શ્રીલંકા, ન્યૂ ઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ભારતના પ્રવાસે આવશે
2022નું વર્ષ વિદાય લેવાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય ટીમમાં અનેક ફેરફાર થઈ રહ્યા છે તેની સાથે આખું વર્ષ ભારતીય ક્રિકેટ ટીમનું શિડયુલ પેક રહેશે. ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરુઆત શ્રીલંકા સામે ઘરઆંગણે શ્રેણીથી થશે, ત્યાર બાદ ન્યૂ ઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે. ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ માટે ભારત સાથે રમશે. જોકે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીનું ઘણું મહત્વ આંકવામાં આવી રહ્યું છે, કારણ કે જો ટીમ ઈન્ડિયા ચાર મેચમાંથી ત્રણ ટેસ્ટ જીતશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા નિશ્ચિત કરી લેશે.
ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પછી આઈપીએલ, એશિયા કપ, વનડે વર્લ્ડ કપ વગેરે મોટી મોટી ટૂર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવશે. એટલું જ નહીં, આગળની વાત કરીએ તો ભારત ઘરઆંગણે ઘણી બધી મેચ રમશે. વન-ડે વર્લ્ડ કપ વર્ષ 2023 પણ માત્ર ભારતના ઘર આંગણે યોજાશે ત્યારે ક્રિકેટ રસિયાઓ માટે ભારતીય ટીમ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ છે.
જાન્યુઆરી મહિનામાં ભારતના પ્રવાસે શ્રી લંકા આવશે, જેમાં પહેલી ટવેન્ટી-20 મેચ મુંબઈ (ત્રીજી જાન્યુઆરી)માં રમાશે. ત્યાર બાદ બીજી અને ત્રીજી મેચ પાંચમી અને સાતમીના અનુક્રમે પુણે અને રાજકોટમાં રમાશે. ટવેન્ટી-20 મેચ પછી દસમી, બારમી અને પંદરમી જાન્યુઆરીના ત્રણ વનડે મેચ રમશે. શ્રી લંકાના પ્રવાસ પછી ભારતના પ્રવાસે ન્યૂ ઝીલેન્ડ આવશે.
ન્યૂ ઝીલેન્ડ ભારતના પ્રવાસે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવશે, જ્યારે પહેલી ત્રણ વનડે પૈકી પહેલી હૈદરાબાદ (18), બીજી રાયપુર (21) અને ત્રીજી વનડે ઈન્દોર (24)માં રમાશે. ત્રણ ટવેન્ટી-20 મેચ રાંચી, લખનઊ અને અમદાવાદમાં રમાડવામાં આવશે. ન્યૂ ઝીલેન્ડના પ્રવાસ પછી ભારતના પ્રવાસે ઓસ્ટ્રેલિયા આવશે, જે ફેબ્રુઆરી અને માર્ચમાં ચાર ટેસ્ટ, ત્રણ વન-ડે મેચ રમશે. નવમીથી 22મી માર્ચ વચ્ચે ઓસ્ટ્રેલિયા ભારત સાથે રમશે. આઈપીએલનું આયોજન એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા છે, ત્યાર બાદ ભારતના પ્રવાસે વેસ્ટ ઈન્ડિઝ આવશે, જે જુલાઈ-ઓગસ્ટ સુધી ભારત સાથે બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટવેન્ટી-20 મેચ રમશે. આ ઉપરાંત, એશિયા કપનું સપ્ટેમ્બર મહિનામાં આયોજન કરવામાં આવશે, પરંતુ તેનું શિડયુલ નથી. સપ્ટેમ્બર મહિના પછી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા જશે ત્યાર બાદ ઓક્ટોબરથી નવેમ્બર સુધી વર્લ્ડ કપ રમાડવામાં આવશે. વર્લ્ડ કપ ભારતમાં યોજાશે અને 48 મેચો રમાશે. નવેમ્બર-ડિસેમ્બરમાં ભારત ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જે ત્યાં પાંચ ટવેન્ટી-20 મેચ રમશે.