સ્વચ્છ, મનોરંજક છતાં શ્રદ્ધાને અક્ષુણ્ણ રાખી આનંદનો અનુભવ કરાવતી ફિલ્મ: કાર્તિકેય-૨

ઇન્ટરવલ

તર્કથી અર્ક સુધી-જિજ્ઞેશ અધ્યાર
‘કાર્તિકેય-૨’ ફિલ્મની આજે ચોતરફ ચર્ચા છે. મોટી ફિલ્મો ન ચાલી ત્યાં નાના બજેટની આ પ્રાદેશિક ફિલ્મે સારી એવી સંખ્યામાં લોકોને પોતાની તરફ આકર્ષ્યા છે, પણ એનું કારણ શું? એમાં શ્રીકૃષ્ણની કે ધર્મની વાત છે એટલે? આખા પરિવાર સાથે બેસીને માણી શકાય એવી સ્વચ્છ ફિલ્મ છે એટલે? બીજી ફિલ્મો નબળી પડવાને લીધે અને તહેવારોમાં લોકો પાસે સિનેમાનો કોઈ અન્ય વિકલ્પ ન હોવાથી એ સફળ થઈ? જવાબ છે ના. ફિલ્મની આ ધમધોકાર સફળતાના મૂળમાં છે લોકોને જે જોવું-સાંભળવું છે એ આપવાની અને કોઈ ભેળસેળ વગર સ્પષ્ટતાપૂર્વક મૂકવાની આવડત, વાર્તા પ્રત્યેની નિષ્ઠા અને લોકોની નાડ પારખવાની કળા.
શ્રીરામ, મહાદેવ અને શ્રીકૃષ્ણ કોઈ માઇથોલજી (પૌરાણિક/કાલ્પનિક કથાઓ) નહીં, પણ આપણો ઈતિહાસ છે, એ બધા મહામાનવો આ પૃથ્વી પર જન્મીને અસાધારણ જીવન જીવી ગયેલા લોકો છે એ સમજણ આ ફિલ્મનો મૂળભૂત તાંતણો છે. દ્વારિકાના વસવાની, શ્રીકૃષ્ણના જીવનકાળની અને એમના દેહવિલયની ઘટનાને, દ્વારિકાના જળમગ્ન થવાની કથાને સાંકળીને એક સરસ મજાની કથા કહેવાઈ છે.
ઈશ્ર્વર પ્રત્યે ગુસ્સો વ્યક્ત કરતાં, પોતાની અધૂરી અપેક્ષાઓને લઈને તેમની પાસે સતત ફરિયાદ કરતાં, પૂજાવિધિઓમાં અને શ્રદ્ધાળુઓની માન્યતાઓમાં તર્ક શોધી વ્યાવહારિક દલીલો મૂકતાં અને એમ એ વિધિઓને નકારતાં અનેક પાત્રોને આપણે સિનેમાના પડદે જોયાં છે. ક્યારેક એ ઈશ્ર્વરની અવમાનના કરવા સુધી પણ પહોંચી જાય છે; તો પણ સર્વસમાવેશક સનાતન પરંપરાની બૃહદ વિચારસરણીએ પોતાની વાત મૂકવાનો અવસર બધાને આપ્યો જ છે. એક સમયે જ્યારે ‘જય સંતોષી મા’ જેવી ફિલ્મો અઢળક નાણાં રળી આપતી અને લોકો સિનેમાઘરોમાં ફૂલહાર, અગરબત્તી અને નારિયેળ લઈને જતાં ત્યાંથી અત્યારે જેનો વિરોધ થાય છે એવી ફિલ્મો સુધી એક લાંબી સફર આપણે જોઈ છે. ‘બાહુબલી’માં નાયકે ખભે ઉપાડેલું શિવલિંગ હોય કે કૃષ્ણના સુંદર એનિમેશન દર્શાવતી ‘કાર્તિકેય-૨’ ફિલ્મ હોય, લોકોને જે ગમે છે એને હાથોહાથ વધાવી જ લે છે અને એમ કરવામાં ભાષા, પ્રદેશ કે માન્યતાઓની મર્યાદા નડતી નથી.
