અરે બાપરે! મુંબઈના ટેક્સી-રિક્શાચાલકોની બેમુદત હડતાલ પર ઊતરવાની ચીમકી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના 48,000 થી વધુ ટેક્સી ડ્રાઈવરો અને બે લાખ ઓટોરિક્ષા ડ્રાઈવરોએ ગુરુવાર ૧૫ સપ્ટેમ્બરથી પોતાની જુદી જુદી માગણી સાથે બેમુદત હડતાલ પર ઊતરી જવાની ચીમકી આપી છે. ટેક્સી ડ્રાઈવરોએ ટેક્સીના લઘુતમ ભાડામાં ૧૦ રૂપિયાનો વધારો કરવાનાી માગણી કરી છે. મુંબઈમાં હાલ ટેક્સીનું લઘુતમ ભાડું ૨૫ રૂપિયા છે. ટેક્સીવાળાની આ હડતાળમાં રિક્ષાવાળા પણ જોડવાના છે.
ભાડામાં વધારો કરવા માટે મુંબઈ ટેક્સીમેન યુનિયન તરફથી સતત માગણી કરવામાં આવી રહી છે. યુનિયને અગાઉ શિંદે સરકારને ભાડામાં વધારો કરવાની માગણી કરી હતી, પરંતુ આ માગણીઓ પર સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. તેથી નાછૂટકે ટેક્સીવાળાઓએ હડતાળની ધમકી આપી હોવાનું કહેવાય છે.
મંગળવારે પોતાની માગણી સાથે ટેક્સી યુનિયનના પદાધિકારીઓનું એક મંડળ સરકારી અધિકારીઓની મુલાકાત લેવાનું છે. આ મુલાકાત દરમિયાન ભાડામાં વધારા બાબતે કોઈ નિર્ણય નહીં લીધો તો હડતાળ પર ઊતરવાનું નક્કી માનવામાં આવે છે. ટેક્સીવાળા ૧૫ સપ્ટેમ્બરથી બેમુદત હડતાળ પર ઊતરી જવાના છે. એ બાબતે મુંબઈ ટેક્સીમેન યુનિયનના જનરલ સેક્રેટરી અલ-ક્વાર્ડસે કહ્યું હતું કે ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને કારણે ટેક્સીવાળાને હવે પરવડતું નથી. તેથી લાંબા સમયથી ભાડામાં વધારો કરવાની માગણી કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર અમારી માગણી તરફ સતત દુર્લક્ષ કરી રહી છે. તેથી નાછૂટકે અમારે બેમુદત હડતાળ પર ઊતર્યા સિવાય કોઈ છૂટકો નથી. અલ-ક્વાર્ડસે વધુમાં કહ્યું હતું કે સી.એન.જી.ના વધતા દરને કારણે ટેક્સીવાળાને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ઈંધણના વધતા ભાવ સામે હાલનું ટેક્સીનું ભાડું અત્યંત ઓછું છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.