ટીનેજર્સને તરુણાવસ્થામાં યોગ્ય દિશા ચીંધો તો જીવનના મહાસાગરમાં પછડાટ ન ખાય

લાડકી

ઉડાનમુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી-શ્ર્વેતા જોષી-અંતાણી

આજે કેટલાય વખતે ઘરમાં સારો પ્રસંગ આવ્યો હતો. એકાદ મહિનાથી આજના દિવસની તૈયારીઓ ઘરમાં ચાલી રહી હતી, પાછલા અમુક દિવસોમાં તો જાણે કોઈને શ્ર્વાસ લેવાનો પણ સમય નહોતો મળતો. મહેમાનોનું લિસ્ટ બનાવવું, આમંત્રણો આપવાં, જમણવારની તૈયારીઓ કરવી એ બધામાં તલ્લીન થયેલા ઘર આખા સાથે હમણાં સુધી પોતાની જ દુનિયામાં મસ્ત રહેવા ટેવાયેલી નિયતિ પણ વ્યસ્ત રહેવા મથતી, પરંતુ એની જાત આવનારી પરિસ્થિતિનો તાગ મેળવી ખુશ થવાની સાથોસાથ તેના મનને ઉદાસ પણ એટલી જ કરી મૂકતી હતી.
આખરે એ દિવસ આવી ગયો. મોટી બહેન આસ્થાએ બોર્ડની પરીક્ષામાં મેળવેલી ઝળહળતી સફળતાને બિરદાવવા એક મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવેલું. આજે સવારથી જ ઘર સગાં-સંબંધીઓથી ભરાવાનું ચાલુ થઈ ગયેલું એ સાંજ પડતાં તો લગભગ ઊભરાવા જ લાગ્યું. વહેલી સવારથી જ ઘરમાં મમ્મી સાથે કામકાજમાં લાગેલી નિયતિને મનોમન આ બધું તેની આસપાસ જે થઈ રહ્યું હતું તેનો ભયંકર કંટાળો આવી રહ્યો હતો. એને વારંવાર એવું થતું કે પોતે અંહી ળશતરશિં છે. આજકાલ આમ પણ ખરેખર એને શું ગમે છે, નથી ગમતું, કોની સાથે ગમે ને કોની સાથે નહીં આ બધા વચ્ચે નિયતિ દરરોજ અટવાતી રહેતી. અંતે પોતાના રૂમમાં જઈ રહેલી નિયતિની પીઠ પર મમ્મીની ટકોર અથડાઈ, ‘જલદી કરજે…’. સામે દરવાજો ખોલી ઊભેલી નિયતિ એ બધાં જ મેડલ જોઈ રહી જેનાથી આખો કબાટ છલોછલ ભરાયેલો હતો.
હા, એ એની જ મહેનતનું પરિણામ હતું. ફરક એ હતો કે એ ભણવાને બદલે અન્ય આવડતોની સાક્ષી પૂરતાં હતાં એટલે પોતાનું બધું જ મહત્ત્વ ગુમાવી બેસેલાં કદાચ! જેને માત્ર નિયતિની આળ-પંપાળ મળતી બસ! ‘તો મારે પણ આવું એટેન્શન અને વખાણોની વણજાર મેળવવા ફરી સ્ટડી પર વધુ ધ્યાન આપવાનું શરૂ કરી દેવું જોઈએ?’, નિયતિએ જાતને પ્રશ્ર્ન કર્યો. જ્યારે કોઈ જવાબ ન મળ્યો ત્યારે એ શૂન્યમનસ્ક બની બેસી રહી. અચાનક ફોનની રિંગ, બેલનો અવાજ અને મમ્મીની બૂમ એકસાથે તેને સંભળાયાં એટલે તે માંડ માંડ છેક છેલ્લી ઘડીએ તૈયાર થઈ, પગથિયાં ઊતરવાનું હજુ તો શરૂ જ કર્યું ત્યાં તો નીચેથી અવાજ આવ્યો, ‘ચાલ, હવે તારો વારો છે, તને સારા માર્ક્સ આવશે એટલે પપ્પા પાસે તારી પણ આવી જ પાર્ટી કરાવડાવજે હોં?’ કોઈએ આવું પૂછ્યું તેના જવાબમાં જાણી જોઈને પરાણે હસવાના લાખ પ્રયત્નો તેને અજાણ્યે રોવડાવી ગયા હોય એમ એનું હૃદય દ્રવી ઊઠ્યું, નીચે આંગણામાં ચાલતો કોલાહલ એના કાન ફાડી નાખશે એવું તેને લાગવા માંડ્યું, બહેનને મળી રહેલાં અભિનંદનનો વરસાદ, નાનાં બાળકોનો શોરબકોર, ડીજેનું લાઉડ મ્યુઝિક જાણે એનું હૃદય આરપાર વીંધી જવા લાગ્યાં.