અહીં ‘કાર્તિકેય-૨’ વિશે કોઈ ભેદ ખોલવા નથી કે નથી એની વાર્તા કહેવી. વાત મૂકવી છે ફિલ્મ સાથે ચાલતા એક આંતરપ્રવાહની જે છે આસ્થાનો પ્રવાહ. અનેક ક્ષણો એવી છે જેમાં શ્રદ્ધાળુઓના હાથ આપોઆપ જોડાઈ જાય. આપણા માટે જે પૂજ્ય છે એ શ્રીકૃષ્ણનું આવું સરસ ચિત્રણ આહ્લાદક લાગે છે. દક્ષિણના એક ફિલ્મકારે કરેલું દ્વારિકાનાં અનેક સ્થળોનું સુંદર ચિત્રણ અને કથામાં અગત્યના હોવાથી સંકળાતાં એ સ્થળોનો આગવો સંદર્ભ જોવો ગમે એવું છે.
ફિલ્મમાં ગાંધારીના શ્રાપને લીધે સમુદ્રમાં વિલીન થતી દ્વારિકા, કૃષ્ણ અને ઉદ્ધવના સંવાદો વગેરેનાં અદ્ભુત દૃશ્યો છે. ફિલ્મ એક મુસાફરી છે, રહસ્યને શોધવા નાયક મુસાફરી કરે છે, એ તો સ્થૂળ વાત થઈ, પરંતુ એની સાથે પ્રેક્ષકો પણ એક મુસાફરી કરે છે, એ સફર આસ્થાની છે. અનેક સ્થળોની, અનેક ઘટનાઓની મુસાફરી છે! દક્ષિણની ફિલ્મો એટલે ચાલે છે
કે એ આપણી મૂળભૂત ભાવનાઓનું સન્માન કરે છે; આપણી માન્યતાઓને નકારતા નથી. વાત અંધશ્રદ્ધાની નથી. આ ફિલ્મ પણ એટલે ચાલી છે કે એ શ્રીકૃષ્ણ સાથે, એમના સમયની ઘટનાઓ અને તથ્યો સાથે તર્કપૂર્ણ રીતે અનેક વસ્તુઓને સાંકળે છે જે ફિલ્મની વાર્તાને આગળ વધારે છે.
એક ચેનલની હમણાં જ પૂર્ણ થયેલી વેબશ્રેણી ‘વેસ્ટવર્લ્ડ’માં એક સંવાદ છે, ‘અંધકારમાં થોડો સમય રહ્યા પછી બધું એકદમ સ્પષ્ટ દેખાતું થાય છે.’ ફિલ્મમાં કહેવાયું છે કે આપણને દેખાતું નથી એનો અર્થ એમ નથી કે એનું અસ્તિત્વ નથી, શ્રીકૃષ્ણને ફક્ત ભગવાન છે એમ સમજી, કાલ્પનિક પાત્ર ગણી મનુષ્ય અને ધરતીથી અલગ ન કરો; એ સદેહે આ પૃથ્વી પર અવતરેલા પુરુષ છે જે અહીં જ લોકો વચ્ચે ઊછર્યા છે. એમની અપરિમિત વિચક્ષણતા, અપાર બુદ્ધિ, આગવા સિદ્ધાંતો અને અઢળક આવડતોને લીધે એ પૂજ્ય હોવા સુધી – ભગવાન બની જવાની હદે પહોંચ્યા છે.
