તર્કથી અર્ક સુધી-જિજ્ઞેશ અધ્યારુ
ચૌદમી પંદરમી સદીની મધ્યમાં જ્યારે સમગ્ર ઉત્તર ભારત મુસ્લિમ શાસકો હેઠળ હતું, જ્યારે ઓરિસ્સા હિન્દુત્વના ઉચ્ચતમ શિખરે હતું. ઊડિયા શાસકોએ પોતાની સ્વતંત્રતાનો ધ્વજ ફરકતો રાખ્યો હતો. દક્ષિણ ભારતના હિન્દુ રાજાઓ અને ઉત્તર ભારત તથા એ સામેના બંગાળના મુસ્લિમ શાસકો સામે તે અડીખમ રહ્યું હતું. પુરી, ભુવનેશ્ર્વર અને કોણાર્કનાં ભવ્ય સ્થાપત્યો હતા જે આજે પણ અદ્વિતીય છે, પરંતુ તેમની પાસે પોતાનું કહી શકે એવું, પોતાની ભાષાનું સાહિત્ય નહોતું!
સંસ્કૃતમાં લખાયેલ રામાયણ અને મહાભારત જેવાં અદ્ભુત મહાકાવ્યો હજારો વર્ષો સુધી અનેક પ્રાંતોની પોતાની ભાષાઓમાં રૂપાંતરિત થતાં રહ્યાં. હું એને અનુવાદ નહીં કહું કારણ કે જે તે વિસ્તારની પોતાની અનેક આગવી વાતો, રૂઢિઓ અને સમાજજીવનની છબી એમાં ઝીલાઈ છે. કર્ણોપકર્ણ ચાલી આવતી આપણી પ્રવાહી પરંપરામાં પણ આ વાતો ઘણી બદલાઈ અને વિસ્તાર પ્રમાણે એના તદ્દન નવા જ સંસ્કરણ આપણને મળ્યા. આવા સમયે ઓરિસ્સાના સાહિત્યમાં અદ્વિતીય યોગદાન આપ્યું શુદ્ર કવિ સારલા દાસે ઊડિયા મહાભારતની રચના કરીને.
ઉત્કલ પ્રદેશ એટલે કે ઊડિયા ભાષાના કવિ સારલા દાસે લખેલ મહાભારત એકદમ અનોખું છે. એની વાર્તા, એના પ્રસંગો અને પાત્રોનું ચિત્રણ મહર્ષિ વ્યાસના મહાભારતથી ખૂબ અલગ પડે છે. અને એ ભિન્નતા જ સારલા દાસના મહાભારતને આગવું સૌંદર્ય બક્ષે છે.
જે ઓરિસ્સામાં કટક પાસે એક નાનકડા ગામમાં રહેતા હોવાનું મનાય છે તે ઊડિયા મહાભારતના આ સર્જકનું સાચું નામ સારલા નથી, સારલા દાસ એ તો એ વિસ્તારની પૂજનીય દેવી સારલાના ભક્ત તરીકેની તેમની ઓળખ છે. પણ તેમણે પોતાના મહાભારતમાં એ જ નામ રહેવા દીધું છે અથવા તો એમ કહો કે એ જ નામે ઊડિયા મહાભારત ઓળખાય છે. તેમનું સાચું નામ સિદ્ધેશ્ર્વર પરીદા હોવાનું વિદ્વાનો માને છે. ઇ. સ. ૧૫૦૦ ની આસપાસ તેમણે આ મહાભારતની રચના કરી હોવાનું મનાય છે. તેમનો સમય સૂર્યવંશના મહારાજ કપિલેન્દ્ર દેવના રાજ્યનો હતો. યુદ્ધો સમાજજીવનનો અભિન્ન ભાગ હતા. સારલા દાસનું બાળપણ અને યુવાની અખાડામાં યુદ્ધ કૌશલ્ય વિકસાવવામાં અને પોતાના ખેતરે ખેતી કરવામાં વીત્યું હોવાનું કહેવાયું છે. સારલા મહાભારતના યુદ્ધનાં વર્ણનો એટલે જ અદ્વિતીય મનાય છે કારણ કે સર્જકનો પોતાનો અનુભવ તેમાં ઝળકે છે. તો ભીષ્મ જ્યારે યુધિષ્ઠિરને રાજ્ય કરવાની રીત શીખવે એ સમયે ખેતીની વાતોમાં સારલા દાસ અત્યંત ઊંડા ઊતરે છે, પાક કંઇ રીતે લણવો કે જમીનનું માપ કેવી રીતે લેવું જેવી વિગતો ભીષ્મ યુધિષ્ઠિરને કહે છે, એ સારલા દાસની પોતાના વિષયની પ્રવીણતા અને સમજ દેખાડે છે. ખેડૂતોને સારલા મહાભારતમાં અત્યંત ઉચ્ચ સ્થાન અપાયું છે અને યુદ્ધ કૌશલ્યનો મહિમા કરાયો છે. અને પોતે કવિ છે એટલે સારલા દાસએ સર્જકનો પણ મહિમા ગાયો છે.
