ચા… ભારતીયો માટે તો જાણે એનર્જી ડ્રિન્ક છે આ ચા. આપણે ત્યાં ચાપ્રેમીઓની જરાય કમી નથી અને આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમની સવાર ચા વગર પડતી જ નથી અને તેમના દિવસનો અંત પણ ચાથી જ થાય છે. ચા પીવાનો ભલે કોઈ ચોક્કસ સમય ના હોય પણ સમય પર ચા તો પીવા મળવી જ જોઈએ એ ચાપ્રેમીઓ માટે બ્રહ્ર વાક્ય છે. આ વાક્ય પરથી જ ફલિત થાય છે કે ચા પ્રેમીઓ કોઈ પણ સમયે ચા પી જ શકે છે.
માત્ર ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં ચા અને ચા પ્રેમીઓ જોવા મળી જ જાય છે. ભારત કરતાં પણ અન્ય દેશોમાં ચાનું પુષ્કળ સેવન કરવામાં આવે છે અને હવે અમે જે વાત કહેવા જઈ રહ્યા છીએ એ જાણીને કદાચ તમને આંચકો લાગશે કે ભારતમાં આટલા મોટા પ્રમાણમાં ચા પ્રેમીઓ હોવા છતાં પણ દુનિયામાં જ્યારે સૌથી વધુ ચા પીનારા દેશોની વાત થતી હોય ત્યારે એમાં ભારતનો નંબર ટોપ થ્રીમાં નથી આવતો. ટોપ ફાઈવમાં છેક પાંચમા નંબર પર આવે છે ભારતનો નંબર.
હવે આ વાત જાણ્યા પછી તમને 100 ટકા ચટ્ટપટ્ટી થઈ રહી હશે કે તો પછી આખરે સૌથીવધારે ચા પીનાર દુનિયાનો નંબર વન દેશ છે કયો? તમારી આ ઉત્સુક્તાને સંતોષતા જણાવી દઈએ હાલમાં જ પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર દુનિયામાં સૌથી વધુ ચા પીનારા દેશમાં તૂર્કેયનો નંબર પહેલો આવે છે. તૂર્કેય ખાતે 10માંથી 9 જણ એટલે કે 90 ટકા લોકો ચા પીવે છે. આ યાદીમાં ભારતનો નંબર પાંચમો છે. 72 ટકા ભારતીયો જ ચાની ચૂસકીનો સ્વાદ માણે છે.
ચાના ઉત્પાદનની વાત કરીએ તો કેન્યા એ ચાનો પ્રમુખ ઉત્પાદક અને નિકાસ કરનાર દેશ છે. દેશમાં 83 ટકા લોકો નિયમિતપણે ચા પીવે છે. જ્યારે ભારતની વાત કરીએ તો આપણે ત્યાં નોર્થ ઈસ્ટમાં મોટા પાયે ચાનું ઉત્પાદન કરવામાં આવે છે.