તર્કથી અર્ક સુધીન-જિજ્ઞેશ અધ્યારુ

(ગયા અંકથી ચાલુ)
તમિલ રામાયણમાં કંબ તાટકાનું વિગતે વર્ણન કરે છે, અન્ય કોઈ ગ્રંથમાં આવું વર્ણન મળતું નથી. કંબ લખે છે કે તાટકા રામ-લક્ષ્મણ અને ઋષિ વિશ્ર્વામિત્ર એ ત્રણેયની સામે એમ ઉપસ્થિત થઈ જાણે અગ્નિજ્વાળાઓથી ભરેલો કોઈ પર્વત ત્યાં આવ્યો હોય. જ્યારે એ ચાલી આવી રહી હતી ત્યારે એનું ભયાનક વિશાળ એવું કદ હતું. એનાં નૂપુરધારી પગ નીચે દબાઈને પર્વત ધરતીમાં સમાઈ જવા લાગ્યા અને એ વિશાળ ખાડાઓમાં સમુદ્રનું પાણી ભરાઈ જવા લાગ્યું, તાટકાના હાથ ભયાનક વેગથી ધ્રૂજી રહ્યા હતા. રામાયણ ધારાવાહિકમાં રામાનંદ સાગરજીએ જે તાટકા બતાવી છે એ કંબ રામાયણના વર્ણનને આધારે જ લાગે છે. કંબ રામાયણમાં લખ્યું છે કે તાટકાનું ગુફા જેવું મુખ બંધ હતું. એના મુખના બંને છેડે બે લાંબા દાંત અર્ધચંદ્રોની જેમ બહાર નીકળી આવ્યા હતા. વિશાળ હાથીઓને પકડી, એમની સૂંઢને ગાંઠ મારી તાટકાએ એમનો હાર બનાવી પહેરી રાખ્યો હતો. એણે આવીને ભયાનક ગર્જના કરી જેથી દેવલોક, દસે દિશાઓ અને સાતેય લોક થરથરવા લાગ્યાં. પોતાના વિશાળ ત્રિશૂળને લઈ, ગુફા જેવું મોં ખોલી એ ત્રણેયને જોઈ કહેવા લાગી કે વનના બધા જ મનુષ્યોનો મેં આહાર કરી લીધો છે, હવે મનુષ્યો મળતા નથી એટલે મને સ્વાદિષ્ટ ભોજન મળી રહે એ માટે જ તમે ત્રણેય અહીં આવ્યા છો. એમ કહી એ ત્રિશૂલ લઈ આ ત્રણેય તરફ દોડી. શ્રીરામે વિચાર્યું કે તાટકાના હાથ, નાક, કાન કાપી તેને મુક્ત કરી દેશે, પણ શ્રીરામ અને લક્ષ્મણજી પર સતત પથ્થર વરસાવી રહેલી તાટકાના હાથ કપાઈ ગયા છતાં માયા સર્જી એ બંને પર અનેક રીતે પથ્થર, વૃક્ષો વગેરેની વર્ષા કરતી રહી.
શ્રીરામે તેને બાણ માર્યાં, પણ એથી તાટકા મરી નહીં. એ સ્ત્રી છે એમ વિચારી શ્રીરામ અને હળવો દંડ જ આપી રહ્યા હતા. એ જોઈ વાલ્મીકિ રામાયણમાં વિશ્ર્વામિત્રજી શ્રીરામને કહે છે કે ‘આ શ્રાપયુક્ત રાક્ષસીને તમારા સિવાય કોઈ મારી શકશે નહીં, એટલે તેનો વધ કરી ઋષિઓને ભયમુક્ત કરો, ગૌબ્રાહ્મણનું રક્ષણ કરો. તાટકા અધર્મી છે, એનામાં લેશમાત્ર ધર્મ નથી. આવી સ્ત્રીનો વધ કરવામાં તમારા મનમાં ઘૃણા ઉત્પન્ન થવી ન જોઈએ. પ્રજાની રક્ષા એ તમારું કર્તવ્ય છે, ભલે એ કર્મથી દોષ લાગે, પણ ચારેય વર્ણોનું રક્ષણ કરવું એ ક્ષત્રિયોનો સનાતન ધર્મ છે. સાંભળ્યું છે કે પહેલાં પણ વિરોચન રાજાની પુત્રી મંથરા જે પૃથ્વીનો નાશ કરવા માગતી હતી તેનો ઇન્દ્રદેવે વધ કર્યો હતો, તો ઇન્દ્રને મારવા તત્પર થયેલી ભૃગુની પત્ની અને શુક્રની માતા ખ્યાતિએ બળવાન રાક્ષસોને છુપાવી રાખ્યા અને ચક્રધારી ભગવાન વિષ્ણુથી તેમને બચાવ્યા હતા. એ કારણે તેનો ભગવાન વિષ્ણુએ વધ કર્યો હતો. એટલે તમે પણ આ તાટકાનો વધ કરી સમગ્ર વિસ્તારને ભયમુક્ત કરો.’
તાટકા સ્ત્રી હોવાને લીધે તેના પર પ્રહાર કરવામાં સંકોચ કરનારા શ્રીરામને વિશ્ર્વામિત્રજી વિગતે એ સ્ત્રી હોવા છતાં પુરુષોથી પણ ભયંકર એવા તેના પૌરુષને વર્ણવે છે. કંબ રામાયણમાં વિશ્ર્વામિત્રજી શ્રીરામને કહે છે કે ‘જો આના નામમાત્રથી પૌરુષયુક્ત બળશાળી યોદ્ધાઓનું બળ નષ્ટ થઈ જતું હોય તો આના સિવાય પુરુષત્વ અન્યત્ર કયું? તાટકાએ ઇન્દ્રને હરાવ્યો, અસુરો અને દેવતાઓ પણ તેનાથી હારી અહીંથી ભાગી ગયા, એના બાહુ જો પર્વતો સમાન વિશાળ હોય તો પુરુષો અને આ રાક્ષસીના પૌરુષમાં ક્યાં ભેદ છે? એણે સહસ્રો જીવોનો નાશ કર્યો છે, ઋષિઓને માર્યા છે અને ધર્મની હાનિ કરી છે એટલે એનું પુરુષ હોવું – ન હોવું એના નાશ માટે સહેજ પણ વિચાર માગતું નથી!’
ઋષિ વિશ્ર્વામિત્રે શ્રીરામને કહ્યું કે સંધ્યા સમયે રાક્ષસોની તાકાત અનેકગણી વધી જાય છે, એટલે એ પહેલાં એનો વધ કરવો જરૂરી છે અન્યથા હાથ-પગ ન હોવા છતાં માયા સર્જી એ લડશે અને એને હરાવવી મુશ્કેલ થઈ જશે. શ્રીરામે મહાભયાનક તીર એની છાતીમાં માર્યું જેથી એ પૃથ્વી પર પડી મરી ગઈ, એની સમગ્ર માયા નાશ પામી તથા સમગ્ર વનવિસ્તાર એના ભયથી મુક્ત થયો. કંબ લખે છે કે રામે તાટકાની છાતીમાં મારેલું બાણ એને વીંધીને એમ આરપાર નીકળી ગયું જેમ વિદ્વાનોનો ઉપદેશ મૂર્ખોના મનની આરપાર જતો રહે છે. સુબાહુનો પણ યજ્ઞમાં વિઘ્ન નાખવા આવતી વખતે શ્રીરામે વધ કર્યો. મારીચ ત્યાંથી ભાગી ગયો અને વનમાં ઋષિવેશે જીવવા લાગ્યો, પણ રાવણે તેને સીતાના અપહરણ વખતે સ્વર્ણમૃગનું રૂપ લઈ શ્રીરામને પર્ણકુટિથી દૂર લઈ જવાનું કામ આપ્યું જે એણે અનિચ્છાએ કર્યું. એ પણ અંતે શ્રીરામના જ હાથે મૃત્યુ પામ્યો.
કંબ અને વાલ્મીકિ જ્યારે તાટકા નામ આપે છે ત્યાં ગોસ્વામી તુલસીદાસજી તાડકા નામ આપે છે. ગોસ્વામીજી ફક્ત બે પંક્તિમાં જ તાડકાવધનો પ્રસંગ આલેખે છે.
चले जात मुनि दीन्हि देखाई । सुनि ताडका क्रोध करि धाई ॥
एकहिं बान प्रान हरि लीन्हा। दीन जानि तेहि निज पद दीन्हा ॥
સીતાજીનું હરણ કરવા માટે સ્વર્ણમૃગનું રૂપ લેવા રાવણ મારીચને કહે છે ત્યારે મારીચ તેમને શ્રીરામના બળનું વર્ણન કરતાં કહે છે,

