વર્ષ 2023ની શરૂઆત ક્રિકેટર્સના લગ્નથી થઈ હતી અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. લાગે છે કે મોટાભાગના ક્રિકેટરો તેમના લગ્ન માટે વર્ષ 2023ની રાહ જોઈ રહ્યા હતા. પહેલા ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન કેએલ રાહુલે બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા, જ્યારે ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. લગ્નની આ સિઝનમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનના ઘણા ખેલાડીઓએ લગ્ન કર્યા. હવે ભારતનો ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુર પણ આ મહિને લગ્ન કરવા જઈ રહ્યો છે.
ભારતીય ટીમનો ફાસ્ટ બોલર શાર્દુલની હલદી સેરેમનીની તસવીરો પણ સામે આવી છે. તે 27મી ફેબ્રુઆરીના રોજ તેની મંગેતર મિતાલી પારૂલકર સાથે લગ્ન કરશે.
27મીએ યોજાનાર લગ્નમાં 200 જેટલા મહેમાનો આવવાની ધારણા છે. શાર્દુલે તેની હલ્દી સેરેમનીમાં જોરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન તેના પરિવારના સભ્યો અને મિત્રોએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો. શાર્દુલ ઠાકુરના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઠાકુરે વર્ષ 2021માં મિતાલી સાથે સગાઈ કરી હતી.
શાર્દુલે 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે અત્યાર સુધીમાં 8 ટેસ્ટ, 34 વનડે અને 25 ટી20 મેચ રમી છે. તેણે ટેસ્ટમાં ત્રણ અડધી સદીની ઇનિંગ્સ રમી છે અને 27 વિકેટ લીધી છે. તેણે વનડેમાં 50 અને ટી20માં 33 વિકેટ ઝડપી છે.