અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ અમેરિકાએ ચીનની આ હરકતને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસે ભારત-ચીન સરહદ પર અથડામણ અંગે કહ્યું કે, ભારત અમેરિકાનું વ્યૂહાત્મક સાથીદાર છે. અમે ભારત સાથે સતત સંપર્કમાં છીએ. અમેરિકા સરહદ બદલવાના કોઈપણ એકતરફી પ્રયાસનો વિરોધ કરે છે.
અમેરિકાએ કહ્યું કે તે ભારતની સાથે છે. ચીન ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે છે. અમેરિકા હંમેશા તેના મિત્ર દેશોની સાથે રહેશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ તંત્ર ખુશ છે કે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં અથડામણ પછી તરત જ ભારત અને ચીન બંને પાછા હટી ગયા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વ્હાઇટ હાઉસના મીડિયા સેક્રેટરી કરાઈન જીન-પિયરે કહ્યું કે અમેરિકા બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. અમે વિવાદિત સરહદો પર ચર્ચા કરવા માટે દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ અનુરોધ કરીએ છીએ.
પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી પેટ રાયડરે કહ્યું કે, “યુએસએના ધ્યાનમાં છે કે ચીન એલએસીના વિસ્તારમાં સૈનિકોનો જમાવડો કરી રહ્યું છે અને સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહ્યું છે. ભારતના શાંતિ બનાવી રાખવાના પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.”
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ મંગળવારે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં બંને દેશોના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ ભારત-ચીન સરહદે તણાવ ઓછો કરવા માટે આહ્વાન કર્યું હતું.