जेहिं ताडका सुबाहु हति खंडेउ हर कोदंड।
खर दूषन तिसिरा बधेउ मनुज कि अस बरिबंड
રામાયણનાં બધાં જ સ્વરૂપોમાં રામ દ્વારા રાક્ષસો સાથે યુદ્ધ અને વધની આ પ્રથમ કથા છે. કંબને તાટકાને સૌથી વધારે શક્તિશાળી અને ભયાનક વર્ણવી છે, વાલ્મીકિના શ્રીરામ મહામાનવ પૂર્ણપુરુષ છે, જ્યારે તુલસીદાસજી અને કંબન માટે એ પૂર્ણ પરમેશ્ર્વર પરમાત્મા પણ છે. પોતાના આરાધ્યનો ભવ્ય વિજય દર્શાવવા કંબને આ પ્રસંગને અન્ય કોઈ પણ રામાયણ કરતાં વધુ બૃહદ આલેખ્યો છે. કંબન તાટકા વધ પછી એમ પણ લખે છે કે એ ભૂમિ પર પડી ત્યારે જાણે રાવણના સામ્રાજ્યની ધ્વજાપતાકા પણ તૂટીને ભૂમિ પર પડી. ભવિષ્યમાં થનારા રાવણ સાથેના યુદ્ધ સાથે એ તાટકાને સીધી સાંકળી આપે છે. કંબન તાટકા વધ પછી દેવતાઓ દ્વારા શ્રીરામ પર પુષ્પવૃષ્ટિ તથા દેવતાઓના શ્રીરામ પ્રત્યે આભાર દર્શનની વાત પણ વિગતે વર્ણવે છે જે માનસમાં જોવા મળતી નથી.
આપણા ગ્રંથોમાં રાક્ષસ કહેવાયેલી વ્યક્તિઓ પોતાની અવિચારી ભૂલને લીધે શ્રાપ મળવાથી, બળ અથવા સમૃદ્ધિના અતિશય અભિમાનને લીધે કરેલાં દુષ્ટ કૃત્યોથી કે પોતાના કુવિચારોને લીધે રાક્ષસપણું પામે છે. રાવણ અને વિભીષણ બંને રાક્ષસ હોવા છતાં કર્મોને લીધે રાવણનો વધ થયો, જ્યારે વિભીષણનો રાજ્યાભિષેક થયો. રાક્ષસો પણ સત્પુરુષો છે જ! એ દર્શાવે છે કે વિચારોની મલિનતા કે કુટીલતા સારા માણસને પણ રાક્ષસ જેવો બનાવે છે, જ્યારે સદ્વિચાર રાક્ષસ તરીકે જન્મ્યા હોવા છતાં સન્માન
અપાવે છે.

Google search engine