એક સરસ સંવાદમાં અનુપમ ખેર કહે છે કે ‘ગીતા દ્વારા માર્ગ બતાવનાર એ ગુરુ છે, સમુદ્રની વચ્ચે દ્વારિકા નગર વસાવનાર આર્કિટેક્ટ છે, વાંસળીના નાદે ગાય અને ગોપીઓને બાંધી રાખનાર વિચક્ષણ સંગીતકાર છે, ધર્મ ખાતર યુદ્ધ કરો એમ કહેનાર વીર યોદ્ધા છે, પ્રજાને કોઈ અધૂરપ કે કષ્ટ ન હોય એવી વ્યવસ્થા કરનાર રાજા છે, પ્રકૃતિને સમજનાર ક્લાઇમેટોલોજિસ્ટ છે, કાબૂમાં ન કરી શકાય એટલા આર.પી.એમ.થી ફરતા સુદર્શન ચક્રને પોતાના વશમાં રાખી શકનાર અદ્વિતીય કાઇનેટિક એન્જિનિયર છે. કૃષ્ણની મહાનતાને કોઈ વ્યાખ્યાની જરૂર નથી, એમનામાં મહાનતા શબ્દને પોતાને વ્યાખ્યા મળે છે.
અંતે તો ફિલ્મ એ જ વાત કહે છે જે આપણે સૌ વર્ષોથી જાણીએ – માનીએ છીએ કે ભગવાનને પૂજવાથી વધારે એમને સમજવા જરૂરી છે; આપણે કાયમ ઈશ્ર્વરને ડરને બદલે સ્નેહથી પૂજ્યા છે. એટલે તો આપણી પરંપરાઓમાં લાલાજીને લાડ લડાવાય છે, તો અર્જુનને ગીતાજ્ઞાન આપતું દૃશ્ય આપણા સૌની આસપાસ સતત જોવા મળે છે. કૃષ્ણના વ્યક્તિત્વના ફક્ત એક પાસાને બહુ નજીકથી આ ફિલ્મ સ્પર્શે છે અને મને વિચાર આવે છે કે એમના જીવનમાં તો એટલાં બધાં આશ્ર્ચર્યો, એટલી બધી ભિન્ન ઘટનાઓ છે કે એમને પૂર્ણપણે પ્રસ્તુત કરી શકવાં અશક્ય છે. એમના જીવનમાં અનેક વિરોધાભાસો છે અને એ બધા મળીને એમને પૂર્ણ પુરુષોત્તમ બનાવે છે. પૂર્ણતાની એમની વ્યાખ્યા કાલ્પનિક નહીં, સહજતાથી સમજી ન શકાય, ગળે ન ઊતરે એવી છે એટલે એ ભગવાન છે.
કાર્યસાધકના પ્રાણ દરેક ક્ષણ મુસીબતમાં હોય છે, પરંતુ ઉદ્દેશ જ્યારે ઉત્તમ હોય, નિર્ણય નિ:સ્વાર્થ હોય, સંકલ્પ જ્યારે સમાજ કલ્યાણનો હોય ત્યારે મનુષ્યની અંદર માધવ જાગી ઊઠે છે.
વિવાદોમાં ઘેરાયેલી અનેક ફિલ્મોના આ સમયમાં ‘કાર્તિકેય’ પણ સરળતાથી વિવાદમાં ઘસડાઈ શકે, પણ એના નિર્માતાઓની શ્રદ્ધાએ ફિલ્મમાં ધર્મની દૃષ્ટિએ કોઈ ખામી નથી રહેવા દીધી. એક સ્વચ્છ અને મનોરંજક છતાં શ્રદ્ધાને અક્ષુણ્ણ રાખી આનંદનો અનુભવ કરાવતી આ ફિલ્મ અવશ્ય જોવી જોઈએ એમ મને લાગે છે, કદાચ શ્રીકૃષ્ણને આપણે એક નવા દૃષ્ટિકોણથી પણ જોઈ શકીએ!

1 thought on “સ્વચ્છ, મનોરંજક છતાં શ્રદ્ધાને અક્ષુણ્ણ રાખી આનંદનો અનુભવ કરાવતી ફિલ્મ: કાર્તિકેય-૨

  1. ખૂબ સરસ ભાષામાં અને બહુ તર્કપૂર્ણ રીતે ફિલ્મને વધાવવામાં આવી છે. અમુક વાક્યો, જેમ કે ‘મનુષ્યની અંદર માધવ જાગી ઉઠે છે’ મનને સ્પર્શી જાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.