આપણે બીજું બધું શીખતા હોઈએ છીએ, પરંતુ જિંદગીને સારી રીતે જીવવાનું, જીવનને માણવાનું નથી શીખતા!
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
થોડા સમય અગાઉ એક પ્રસંગ નિમિત્તે જૂના મિત્રોને મળવાનું બન્યું. એ દરમિયાન એક સફળ પરિચિત વ્યક્તિ સાથે પણ લાંબા સમય બાદ મુલાકાત થઈ ગઈ.
અમારા એક કોમન ફ્રેન્ડે તેમને પૂછ્યું કે “હમણાં શું કરો છો?
સફળ વ્યક્તિએ કહ્યું, “હમણાં એક પ્રોજેકટ પર કામ કરી રહ્યો છું.
અમારા કોમન ફ્રેન્ડે કુતૂહલથી પૂછ્યું: “એ પ્રોજેકટ પછી શું કરવાના છો?
સફળ પરિચિતે જવાબ આપ્યો: “હવે આગળ કશું નથી કરવું.
કોમન ફ્રેન્ડે કહ્યું: “હોતું હશે એવું! તમે મજાક કરતા લાગો છો! તમારું તો આટલું મોટું નામ છે. તમારા ક્ષેત્રમાં આટલી ઈજ્જત કમાયા છો, આટલા પૈસા કમાયા છો. આ બધું ઓચિંતા છોડી દેશો?
સફળ વ્યક્તિએ કહ્યું, “હા. હવે કામ નથી કરવું. જીવનમાં જેની કલ્પના પણ નહોતી
કરી એવી ભૌતિક સફળતા મળી ગઈ. સફળતા માણી લીધી.
હવે બસ. ઘણું કામ કર્યું. હવે મજા આવે એમ જીવવું છે અને કંઈ ન કરવાની મોજ માણવી છે. હું હવે સારી રીતે જીવવાની કોશિશ કરવા
ઈચ્છું છું.
તેમની વાત સાંભળીને મને મજા પડી ગઈ.
જેમ ઘણા માણસોને જાતજાતની કળાઓ શીખવાનો શોખ હોય છે એમ જીવન જીવવાની કળા પણ શીખવી જોઈએ. અને સૌથી મોટી કળા એ છે કે માણસ સારી રીતે જીવન જીવતા શીખે, જીવનને માણતા શીખે (વડોદરાના એક ગવર્નમેન્ટ ઑફિસર અને સજજવાચક (જે સારાં લેખક પણ બની શકે એમ છે) રુચા પટેલે તેમનાં વોટ્સએપનું સ્ટેટ્સ રાખ્યું છે કે “જિંદગી જીવતાં શીખું છું મારાથી દસ ફૂટ દૂર રહેવું!).
જેમ વાહન રસ્તા પર ચલાવતા પહેલા વાહન ચલાવતાં શીખ્યા ન હોઈએ તો અકસ્માત થઈ જાય એમ જીવન જીવતા શીખીએ નહીં તો જીવનમાં અકસ્માત સર્જાઈ શકે. વાહન ચલાવતા શીખ્યા હોઈએ અને બહુ સારી રીતે વાહન ચલાવવાનું ફાવી ગયું હોય તો સરળતાથી વાહન તો ચલાવી જ શકીએ સાથેસાથે ડ્રાઈવિંગનો આનંદ પણ માણી શકીએ. એવું જ જીવનનું છે.
જીવન જીવતા શીખી જઈએ તો યોગ્ય રીતે જીવન વિતાવવાનું સહેલું થઈ પડે અને જીવન માણવાની મજા ય લઈ શકાય. જીવનમાં દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતાઓ ઘટી જાય અને આપણી સાથે અન્ય વ્યક્તિઓને પણ તકલીફ થવાની શક્યતાઓ ય ઘટી જાય. આપણી ઘણી એવી પ્રાચીન કથાઓ છે જે વાંચીએ તો જીવન જીવવાનું સહેલું થઈ શકે. એ માટે એ કથાઓ વાંચીને જીવનમાં ઉતારવી પણ પડે. એક જોક યાદ આવે છે. કદાચ ઓશોના કોઈ પુસ્તકમાં એ જોક વાંચી હતી.
બે પંડિતો નદી પાર કરવા માટે એક હોડીમાં બેઠા. નાવિકે હલેસાં મારીને હોડી સામા કાંઠા તરફ હંકારી એ વખતે એક પંડિતે તેને પૂછ્યું, “તેં બધા વેદો વાંચ્યા છે?
નાવિકે કહ્યું, “ના. હું તો અભણ માણસ છું મને તો વાંચતા જ નથી આવડતું.
પેલા બંને પંડિતો હસી પડ્યા તેમણે કહ્યું, “તારી ચાર આના જિંદગી પાણીમાં ગઈ.
પછી વળી બીજા પંડિતે તેને કોઈ સવાલ કર્યો કે,”તું ફલાણી વસ્તુ શીખ્યો છે?
નાવિકે કહ્યું, “ના. મને તો નાવ ચલાવવા સિવાય કશું આવડતું નથી.
પેલા બંને પંડિતોએ તેની મજાક ઉડાવતા
કહ્યું કે, “તારી આઠઆના જિંદગી પાણીમાં ગઈ.
એ રીતે તેઓ સવાલો કરીને નાવિકની મજાક ઉડાવી રહ્યા હતા એ વખતે અચાનક પાણીનું વહેણ વધ્યું અને હોડી હાલક-ડોલક થવા લાગી એટલે બંને પંડિતો ગભરાઈ ગયા. એ વખતે હોડી ડૂબી જશે એવો ડર લાગ્યો એટલે બંને પંડિતો ચીસો પાડવા લાગ્યા.
એ વખતે નાવિકે તેમને પૂછ્યું કે, “તમને તરતા આવડે છે?
પંડિતોએ જવાબ આપ્યો, “ના.
નાવિકે કહ્યું, “તો તમારી આખી જિંદગી પાણીમાં ગઈ. એ જ વખતે હોડી ઊંધી વળી ગઈ. નાવિક તરતો તરતો કાંઠે પહોંચી ગયો અને પેલા બંને પંડિતો પાણીમાં ડૂબી ગયા.
સાર એ છે કે માણસે બધે બધું જાણી લેવાની – શીખી લેવાની જરૂર નથી. માણસ પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરતો હોય અને એમાંથી અર્થઉપાર્જન દ્વારા જીવનને માણતો હોય તો એટલું પૂરતું છે.
જીવન જીવતા આવડે, જીવન માણતા આવડે એ સૌથી મહત્ત્વનું છે. એ માટે પૈસા કે સફળતા હોવા જરૂરી નથી.
આપણે બીજું બધું શીખતા હોઈએ છીએ, પરંતુ જિંદગી જીવતા શીખીએ છીએ? આ સવાલનો જવાબ આપણે જાતને પૂછવો જોઈએ. આપણે બીજું બધું શીખતા હોઈએ છીએ, પરંતુ જિંદગીને સારી રીતે જીવવાનું, જીવનને માણવાનું નથી શીખતાં!