ભક્તિ, શક્તિ, સૌંદર્યનો ત્રિવેણી સંગમ: ‘તરણેતરનો મેળો’

ઇન્ટરવલ

તસવીરની આરપારન- ભાટી એન.

ચોમાસામાં ખાસ કરી શ્રાવણ, ભાદરવા માસમાં મેળાની મોસમ છલકે છે…! હૃદયાનુભૂતિને શાતા આપવા મેળાનું મનોરંજન જન ગણ મનને પાવનકારી બનાવી લોક પ્રીતિની રસ નિષ્પતિની અભિવ્યક્તિ થાય. મેળાની ધૂપ સુગંધ જનસામાન્યમાં ઇશ્ર્વરભક્તિ, પ્રેમભક્તિ, સંસ્કૃતિભક્તિ, વેશભૂષાભક્તિના કર્તવ્ય પ્રેમનું ચેતો વિસ્તારમાં વલોણું થાય છે…! મેળાની રસતૃપ્તિ માનવીના અભિન્ન અંગમાં ટહુકા કરી લોકભાષાના ચરખામાં વણાટકામ થાય. શિથિલતા આવેલ ચારિત્ર્યમાં તેજસ્વિતા, ઓજસ્વિતાના પ્રકાશપુંજ પ્રજજવલિત થાય. માનવીને ઉત્કર્ષતા હરસના મીઠા ઝરણાંની વીરડીનું રસાનુભૂતિ, મંગલકારી સત્સંગ શિવભક્તિનું સંગમતીર્થ દૃષ્ટિવંત દીસે છે. ત્રિનેત્રેશ્ર્વર મહાદેવને લોકભાષામાં બોલવું સુગમ પડે એટલે લોકબોલીમાં ‘તરણેતર’થી પ્રચલિત છે. ત્યાં જગત વિખ્યાત ‘તરણેતરનો મેળો’ જન-સામાન્યનું પ્રતિનિધિત્વ કરે છે…! આ મેળો સપ્તરંગી મેઘધનુષ્ય ચીતરે છે…! તેની રંગભીની મુલાકાત અંતરાત્માથી સાક્ષીભાવે માણો.
‘તરણેતરનો મેળો’ શું પ્રેમભક્તિનો મેળો છે…!? ‘જી. હા…!’ આ મેળો યૌવનના હિલોળે જુઓ તો કોઇનો સાથ ઝંખે છે…! તેમાં પણ ચાર આંખ્યું ભેગી થાય ને મરક… મરક…હસતા મસ્તીમાં લાગણીની છોળે ઝૂલતા ચાર… ચાર… દિવસ સુધી આ મેળામાં મહાલે છે. સાથે હરે ફરે છે. તેથી યુવાન છોકરા-છોકરી વચ્ચે સામાજિક સંપર્ક તાજો થાય છે…! સૌરાષ્ટ્રની આ ભૂમિમાં રંગ વૈવિધ્યભર્યા વેશ પરિધાન અહીં નીરખવા મળે છે…! લોક સંસ્કૃતિના પ્રતીકસમા લોકકળા અને લોકસાહિત્યનાં અહીં દર્શન થાય છે. તરણેતરનો આ વિશાળ લોકમેળો લોકજીવનને આનંદથી મઘમઘતું બનાવી સાધકોને આધ્યાત્મિક આનંદ આપે છે. ભૌતિકવાદીઓને સૌંદર્યાનુભૂતિ કરાવી દૈહિક સુખ આપે છે. આ મેળો ભક્તિ, શક્તિ અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ છે. લોકઊર્મિની અભિવ્યક્તિનું સહિયારું સ્થાન છે. ભરવાડ, રબારી, કોળી કોમનાં સ્ત્રી-પુરુષોનાં રાસ દાંડિયા રાસ, હુડો રાસ, ટિટોડો જેવાં લોક-નૃત્યો માત્ર આ મેળામાં જ જોવા મળે છે.
‘હાલો જુવાનિયા તરણેતરને મેળે જો, તરણેતરિયો મેળો જોવાની જુગતિ.
ગુજરાતના ત્રણ જગવિખ્યાત મેળા જૂનાગઢનો શિવરાત્રિનો મેળો, માધવપુરનો મેળો, અને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક તરણેતર મહાદેવનો મેળો. ભાદરવા સુદ-૩ ને તા. ૩૦-૮-૨૨થી તા. ૨-૯-૨૨ ભાદરવા સુદ-૬ ટોટલ ચાર દિવસનો ભવ્યતાતિભવ્ય મેળો વિશ્ર્વ વિખ્યાત ભરાય છે. આ મેળામાં ઋષિ પંચમીએ ગંગા પ્રગટે છે…! અને તેના કુંડમાં સ્નાન કરવાથી બધા પાપો નાશ પામે છે તેવી લોકોમાં શ્રદ્ધા-વિશ્ર્વાસ છે. પાંડવો અરણ્યમાં ગુપ્તવેશે રહેતા હતા. આજે મંદિર ફરતા કુંડ છે તેમાં ઊભા રહી અર્જુને મત્સ્યવેધ કર્યો હતો અને દ્રૌપદીને વર્યા હતા. અહીં ગાઢ અરણ્ય હતું…! ઋષિ મુનિઓ તપ કરતા હતા. આ મંદિર ચૌદમી સદીમાં સોમપુરા શિલ્પીઓએ કળાત્મક શૈલીમાં મંદિર બનાવે છે. એટલે કે ૬૦૦ વર્ષ પુરાણું આ મંદિર છે. અને ૧૮૦૬માં આ મંદિરનો ર્જીણોદ્ધાર થયો હતો. મંદિરમાં ફૂલવેલ, ફ્રીહેન્ડ ડિઝાઇન કાબિલે તારીફ છે. તો વેલકમ તરણેતરના મેળાની મોજુ માણવા પધારો.
તસવીર : આલેખન ભાટી એન.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.