(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના નાળાની સફાઈ માટે ટેન્ડર બહાર પાડ્યા બાદ હવે મીઠી નદીની સફાઈ માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. લગભગ રૂ.૮૭ કરોડના ખર્ચે બે વર્ષ માટે મીઠી નદીની સફાઈનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવવાનો છે.
ચોમાસા દરમિયાન મીઠી નદીમાં પૂર આવે નહીં તે માટે ચોમાસા પહેલાં તેની સફાઈ આાવશ્યક છે. વિહાર તળાવથી શરૂ થઈને ૧૭.૫ કિલોમીટર લાંબી અને છેલ્લે માહિમ કોઝ-વેમાં અરબી સમુદ્રમાં મીઠી નદી ભળી જાય છે.
નાળાની સફાઈની માફક જ મીઠી નદીની સફાઈ પણ માર્ચથી ત્રણ તબક્કામાં ચાલુ કરવામાં આવશે. ૭૦ ટકા સફાઈ ચોમાસા પહેલાં, ૨૦ ટકા સફાઈ વરસાદ દરમિયાન અને ૧૦ ટકા સફાઈ ચોમાસું પૂરું થયા પછી કરવામાં આવશે.
સ્યુએજ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ માર્ચ મહિનાથી મીઠી નદીનું સફાઈ કામ ચાલુ કરવામાં આવશે અને બહુ જલદી તેના ટેન્ડર ખોલવામાં આવશે. નાળાસફાઈની માફક મીઠી નદીની સફાઈ પણ એડવાન્સ મશીનરી સિલ્ટ મશીનરીથી કરવામાં આવશે. જોકે મીઠી નદીની સફાઈ બરોબર નહીં થાય તો ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને મોટી ભરતી દરમિયાન મીઠી નદીમાં પૂર આવવાની શક્યતા વધી જતી હોય છે. તેમ જ તેને કારણે આજુબાજુમાં આવેલા નીચાણવાળા વિસ્તાર કુર્લા, સાંતાક્રુઝ, બાંદરા, માહિમમાં મીઠી નદીના પાણી ઘૂસી જતા હોય છે.