એ સમયે ઊડિયા ભાષા અસ્તિત્વમાં તો હતી પણ એ પ્રાથમિક અવસ્થામાં હતી એમ વિદ્વાનો માને છે, એનું વ્યાકરણ વગેરે અત્યારે છે એટલું વિકસિત ન હતું, અને વળી કવિ સારલા દાસ ગ્રામ્ય પરિવેશમાંથી આવતા હોવાને લીધે ભાષાકીય ભિન્નતાઓ પણ ખરી એમ લોકસાહિત્ય સંશોધક ડૉ. મહેન્દ્રકુમાર મિશ્રાનું માનવું છે.
સંસ્કૃત અને ઊડિયા ભાષાના મહાભારત ખૂબ ભિન્ન છે એના બે મુખ્ય કારણોમાં પહેલું સ્થળ અને સમયની ભિન્નતા છે. મહર્ષિ વ્યાસે જે સમયે મહાભારતનું સર્જન કર્યું એનાં હજારો વર્ષો પછી સારલા દાસે મહાભારતનું સર્જન કર્યું હતું એટલે એમાં સમયની ભિન્નતા હોવી સ્વાભાવિક છે, વળી ઓરિસ્સા વિસ્તારની વિશેષતાઓ એ વાર્તામાં વણાઈ જાય એ પણ સમજી શકાય એમ છે. સારલા દાસે લખેલા મહાભારતના અઢાર અધ્યાય આખી પ્રસંગધારા સમાવે છે પણ એના સ્વતંત્ર પ્રસંગો ખૂબ અલગ છે. વળી એમ પણ કહી શકાય કે ભલે ઊડિયા મહાભારત સારલા દાસે રચ્યું પણ એની પાછળ અનેક પેઢીઓની કર્ણોપકર્ણ પરંપરાનો, એ વિસ્તારના લોકજીવનનો અને રૂઢિઓનો ફાળો ઓછો નહીં જ હોય. એ રીતે ઊડિયા મહાભારત ફક્ત સારલા દાસનું નહીં, પરંતુ એ આખા વિસ્તારના લોકજીવનનું પ્રતિનિધિત્વ કરે છે.
સારલા દાસનું મહાભારત પેઢી દર પેઢી વહેતું રહ્યું અને લોકોની યાદશક્તિમાં સચવાઈ રહ્યું એમાં એની લોકભોગ્ય શૈલી અને રસપ્રદ વાર્તાતત્ત્વનો ફાળો મોટો છે. વળી એ સમયે આ કથાઓ સમાજજીવનમાં સામૂહિક સંસ્કાર પ્રસ્થાપિત કરવા પણ વપરાતી હતી. લોકબોલીમાં ઓરિસ્સાના દાંડી વૃત્તમાં લખાયેલ આ મહાભારત એટલે જ અત્યંત લોકભોગ્ય થઈ પડ્યું અને એ વિસ્તારના ઘરે ઘરે એ પહોંચ્યું. સારલા દાસે દોઢસોથી વધુ પ્રચલિત ઊડિયા લોકકથાઓને પણ આ મહાભારતમાં સાંકળી લીધી. આમ ઊડિયા મહાભારતનું જે આગવું કથાનક એને વિશેષ બનાવે છે એમાં એ વિસ્તારની પોતાની કથાઓનો પણ ફાળો છે. લોકકથાઓ – લોકગીતો ગણાતી સામગ્રીનો ઉપયોગ સારલા મહાભારતને પ્રસરાવવામાં કારણભૂત થયો હશે એમ વિદ્વાનો માને છે.
સારલા મહાભારતમાં શ્રીકૃષ્ણ સંસ્કૃત મહાભારતના શ્રી કૃષ્ણથી એકદમ અલગ છે. પુરી જગન્નાથ મંદિર સદીઓથી અખંડ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. એના પ્રભાવ રૂપે સારલા મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુનો નહીં પણ ભગવાન જગન્નાથનો અવતાર છે. સારલા દાસના શ્રીકૃષ્ણ માનવસહજ નબળાઈઓ ધરાવે છે. અહીં કથામાં રાધાજી પણ છે. આ કથામાં મૃત્યુ પછી શ્રીકૃષ્ણના અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે એ શરીરને અગ્નિ પૂર્ણપણે બાળી શકતો નથી. એને સમુદ્રમાં વહાવી દેવામાં આવે છે અને એ સમયાંતરે લાકડું બની ભગવાન જગન્નાથની પ્રતિકૃતિ થઈ જાય છે. આમ કથાને અંતે શ્રીકૃષ્ણ અને ભગવાન જગન્નાથનું ઐક્ય દર્શાવાયું છે. કૃષ્ણ અહીં અવતાર કાર્ય કરીને એમ દર્શાવે છે કે સ્વયં ઈશ્ર્વર પણ કર્મબંધનથી મુક્ત નથી અને એટલે માનવસહજ નબળાઈઓને લીધે થયેલા પાપને બદલે તેમણે પણ મૃત્યુની યાતના ભોગવવી પડી છે. કૃષ્ણ અહીં માનવીય છે અને એટલે લોકો તેમની સાથે સહજતાથી સંકળાઈ જાય છે.
કટક પાસે ઝાંખડા ગામમાં તેમની સમાધિ છે જે અત્યારે એક મહત્ત્વપૂર્ણ યાત્રાધામ ગણાય છે. ઉ