પાંચેક વષર્ના લાંબા ગાળા બાદ આખરે રાજ્ય સરકારે શિક્ષકો માટે લેવામાં આવતી એન્ટ્રેન્સ ટેસ્ટની જાહેરાત કરી હતી . આગામી એપ્રિલ મહિનાના મધ્યમાં પરીક્ષા યોજાશે. TET-1 અને TET-2ની પરીક્ષા અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
મળતી માહિતી અનુસાર TET-1 16 એપ્રિલના રોજ લેવાશે. જ્યારે TET-2 23 એપ્રિલના રોજ લેવાશે. ઉલ્લેખનીય છે કે, TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે. TET-1નું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો…
ગુજરાતમાં વર્ષે દહાડે હજારો વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે ભણીગણીને બહાર પડે છે. મોટા ભાગના નછૂટકે ખૂબ જ ઓછા પગારે ખાનગી સ્કૂલોમાં નોકરી કરી કે કોચિંગ ક્લાસમાં કામ કરી કમાય છે. જ્યારે બીજી તરફ સરકારી સ્કૂલોમાં હજારોની સંખ્યામા શિક્ષકોની જગ્યા ખાલી છે. શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલા ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.16/04/2023ના રોજ અને TET-2 કસોટી તા.23/04/2023ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે 87 હજાર અને TET-2 માટે અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો કસોટી આપશે. જોકે ટેસ્ટ લીધા બાદ પણ સરકારી ભરતી માટે તેમણે લાંબો સમય રાહ જોવાની રહે છે.
સરકારની આ જાહેરાત કોંગ્રેસે કરેલી ટીકાના થોડા દિવસો બાદ થઈ છે. પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના સિનિયર લીડર અર્જુન મોઢવાડિયાએ 3 માર્ચે ટ્વિટ કરીને TET-1/2ની પરીક્ષા મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં 5 વર્ષથી TET-1/2 પરીક્ષા લેવાઈ નથી. B.Ed પાસ 3 લાખ યુવા બેરોજગાર છે. ચૂંટણી પહેલા રાજકીય લાભ ખાટવા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નવી સરકાર બન્યાના 3 મહિના થયા છતાં પરીક્ષાનો અત્તોપત્તો નથી. ભાજપ સરકાર યુવાઓના ભવિષ્ય સાથે રમત રમવાનું બંધ કરે, પરીક્ષાની જાહેરાત કરે.