શિક્ષકોની ભરતી કૌભાંડ: બંગાળના પ્રધાનની ધરપકડ

દેશ વિદેશ

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના હાલના ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન પાર્થ ચેટરજીની શિક્ષકોની ભરતીમાં કૌભાંડ આચરવા બદલ શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ કૌભાંડ આચરવામાં આવ્યું ત્યારે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સેક્રેટરી જનરલ પાર્થ ચેટરજી શિક્ષણ પ્રધાન હતા. ૨૬ કલાકની સઘન પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ઇડીએ પાર્થ ચેટરજીના નજીકના મનાતા અર્પિતા મુખરજીની પણ અટકાયત કરી હતી જેમના ઘરેથી ૨૧ કરોડની રોકમ મળી આવી હતી.
‘અમે શુક્રવાર સવારથી શરૂ કરેલી ચેટરજીની પૂછપરછ દરમ્યાન તેઓ અમારા અધિકારીઓને સહકાર ન હોતા આપી રહ્યા, એમ પણ એક ઇડી અધિકારીએ જણાવ્યું હતું.
ચેટરજીને ઇએસઆઇ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનો મેડિકલ ચેક-અપ કરવામાં આવ્યો હતો.
બીજી બાજુ ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે જણાવ્યું હતું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને યોગ્ય સમયે અમારું નિવેદન આપીશું. વિધાન સભાના સ્પીકર બિમન બેનરજીએ કહ્યું હતું કે વિધાનસભ્યની ધરપકડ કરતા પહેલા ઇડીએ સ્પીકરને જણાવવું જોઇએ. આ એક બંધારણીય પ્રણાલિકા છે, પણ તેમને આ ધરપકડ બાબતે કોઇ પણ જાતની સૂચના મળી ન હતી.
ચેટરજી ૨૦૧૪થી ૨૦૨૧ના સમયમાં રાજ્યના શિક્ષણ પ્રધાન હતા. અગાઉ એપ્રિલ અને મે મહિનામાં પણ તેમની સીબીઆઇ દ્વારા પૂછપરછ થઇ હતી. વિરોધી પક્ષ ભાજપે પણ આ બાબતે મુખ્ય મંત્રી ખુલાસો કરે એવી માગ કરી છે.
‘મુખ્ય પ્રધાને નિવેદન બહાર પાડીને આ ધકપકડ બાબતે સ્પષ્ટતા કરવી જોઇએ. ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે એ બતાવે છે કે તૃણમૂલ કૉંગ્રેસ પક્ષ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે.’ એમ ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ દિલીપ ઘોષે જણાવ્યું હતું. બીજેપીના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારે કટાક્ષ કરતા કહ્યું હતું કે ચેટરજીની ધરપકડ ‘વિકાસનું બંગાળ મૉડેલ’ દર્શાવે છે. ૨૧ કરોડ મળી આવ્યા એ તો ફક્ત હીમશિલાની ટોચ સમાન છે.
હૉસ્પિટલમાં તપાસ બાદ બહાર આવી રહેલા પાર્થ ચેટરજીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમનો મુખ્ય પ્રધાન મમતા ચેટરજી સાથે સંપર્ક થયો હતો કે કેમ, તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મેં પ્રયત્ન કર્યો હતો પણ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.
હૉસ્પિટલના ચેક-અપ પછી તેમને કોર્ટમાં લઇ જવાયા હતા જ્યાંથીં તેમને બે દિવસ માટે ઇડીની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.