Homeઈન્ટરવલતેજાવત જીવતેજીવ બની ગયા ઈતિહાસ-પુરુષ

તેજાવત જીવતેજીવ બની ગયા ઈતિહાસ-પુરુષ

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૧૮)
મોતીલાલ તેજાવતને અર્જુનને દેખાતી પંખીની આંખની જેમ આદિવાસી-ભીલ-નાના ખેડૂતોનું કલ્યાણ જ દેખાતું હતું. સદીઓથી શોષણના શિકાર બનતા અને ગુલામીની અદૃશ્ય બેડીમાંથી એમનો છુટકારો કરાવવો હતો. એમને ન્યાય અને સમાનતા અપાવવા હતા.
જો કે તેજાવતની આ નિસ્વાર્થ સેવાથી સ્થાપિત હિતો વધુને વધુ ભૂરાંટા થવા માંડ્યા હતા. એનું એક અન્ય કારણ એ પણ ખરું કે ફુંકેલા જાગૃતિના બુંગિયાનો અવાજ દૂર-દૂરના રજવાડા સુધી પહોંચવા માંડ્યો હતો. એક પછી એક રાજ્ય આ ક્રાંતિની જ્વાળાની પકડમાં આવવા માંડ્યા હતા ને ભ્રષ્ટ સત્તાધીશો સાથે અમલદારો એની ઝાળથી દાઝવા માંડ્યા હતા.
ચો તરફના પ્રદેશો અને ભોળાજનો ક્રાંતિ ભણી આકર્ષિત થઈ રહ્યા હતા ત્યારે તેજાવત સૌને ગાંઠે એક જ શિખામણ બાંધતા હતા કે ગમે તેના સંજોગોમાં એક રહેજો, સંગઠિત રહેજો. હવે આદિવાસીઓને પોતાના સાચા હિતેચ્છુની સમજ પડવા માંડી હતી. તેઓ એકતા જાળવી રાખવાના સોગંધ ખાવા સાથે એક મહત્ત્વના નિર્ણય પર આવ્યા કે અમે એક-એક સમસ્યાના અલગ, છૂટક ઉકેલ સ્વીકારવાના નથી. બધી માગણીઓનું એક સાથે, એક જ સમયે સમાધાન થવું જોઈએ. આટલું પૂરતું નહોતું, આદિવાસીઓ આ સમજૂતી પર તેજાવતજીની મંજૂરીની મહોર હોય એનો પણ આગ્રહ રાખતા હતા. હવે આદિવાસીઓમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ કારગત નિવડવાની નહોતી. એમને ભોળવી શકાય એમ નહોતું.
માત્ર શાબ્દિક માગણી કરીને આદિવાસીઓ શાંત કે ચૂપ બેસી ન રહ્યા. મેવાડ સહિતના ઘણા રજવાડા ના આદિવાસીઓએ કરવેરા અને લાગ-બોગાર દેવાનું સાવ બંધ કરી દીધું હતું. ભ્રષ્ટાચારીઓના ગજવા ગરમ થવાનું જ બંધ નહોતું થયું, સરકારી તિજોરીઓમાં થતી આવકમાં ય ભારે ઘટાડો થવા માંડ્યો હતો.
રાજવીઓ, અમલદારોએ અને એમના મળતિયાઓએ ઈતિહાસ વાંચ્યો, જાણ્યો કે પચાવ્યો નહોતો. અન્યથા તેમને જલ્દી સમજાઈ ગયું હોત કે જ્યારે જ્યારે ધરતી-પુત્ર લડવા માટે એક થઈને આગળ આવ્યા છે ત્યારે એને વ્યાપક જનઆંદોલન બનતા વાર લાગતી નથી અને તેને નાથવામાં-શાંત પાડવામાં મોઢે ફીણ આવી જાય છે.
આવા બોજલ અને ભારેલા અગ્નિ જેવા માહોલમાં સમાધાન માટેના નાના, છૂટક અને પરચૂરણ પ્રયાસો થતા હતા ખરા પણ એમાંથી કંઈ ઊપજતું નહોતું. આના ફળસ્વરૂપે બંને પક્ષે ઉશ્કેરાટના ચરુ ઉકળવા માંડ્યા હતા.
ક્રાંતિકારી અને સમાજ સુધારક આગેવાન તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવત પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી હતા. મધ્યમ કદ, ઘઉં વર્ણો રંગ, સફેદ દાઢી અને જટા, ભવ્ય મુખ-મંડળ, સહજ સ્મિત તથા દૃઢતા આત્મ-વિશ્ર્વાસથી છલકાતી મોટી-મોટી આંખો. જોતાવેંત સામેવાળાને આદર ઊપજે, પ્રેમ થઈ જાય એવું સરળ વ્યક્તિત્વ. જાડી ખાદીનો ઝભ્ભો અને કુરતો પહેરે અને હાથમાં દંડો રાખે. આ બધાને સરવાળે બાહ્ય અને આંતરિક સુંદરતા ઊડીને આંખે વળગે. સંકલ્પબદ્ધતા અને લક્ષ્ય પ્રતિના સમર્પણથી ક્યારેક કઠોર લાગે પણ સામેવાળાની વાતો-સમસ્યા સાંભળીને આંખો અને ચહેરા પર કરુણા, અનુકંપા દોડી આવે.