‘આમ તો, આ નિયતિ પણ હોશિયાર છે, પણ હવે આ સ્પોર્ટ્સ ને ઈત્તર પ્રવૃત્તિઓના રવાડે ચડી ગઈ તે એની બહેન જેવું રિઝલ્ટ એનું નહીં આવવાનું…’ લોકોની નજરો અને આસપાસ ઝીણા અવાજે ચાલતી આવી ખુસરપુસર તો જાણે તેની આખેઆખી જાતને એક ચીસમાં પરિવર્તિત કરી દેતી હતી.
શું નહોતું એની પાસે? બુદ્ધિ, રૂપ, ચાતુર્ય, ટેનિસ અને સ્વિમિંગ જેવી રમતોમાં ચેમ્પિયન, વાક્છટા અને એમાં વળી એની યોગ, અભિનય, નૃત્યકળા જેવી આવડતોનો તો જોટો જડે એમ નહોતો તેમ છતાંય આજે તે પોતાનાં જ ભાઈ-બહેન સામે વામણી કેમ પુરવાર થતી હતી? કેમ દર વખતે તેને જ કોઈ સારાં કાર્યો કે કૌટુંબિક પ્રસંગો દરમિયાન ચર્ચા કે ગોસિપનું કેન્દ્રબિંદુ બનાવી દેવામાં આવતી હતી તેનું છૂપું કારણ તે સુપેરે સમજતી હતી, પરંતુ એ કારણ સામે દલીલો ન તો એ પોતાની જાત સાથે કરી શકતી હતી, ન તો સમાજ અને કુટુંબ સામે. વિદ્રોહની વાત તો આમાં ક્યાં આવતી હતી જ્યારે પોતે જ એ નક્કી નહોતી કરી શકતી કે એને શું કરવું છે?
એના રિઝલ્ટમાં છપાતા આંકડા અને બીજાઓના ગોખણિયા જ્ઞાન થકી મપાતા બુદ્ધિઆંક વચ્ચે તે અનેક વિષયોમાં પારંગત હોવા છતાં નબળી પુરવાર થતી હોય એવું તેને લાગ્યા કરતું. આવું તેની એકલી સાથે જ થાય છે એવું માનતી નિયતિને ખબર નથી કે નિયતિને જે થઈ રહ્યું હતું એને ‘શમયક્ષશિંિું ભશિતશત’ કહેવાય છે.
તરુણાવસ્થામાં આ સમસ્યા થવી આમ તો સામાન્ય ગણાય છે કે જેમાં તરુણો પોતે શું છે? જીવનમાં આગળ શું બનવા માગે છે? કઈ રીતે પોતાની જાતને એ દુનિયા સમક્ષ રજૂ કરવા માગે છે એ બાબતે મૂંઝવણ એ હદે વધી જતી હોય કે તેની અસરો બહુ ગંભીર રીતે થવા લાગે.
આવા સમયે ખરેખર શું કરવું કે જેથી કરીને તમારું એક અલગ જ સફળ વ્યક્તિત્વ ઘડી શકાય તે અતિશય અગત્યતા ધરાવે છે. દુનિયાભરમાં નિયતિની ઉંમરના જ અનેક ટીનેજર્સ પોતાની ઓળખ મેળવવા સતત આ પ્રકારના મનોમંથનમાં અટવાતા રહેતા હોય છે. તેઓની અંદર રહેલી એનર્જી અને આવડતને યોગ્ય દિશા તરફ વાળવામાં જો મદદ કરવામાં આવે તો જીવનભર એના ફાયદાઓ મેળવી શકાય છે, પરંતુ જો એનાથી ઊંધું થાય તો દિશાહીન નૌકાની જેમ એ જિંદગીના મહાસાગરમાં પછડાટ ખાધા કરે અને શું પરિણામ આવે એ પણ નક્કી થઈ શકે નહીં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.