત્રા દરમિયાન તેમનો અનુભવ કેવો હતો તે અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ લાખો લોકોને મળ્યા હતા, જેમાં યુવાનોએ તેમની આકાંક્ષાઓ વર્ણવી હતી અને ખેડૂતોએ તેમનું દુ:ખ પ્રગટ કર્યું હતું.
‘શિવાજી મહારાજ, મહાત્મા ફૂલે, ડૉ. બાબાસાહેબ આંબેડકર બાબતમાં મને શીખવવામાં આવ્યું હતું. રાજ્યની મારી રાજકીય સમજમાં પરિવર્તન આવ્યું છે. હું આ કોઈ દિવસ નહીં ભૂલું’, તેવું તેમણે કહ્યું હતું.