સામંતશાહીના સદીઓના દમન અને અત્યાચાર સામે આદરાયેલું મોતીલાલ તેજાવતનું આંદોલન માત્ર મેવાડ પૂરતું સીમિત રહેવાને બદલે વિસ્તરતું જતું હતું. બીજા ચરણમાં સિરોહી, માદ્રી, દાંતા, પોશીનો, ઇડર, પાલનપુર, ખેડબ્રહ્મા અને વિજય નગરમાં ય એકી આંદોલનનો પ્રભાવ વર્તાવા માંડ્યો હતો.
મોતીલાલ તેજાવતે સમય, સંજોગો અને પ્રજાના માનસ તેમજ જરૂરિયાતને સાંગોપાંગ રીતે સમજીને ‘એકી’ આંદોલનને માત્ર રાજકીય સ્વરૂપ ન આપ્યું, પરંતુ સામાજિક અને ધાર્મિક કારણ પણ સાથે જોડી દીધા. આદિવાસીઓ અને ભીલો માટે આ આંદોલન સામાજિક અને ધાર્મિક અનિવાર્યતામાં પરિણમ્યું હતું. ‘એકી’નો ભંગ કરવા કે એકતાને ખંડિત કરવાને તેઓ ઇશ્ર્વરની આજ્ઞાના ઉલ્લંઘન જેવું અક્ષમ્ય પાપ સમજવા માંડ્યા હતા. આ સૌ માટે ‘એકી’ આંદોલન સામાજિક બહિષ્કાર સામેનું અભેદ્ય કવચ પણ હતું. આદિવાસી અને ભીલોની સ્વતંત્રતા, વિકાસ, કલ્યાણ અને સુખાકારી માટે ‘એકી’ આંદોલન પ્રાણવાયુ જેમ અનિવાર્ય રહ્યું એમાં જ તેજાવતની બૌદ્ધિક, વ્યાવહારિક, રાજકીય અને સામાજિક કુનેહના દર્શન થાય છે.
મોતીલાલ તેજાવતે સામંતો, રજવાડા અને અમલદારોના શોષણ, અન્યાય અને અત્યાચારને નિશાન બનાવવા સાથે આદિવાસી પ્રજામાં વ્યાપ્ત કુ-રિવાજ અને અંધશ્રદ્ધા સાથે માંસાહર-મદિરાપાન જેવી કુટેવોની નાબૂદી પર ભાર મૂક્યો
હતો.
મોતીલાલ તેજાવત જીવતેજીવ ઈતિહાસ-પુરુષ બની ગયા હતા. એમના વ્યક્તિત્વ અને કામગીરીને બિરદાવતા અનેક કાવ્યો રચાયાં. મેવાડના જાણીતા સ્વાતંત્ર્ય સૈનિક, ભૂતપૂર્વ સંસદસભ્ય અને માજી પ્રધાન બલવંતસિંહ મહેતાની આવી એક કૃતિની થોડી પંક્તિઓ જોઈએ-
ખોજે સબ ઇતિહાસ કો
ખોજા રાજસ્થાન
તેજાવત સમ ના મિલા
જનજાતિક પ્રાન
અલખ જગાઈ દેશમેં,
બરસ સાઠ વન જાય,
જગી વરસ નવ જેલ મેં,
ભર યૌવન કે માંય
અનન્ય સેવક જાતિ-જન
રાજસ્થાન ઉપ-માન
તેજાવત તબસે બને,
જન-જાતિ કે પ્રાન
જો જ કિયો બહુ સાધુ નિસ,
કિયો અકેલો આપ.
સ્હસ્ત્રન કો મુક્ત કિયે,
મદ્ય માંસ કે પાપ.
મેદપાટ કો આહ દો,
ભામા મોતી વીર
ભામાશાહ ચિત્તૌડ કો
યો કલ્યાણી વીર
દોનોં કે કુલધર્મ એક
દોનોં કે ઇક માન,
સિર સૌદે કરણિયે દઉ,
મર-મિટને કી આન..
ભારત ગૌરવ શાહ દઉ,
અરુ રાજસ્થાની વીર.
ઇક દેશ કો ત્યાગ-વીર,
ઇન જન-જાતિ વીર.
દોનું શાહ રણ બાંકુરે,
દોનોં હી રણધીર.
હલ્દી ઘાટી વીર એક,
એક અરણ્ય રણવાર.
દોનોં ટેક ેક
દોનોં કી એક શાન
માન દોનોં કે એક એ,
દોનોં કી એક આન
લખ યોદ્ધા મોતી તુમ્હે,
ભામા વીર સમાન
પ્રશસ્તિ અર્પિત તુમ્હે,
ફૂલ પંખુરી જાન.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular