અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે સંસદમાં નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે, ‘9મી ડિસેમ્બરે તવાંગમાં ચીન દ્વારા યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અથડામણ થઈ હતી. ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક PLAને આપણા ક્ષેત્ર પર અતિક્રમણ કરતા અટકાવ્યું અને તેમને તેમની ચોકીઓ પર પાછા જવાની ફરજ પાડી. અથડામણમાં બંને બાજુના કેટલાક સૈનિકોને ઈજાઓ થઈ છે.”
રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, “હું આ ગૃહને ખાતરી આપવા માંગુ છું કે આપણા કોઈપણ સૈનિકનું મૃત્યુ થયું નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી.” રક્ષા પ્રધાને કહ્યું કે આ ઘટના બાદ ચીની પક્ષને આવી કાર્યવાહી ન કરવા માટે સમજાવવામાં આવ્યું અને સરહદ પર શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ મુદ્દો ચીન સાથે રાજદ્વારી સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે.
રાજનાથ સિંહે કહ્યું કે ભારતીય સેનાના કમાન્ડરોની તત્પરતાના કારણે પીએલએના સૈનિકો તેમની ચોકીઓ પર પાછા ફર્યા. તેમણે કહ્યું કે આ ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરોએ 11 ડિસેમ્બરે ફ્લેગ મીટિંગ કરી હતી અને ઘટના અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
સંરક્ષણ પ્રધાને કહ્યું કે “હું આ ગૃહને ખાતરી આપવા માંગુ છું કે આપણા સૈન્ય દળો દેશની અખંડિતતાની રક્ષા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને વિશ્વાસ છે કે આ ગૃહ સૈન્ય દળોની બહાદુરી અને હિંમતને એક સ્વરમાં સમર્થન આપશે.”