(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં તો હાલ તાપમાનનો પારો નીચે ઊતરેલો જ છે, જો એ સાથે જ મુંબઈમાં પણ ગુરુવારે તાપમાનનો પારો નીચે ઊતરી ગયો હતો. દિવસ દરમિયાન મુંબઈમાં લઘુતમ તાપમાન ૧૬.૩ ડિગ્રી નોંધાયું હતું. તો રાજ્યમાં સૌથી વધુ ઠંડી જળગાંવમાં રહી હતી. અહીં તાપમાનનો પારો ૭.૦ ડિગ્રી નોંધાયો હતો.
મુંબઈગરા છેલ્લા થોડા દિવસથી શિયાળાની ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. બુધવારથી વાતાવરણમાં ફરી એક વખત ઠંડક વ્યાપી ગઈ છે. બુધવાર બાદ ગુરુવારે પણ દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા. ગુરુવારે સાંતાક્રુઝમાં લઘુતમ તાપમાન ૧૬.૩ ડિગ્રી અને કોલાબામાં ૧૯.૪ ડિગ્રી નોંધાયું હતું.
રાજ્યના અનેક વિસ્તારમાં એકાદ બે દિવસથી ઠંડીમાં હળવો ઘટાડો થયો છે, છતાં મોટા ભાગના વિસ્તારમાં તાપમાનનો પારો ૧૪ ડિગ્રીની નીચે જ નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન મધ્ય મહારાષ્ટ્રના જળગાંવમાં સાત ડિગ્રી નોંધાયું હતું. પુણેમાં ૮.૩ ડિગ્રી, નાશિકમાં ૯.૨ ડિગ્રી, સાતારામાં ૧૦.૮, સાંગલીમાં ૧૨.૬ ડિગ્રી, હિલ સ્ટેશન મહાબળેશ્ર્વરમાં ૧૩.૧ ડિગ્રી નોંધાયું હતું. મરાઠવાડાના ઔરંગાબાદમાં ૯.૪ ડિગ્રી, ઓસ્માનાબાદમાં ૧૦.૪ ડિગ્રી, નાંદેડમાં ૧૨.૬ ડિગ્રી તો વિદર્ભના ગોંડિયામાં ૧૦.૫, અમરાવતી ૧૦.૭, નાગપુર અને યવતમાળમાં ૧૧.૦ ડિગ્રી, વર્ધામાં ૧૧.૯ ડિગ્રી, બ્રહ્મપુરીમાં ૧૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મુંબઈમાં દિલ્હી કરતા પણ પ્રદૂષણનું પ્રમાણ ઊંચું
મુંબઈની હવા દેશના પાટનગર દિલ્હી કરતા પણ વધુ ખરાબ થઈ ગઈ છે. બુધવારે મુંબઈમાં પ્રદૂષણમાં થોડો ઘટાડો થયા બાદ ગુરુવારે ફરી એક વખત મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું હતું. મુંબઈના બીકેસીમાં હવાની ગુણવત્તાનું સ્તર એકદમ જોખમી સ્તરે નોંધાયું હતું. બીકેસીમાં એક્યુઆઈ ૩૭૫ જેટલો એકદમ ઊંચો અને જોખમી સ્તરે નોંધાયો હતો. તો નવી મુંબઈમાં પણ પ્રદૂષણ જોખમી સ્તરે વધી ગયો હતો. દિવસ દરમિયાન નવી મુંબઈમાં સરેરાશ એક્યુઆઈ ૩૧૯ જેટલો ઊંચો નોંધાયો હતો. દિવસ દરમિયાન મુંબઈનો સરેરાશ ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૯૩ નોંધાયો હતો, જ્યારે બીકેસી ૩૭૫, ચેંબુર ૩૨૯, અંધેરી ૩૦૮, કોલાબામાં ૨૬૬, મઝગાંવ ૨૮૦, મલાડમાં ૨૩૯ જેટલો એક્યુઆઈ નોંધાયો હતો.