Homeઆમચી મુંબઈમલાડના સુશોભીકરણ માટે કાઢવામાં આવેલા રૂ.૨૪ કરોડના ટેન્ડર રદ

મલાડના સુશોભીકરણ માટે કાઢવામાં આવેલા રૂ.૨૪ કરોડના ટેન્ડર રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ મલાડના જુદા જુદા વિસ્તારમાં સુશોભીકરણ માટે બહાર પાડેલા ટેન્ડર ગુરુુવારે રદ કરી નાખ્યાં છે. આ ટેન્ડર લગભગ ૨૪ કરોડ રૂપિયાનાં હતાં. ટેન્ડરિંગમાં પાલિકા અધિકારીઓ અને કૉન્ટ્રેક્ટરોની સાઠગાંઠ હોવાનો આક્ષેપ કરીને પૂરા પ્રકરણની વિજિલિન્સ ખાતા પાસે તપાસ કરવાની ભાજપે માગણી કરી છે.
મલાડ પી-ઉત્તર વોર્ડમાં વોર્ડ સ્તર અનેક પ્રકારના સુશોભીકરણનાં કામ કરવામાં આવવાનાં છે. જોકે તેની સામે ભાજપે વિરોધ કરતા તેને રદ કરવાનો પાલિકા પ્રશાસને નિર્ણય લીધો હતો. આ અગાઉ મંગળવારે પણ કે-પશ્ર્ચિમ વોર્ડના અંધેરીમાં સુશોભીકરણ માટે બહાર પાડવામાં આવેલાં ૨૦ કરોડ રૂપિયાના ટેન્ડર રદ કરવામાં આવ્યાં હતાં. આ ટેન્ડરમાં અનેક ખામીઓ હોવાનો આક્ષેપ થયા છે.
ભાજપના ભૂતપૂર્વ નગરસેવક વિનોદ મિશ્રાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે પાલિકાના પી-ઉત્તર વોર્ડના એન્જિનિયરોની મનમાની ચાલે છે. અમુક નક્કી કરેલા કૉન્ટ્રેક્ટરને કામ આપવામાં આવે છે. તે માટે ટેન્ડરની સિક્યોરિટી ડિપોઝિટ માટે લગભગ સાત કરોડ રૂપિયા વધારી નાખવામાં આવ્યા હતા. મલાડમાં (પી-ઉત્તર) સુશોભીકરણના ટેન્ડરની અંદાજિત કિંમત લગભગ ૧૭થી ૧૮ કરોડ જેટલી હતી, તેમાં પાણી અને સ્યુએજ ફી અને સુપરવિઝન ફી જેવી પ્રોજેક્ટ ફી જોડી હતી. એ સિવાય સાત કરોડ પણ વધારાના જોડ્યા હતા પણ તેનો હિસાબ ક્યાંય પણ મળતો નહોતો.
ટેન્ડર રદ કરવા પાછળ બીજા પણ કારણને જવાબદાર માનવામાં આવે છે. મિશ્રાના કહેવા મુજબ કૉન્ટ્રેક્ટરેે મૂળ કિંમતથી ૩૦ ટકા નીચે ટેન્ડર ભર્યા હતા. કૉન્ટ્રેક્ટરોએ જાણીજોઈને ખોટો હિસાબ કર્યો હતો. ઓછા ખર્ચામાં કામ કરવું શક્ય જ નહોતું. કામની ગુણવત્તાને પણ અસર થવાની શક્યતા હતા. ખોટો ખર્ચ બતાવનારા અધિકારીઓની વિજિલન્સ ખાતા પાસે તપાસ કરવાની માગણી પણ વિનોદ મિશ્રાએ કરી છે.

RELATED ARTICLES

Most Popular