Homeઈન્ટરવલતેજાવતની નેતાગીરીએ ૨૧માંથી ૧૮ માગણી મનાવી

તેજાવતની નેતાગીરીએ ૨૧માંથી ૧૮ માગણી મનાવી

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

ભયંકર દાવાનળની જેમ ફેલાઇ રહેલા મોતીલાલ તેજાવતનુંં એકી આંદોલન એક અસાધારણ પડાવ પર પહોંચી ગયું. એ જમાનામાં આટલું મોટું આંદોલન થાય એ બહુ મોટી વાત ગણાતી. એમાંય આંદોલનકારીઓની માગણી જાણવા અને સાંભળવા માટે મેવાડના મહારાણા ફતેહસિંહ તૈયાર થાય એ એનાથીય મોટી બિના ગણાય.
મહારાણા ફતેસિંહે ૨૧માંથી ૧૮ માગણી સ્વીકારી લીધી. ટકાવારીની દૃષ્ટિએ તોતિંગ સફળતા કહેવાય આ આંદોલનની તેમણે વન-સંપદા, વેઠ મજૂરી અને ડુક્કર સંબંધી પણ માગ ન સ્વીકારી. આ કિસાન અને ભીલ એકતાની પહેલી અને ભવ્ય જીત હતી. જગદીશ મંદિરના ચોટીલા પરથી તેજાવતે ૧૮ માગણી સ્વીકારાયાની જાહેરાત કરી. આની સાથોસાથ જોશપૂર્વક તેમણે ઘોષણા કરી કે ન સ્વીકારાયેલી ત્રણ માગ પણ અત્યંત મહત્ત્વની છે એટલે આપણે પોતાના અધિકારની રૂએ એનો સ્વીકાર કરીએ છીએ અને અમલ પણ અવશ્ય કરીશું.
એકી આંદોલનને એકતાએ સફળ બનાવ્યું એ સૌના જોશને બમણું બળ આપ્યું. સૌ છૂટા પડ્યા ત્યારે એમની અંદરનો માણસ બદલાઇ ચૂક્યો હતો. હવે એને ચૂપચાપ સહન કરવાના મિજાજનો પરચો મળી ચૂક્યો હતો. મંઝિલ ભલે દૂર હોય પણ એ દિશામાં પગ મંડાઇ ચુક્યા હતા.
જોકે સ્પષ્ટપણે બધે બધી માગણી ન સ્વીકારવાથી રાજ્ય શાસન, જાગીરદાર-અમલદાર અને પ્રજા વચ્ચે અસંતોષ ખતમ થવાનો હતો. ઘર્ષણની શક્યતા બળવતર થવા માંડી. બન્ને પક્ષે સામસામા વિખવાદ વચ્ચે સ્વીકારાયેલી માગણી પ્રત્યે ય આંખમીંચામણા થવાની શક્યતા સર્જાઇ હતી. જાગીરદાર અને અમલદારોના માથા પર નાલેશી અને મનમાં કડવાશ ઘર કરી ગઇ હતી.
એક તરફ મોતીલાલ તેજાવતને એક નવી દિશા મળી ગઇ. નવો ધ્યેય હાથ લાગી ગયો. સેંકડો ગામોના ખેડૂતો આંદોલનની આંશિક સફળતા બાદ પાછા ફરવા માંડ્યા, ત્યારે તેમના માથામાં સફળતાના ઉત્સાહ સાથે સાહસ, જોશ અને એકતા ભરપૂર હતા. એક-એક પગમાં પીડાનો સામનો કરવાની શક્તિનો ઉદય વર્તાતો હતો. કદાચ સદીઓ બાદ આ લાગણી ખેડૂતો અનુભવી રહ્યા હતાં. નવી ઉમંગે અલગ આશા અપેક્ષાનો જન્મ આપ્યો હતો.
રજવાડાઓના પાષાણદિલ અમલદારોના ડીએનએમાં સદીઓથી શોષણની આદત અને આનંદ તો અધિકાર બનીને એકરૂપ થઇ ગયા હતા. એમના માટે આ આંદોલન અને એની મોટી સફળતા અસહ્ય કુઠારાઘાત હતા. એક પક્ષના અનપેક્ષિત વિજયે સામી છાવણીમાં રોષ, વૈરાગ્નિ અને જડતા વધારી દીધા હતા. ગઇ કાલ સુધી માથું નીચું રાખીને નજર ન ઊંચકી શકનારા વિરોધનો હરફ સુધ્ધાં ઉચ્ચારી શકતા નહોતા અને આજે એ વિજયમાળા પહેરીને નીકળ્યા!
મોતીલાલ તેજાવત માટે ઉદયપુરમાં વધુ રહેવાનાં કારણો નહોતાં. એકી આંદોલનનો અધિકાર હેતુ સિદ્ધ થયો હતો. આ લોક-આંદોલનનું કુશળતાપૂર્વક શાંત અને સફળ સંચાલન એ એમની મોટી સિદ્ધિ અને મૂડી બની રહ્યો. આમાંથી મળેલી તાલીમ અને બોધપાઠ એમને આગામી દિવસોમાં ખૂબ ઉપયોગી નિવડવાના હતા એમાં શંકાન સ્થાન નથી.આ કિસાન આંદોલનના શ્રીગણેશ આંશિક સફળતા અને પૂર્ણાહુતિ બાદ મોતીલાલ તેજાવત ઉદયપુરને રામરામ કરીને પોતાના કાયમી આદિવાસી-ભીલ વિસ્તારો ભણી નીકળી પડ્યા. જાણે હવા થકી આમંત્રણ મળ્યું હોય એમ તેઓ આગળ વધતા ગયા. આમે ય ન જાણે કેમ તેજાવતને આદિવાસી પ્રજા પ્રત્યે વિશેષ લગાવ-ખેંચાણ હતા. એક આદર્શવાદી યુવાન ત્યાગ અને સમર્પણના માર્ગ પર ઊભરતા નેતા તરીકે અન્યના કલ્યાણાર્થે આગળ વધી રહ્યા હતા.ઉદયપુરથી જ સેંકડો ભીલ તેજાવતની સાથે નીકળી પડ્યા હતા. તેઓ જેમ જેમ આગેકૂચ કરતા ગયા તેમ તેમ વધુને વધુ ભીલો સાથ જોડાતા ગયા. તેઓ ઝાડોલ પહોંચ્યા ત્યારે સાથે દશ હજારની મેદની હતી. એમની આ શાંત આગેકૂચ દરમિયાન વિરોધીઓ કેવા કાવાદાવા રમવા માંડ્યા હતા. એની કોઇની કલ્પના સુધ્ધાં નહોતી.
ઉદયપુરથી જ એક અફવા ફેલાવવાનું શરૂ થઇ ગયું હતું કે મોતીલાલ તેજાવત બહુ મોટું ટોળું લઇને ઝાડોલમાં લૂંટફાટ મચાવવા માટે નીકળી ચૂકયા છે. શેતાની દિમાગ વેર વાળવા માટે અને સારા-સાચા માનવીને હેરાનપરેશાન અને બદનામ કરવા માટે કેવા કારસ્તાન રચી શકે છે. એનો આ નિમ્ન સ્તરીય દાખલો છે. અધૂરામાં પૂરું આ અફવાને સાચી માનીને સંબંધિત સત્તાધીશોએ તો પોલીસદળને પણ સાવધ કરી દીધા કે તેજાવતને આગળ વધતા તાત્કાલિક રોકો. (ક્રમશ:)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular